સુરત: કતારગામમાં માસ્કનો દંડ ભરવા ઇન્કાર કરી માથાકૂટ કરનાર વધુ એકની ધરપકડ
- સુરતમાં કેટલા માણસો માસ્ક પહેર્યા વગર ફરે છે, તમે કેટલાની રસીદો બનાવો છો તેમ કહી દંડ ભરવા ઇન્કાર કરી લોકોનું ટોળું એકત્ર કર્યું હતું
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 22 જુલાઈ 2020, બુધવાર
સુરતના કતારગામ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી માસ્ક નહીં પહેરનારા પોલીસ સાથે માથાકૂટ કરતા હોય તેવા બનાવો બની રહ્યા છે. ગતસાંજે ચીકુવાડીમાં માસ્ક પહેર્યા વિના મળેલા વેપારીએ સુરતમાં કેટલા માણસો માસ્ક પહેર્યા વગર ફરે છે, તમે કેટલાની રસીદો બનાવો છો તેમ કહી દંડ ભરવા ઇન્કાર કરી લોકોનું ટોળું એકત્ર કરી પોલીસ સાથે માથાકૂટ કરતા કતારગામ પોલીસે વેપારી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કતારગામ પોલીસ ગતસાંજે પેટ્રોલીંગમાં હતી ત્યારે 7 વાગ્યાના અરસામાં કતારગામ ચીકુવાડી માં ખોડલ ફોટો ફ્રેમીંગ એન્ડ લેમીનેશન પાસે વેપારી વિશાલ પ્રતાપભાઈ કાકલોતર ( ઉ.વ.30 ) ( રહે. ઘર નં.105, રંગદર્શન સોસાયટી, ચીકુવાડી ચાર રસ્તા, કતારગામ, સુરત ) માસ્ક પહેર્યા વિના ઉભો રહેલો મળી આવ્યો હતો.
આથી પોલીસે તેને માસ્ક ન પહેરવા બદલ દંડ ભરવા કહ્યું હતું. જોકે, વિશાલે હું દંડ ભરવાનો નથી, તમારે જે કરવું હોય તે કરો, સુરતમાં કેટલા માણસો માસ્ક પહેર્યા વગર ફરે છે, તમે કેટલાની રસીદો બનાવો છો, તમે પોલીસ માણસોને લૂંટવા ઉભા છો તેમ કહી દંડ ભરવા ઇન્કાર કરી લોકોનું ટોળું એકત્ર કર્યું હતું. કતારગામ પોલીસે વિશાલ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે કતારગામ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી માસ્ક નહીં પહેરનારા પોલીસ સાથે માથાકૂટ કરતા હોય તેવા બનાવો બની રહ્યા છે.