Gujarat

કાર વૃક્ષ સાથે અથડાતા સુરત ફાયરના બે કર્મચારી સહિત ત્રણના મોત

By GS Team
13 Dec 20212 mins read
This article was originally published on 13 Dec 2021
કાર વૃક્ષ સાથે અથડાતા સુરત ફાયરના બે કર્મચારી સહિત ત્રણના મોત

-પાંચેય મિત્રો ભિનારમાં મિત્રના લગ્નમાં હાજરી આપી તરકાણી ગામે મ્યુઝિક પાર્ટી જોવા જતા હતા

બારડોલી

સુરત જિલ્લાના મહુવા તાલુકાના  આંગલધરા ગામે મધ્ય રાત્રિએ મારૃતિ અર્ટીગા કાર રોડ સાઇડે વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા સુરત ફાયર બ્રિગેડના બે કર્મ ચારી સહિત ત્રણ યુવાનના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે યુવાનને ઇજા થઇ હતી. સુરત ફાયર બ્રિગેડના બે કર્મચારી સહિત પાંચેય મિત્રો ભિનાર લગ્નમાંથી તરકાણી ગામે મ્યુઝિક પાર્ટી જોવા જતા હતા.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કંબોયા ગામે આમલા ફળિયામાં નિલકમલ ગુલાબભાઈ પટેલ (ઉ.વ.૨૫) પરિવાર સાથે રહેતો હતો અને સુરત ફાયર બ્રિગેડમાં નોકરી કરતો હતો. રવિવારે નિલકમલ પોતાની મારૃતિ અર્ટીગા કાર (નં.જીજે-૨૧- સીબી- ૩૯૭૪) માં પોતાના મિત્ર નિલેશ હરેશભાઈ પટેલ (રહે. લાખાવાડી, ડુંગરી ફળીયું, તા.વાંસદા) અને યોગેશ ધનસુખભાઈ પટેલ (ઉ.વ.૨૧, રહે. કંબોયા) સાથે ભીનાર ગામે સુરત મહાનગરપાલિકામાં નોકરી કરતા મિત્રના લગ્નમાં ગયા હતા. જ્યાં નિલકમલ સાથે સુરત ફાયર બ્રિગેડમાં નોકરી કરતો પિનલ રમણભાઈ આહિર (ઉ.વ.૨૮) અને પરિમલ નટુભાઈ પટેલ (બંને રહે. ફડવેલ, તા.ચીખલી) મળ્યા હતા. બાદમાં પાંચેય મિત્રો ભેગા થઈ અર્ટીંગા ગાડીમાં બેસી મહુવા તાલુકાના તરકાણી ગામે મ્યુઝિક પાર્ટી જોવા જવા નીકળ્યા હતા.

દરમિયાન મધ્ય રાત્રીના એક વાગ્યાના સુમારે અનાવલ થી વાંસદા જતા રોડ ઉપર આંગલધરા ગામે કાર ચાલક નિલકમલ પટેલે ગાડી પુરઝડપે હંકારી સ્ટેયરીંગ ઉપરથી કાબૂ ગુમાવી રોડ સાઈડે વૃક્ષ સાથે કાર ધડાકાભેર અથડાવી દેતાં નિલકમલ પટેલ અને યોગેશ પટેલને ગંભીર ઈજા થતાં સ્થળ ઉપર મોત નિપજ્યા હતા. જ્યારે અન્યોને અનાવલ સરકારી દવાખાને સારવાર માટે લઈ જતાં ફરજ પરના ડોક્ટરે પિનલ આહિરને મૃત જાહેર કર્યો હતો. જ્યારે નિલેશ પટેલને વધુ સારવાર માટે વાંસદા હોસ્પિટલમાં અને પરિમલને આલીપોર દવાખાને દાખલ કર્યા છે. આ બનાવ અંગે મહુવા પોલીસે ઇજાગ્રસ્ત નિલેશ પટેલની ફરિયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.