સુરત: પાલ- પાલનપોરમાં સતત ડ્રેનેજ ઉભરાવવાનું નવું કારણ બહાર આવ્યું
પાલિકાના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓનું કારસ્તાન અનેક ઢોરના તબેલાના જોડાણ ડ્રેનેજ માં આપી દેવાયા
પાલનપોર વિસ્તારના અનેક ઢોરના તબેલા ના જોડાણ કર્મચારીઓની મીલી ભગત માં ડ્રેનેજમાં જોડી દેવાયા હોવાની સંખ્યાબંધ ફરિયાદ
સુરત, તા. 19 માર્ચ 2023 રવિવાર
સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં પાલ- પાલનપોર વિસ્તારમાં સતત ડ્રેનેજ ઓવરફ્લો થવાની સમસ્યાનું એક નવું જ કોરાણ બહાર આવ્યું છે. ઝોનના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓની મીલી ભગત માં અનેક ઢોરના તબેલા ના જોડાણ સીધા ડ્રેનેજમાં કરી દેવામાં આવ્યા હતા. ઢોરના તબેલા ની ગંદકી અને મોટી માત્રામાં પાણીનો ભરાવો થતો હોય વારંવાર ડ્રેનેજ ચોક અપ અને ઓવર ફ્લો થતા હોવાની સમસ્યા થઈ રહી છે. આ અંગેની ફરિયાદ બાદ નગરસેવકોએ રસ લઈ ડ્રેનેજ માંથી કેટલાક તબેલાના જોડાણ દુર કરાવ્યા છે પરંતુ હજી પણ અનેક તબેલાનું પાણી ડ્રેનેજમાં સીધું જતું હોવાથી સમસ્યામાં વધારો થઈ રહ્યો છે.
સુરત મહાનગરપાલિકાના રાદેર ઝોનમાં છેલ્લા કેટલાક વખતથી ડ્રેનેજ ઓવર ફ્લો કે ચોક અપ થતા હોવાની ઢગલે બંધ ફરિયાદ છે. આ અંગે પાલિકા દ્વારા એવું કહેવામા આવતું હતું કે આ વિસ્તારની વસ્તી અનેક ગણી વધી ગઈ છે એટલે આ સમસ્યા થઈ રહી છે. વસ્તી વધારો સમસ્યાનું કારણ છે પરંતુ તેની સાથે પાલિકાના રાંદેર ઝોનના ડ્રેનેજ વિભાગની કરતુતના કારણે પાલ- પાલનપોરના લાખો લોકો રોજ હેરાન થઈ રહ્યાં છે. આ વિસ્તારમાં સમયાંતરે ડ્રેનેજ ઓવર ફ્લો થવાથી ગંદુ પાણી રસ્તા પર આવે છે. તેની પાછળ પાલિકાના કેટલાક કર્મચારીઓ જવાબદાર છે.
પાલકિાના રાંદેર ઝોનના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓએ આ વિસ્તારના સંખ્યાબંધ ઢોરના તબેલાના જોડાણ પાલિકાના ડ્રેનેજમાં આપી દીધા હતા. આ અંગેની અનેક ફરિયાદ બાદ સ્થાનિક કોર્પોરટેરોએ અંતગ રસ લેતાં આખી વાત બહાર આવી હતી. અનેક ઢોરના તબેલાના જોડાણ ડ્રેનેજમાં હોવાથી ડ્રેનેજ ચોક અપ અને ઓવર ફ્લોની સમસ્યા વધી રહી હતી. હાલમાં નગર સેવકોની સુચના બાદ કેટલાક તબેલાના જોડાણ ડ્રેનેજમાંથી દુર કરવામા આવ્યા છે. પરંતુ હજી પણ સંખ્યાબંધ તબેલાના જોડાણ ડ્રેનેજમાં છે તેને દુર કરવાની માગણી સાથે જે કર્મચારીઓની મીલી ભગતમાં ડ્રેનેજમાં તબેલાના જોડાણ થયાં છે તેવા કર્મચારીઓ સામે પણ પગલાં ભરવા માગણી થઈ રહી છે.