શૈક્ષણિક લાયકાત કરતા વધુ શૈક્ષણિક લાયકાત હોવાની હકીકત છુપાવી SMCમાં બેલદારની નોકરી મેળવનારની ધરપકડ

- નાનપુરા ખારવાવાડના ભદ્રેશકુમાર મહેતાએ એસ.વાય.બીકોમનો અભ્યાસ અધૂરો છોડયો હતો છતાં માત્ર ધો.7 થી વધુ ભણ્યો નથી તેવું બાહેંધરીપત્રક લખી આપી નોકરી મેળવી હતી
- બે વર્ષ અગાઉ થયેલી અરજીમાં SMC એ તપાસ કરતા તેનું જુઠાણું પકડાયું હતું
સુરત,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર
સુરત મહાનગરપાલિકામાં શૈક્ષણિક લાયકાત કરતા વધુ શૈક્ષણિક લાયકાત હોવાની હકીકત છુપાવી બેલદારની નોકરી મેળવનાર નાનપુરા ખારવાવાડના રહીશની લાલગેટ પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2017-18 દરમિયાન સફાઈ કામદાર, તાલીમાર્થી બેલદાર વિગેરેની ભરતીની જાહેરાતના અનુસંધાનમાં ભદ્રેશકુમાર સુરેશભાઇ મહેતા ( રહે.1/773, સેઇલર કલબ પાસે, બેજનજી કોટવાલ સ્ટ્રીટ, ખારવાવાડ, નાનપુરા, સુરત ) એ તાલીમાર્થી બેલદારની પોસ્ટ માટે અરજી કરી પુરાવા રજૂ કર્યા હતા.તેમાં તેણે પાનીબેન.આર.કોન્ટ્રાકટર પ્રાથમિક શાળામાંથી ધો.7 સુધીનો અભ્યાસ વર્ષ 2002 માં પાસ કર્યો હોવાના દસ્તાવેજ રજૂ કરી તેથી વધુ ભણ્યો નથી તેવું બાહેંધરીપત્રક પણ લખી આપ્યું હતું.તેને 8 માર્ચ 2019 ના રોજ નોકરી ઉપર લેવામાં આવ્યો હતો.જોકે, માર્ચ 2021 માં તેના વિરુદ્ધ એક અરજી થઈ હતી અને જણાવ્યું હતું કે તેણે સુમુલ ડેરી રોડ સ્થિત બરફીવાલા કોલેજમાંથી એફ.વાય.બીકોમ પાસ કર્યા બાદ એસ.વાય.બીકોમનો અભ્યાસ અધૂરો છોડયો હતો.
અરજીની તપાસમાં તેનું જુઠાણું પકડાતા છેવટે અઠવાડીયા અગાઉ મહાનગરપાલિકાના મહેકમ વિભાગના સેક્શન ઓફિસર કિરણકુમાર નટવલાલ ગાંધીએ તેના વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.લાલગેટ પોલીસે ગતરોજ સીઝનલ વેપાર પણ કરતા ભદ્રેશકુમાર સુરેશભાઇ મહેતા ( ઉ.વ.31, હાલ રહે.ફલેટ નં.20, શિવાલી એપાર્ટમેન્ટ, પોર મહોલ્લો, નાનપુરા, સુરત ) ની ધરપકડ કરી હતી.

