For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આફતને અવસરમાં બદલવાના સૂત્રને સાર્થક કરતી સુરતની મહિલા : ગૃહિણીઓને પગભર કરવા અને ગૌશાળા બનાવવા શરૂ કર્યો ગૃહઉદ્યોગ

Updated: Mar 18th, 2023

Article Content Image

- ઉમરના એક પડાવ બાદ મહિલાએ અન્ય મહિલાઓને પગભર કરવા અને ગૌશાળા બનાવવા શરૂ કર્યો ગૃહઉદ્યોગ

સુરત, તા.18 માર્ચ 2023,શનિવાર      

આફતને અવસરમાં બદલવાના સૂત્રને લઈને એક મહિલાએ કોરોના બાદ ગૃહિણીઓ પગપર થઈ શકે અને એક ગૌશાળા બનાવી શકે તે માટે 53 વર્ષે ગૃહઉદ્યોગની શરૂઆત કરી અને આજે 50 જેટલી મહિલાઓને કામ આપીને પગભર કરી છે. સાથે પોતાનું એક સપનું ગૌશાળા બનાવવાનુંએ પણ પોતાની મહેનત થકી તે પૂરું કરવા માટે પણ કાર્ય કરી રહ્યા છે.

ઘણા બધા લોકોના કોરોના બાદ કામ છૂટી બેકાર બન્યા હતા તો ઘણા લોકોના ધંધા રોજગાર બંધ થઈ જતા પોતાના વતન પરત કરવું પડ્યું હતું, જો કે આમાંથી ઘણા લોકો એવા પણ છે કે જે આફતને અવસરમાં બદલીને પોતે તો કામ કરતા થયા અને અન્ય મહિલાઓને પણ કામ આપી પગભર કરી હતી. નાના વરાછા ખાતે રહેતા 53 વર્ષીય અનિલાબેન રૂપાપરા એક ગૃહિણી છે. જેમણે કોરોનાની મહામારી બાદ પોતે એક ગૃહઉદ્યોગ શરૂ કર્યો જેનાથી પોતે તો પગભર થાય જ પંરતુ સાથે અન્ય મહિલાઓ પણ પોતાનું ગુજરાન ચલાવી શકે. આ અંગે અનિલાબેન રૂપાપરાંએ કહ્યું કે" કોરોના મહામારીમાં ઘણા બધા લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા, મારી સોસાયટીમાં મારી આજુબાજુ રહેતા ઘણા લોકોએ કામ છૂટી જતા પોતાના વતન પરત ફરવું પડ્યું હતું, તે સમયે વડાપ્રધાન મોદીનો એક મંત્ર ચાલતો હતો કે આફતને અવસરમાં બદલો અને તેમના આ સૂત્રથી હું ખૂબ જ પ્રભાવિત થઈ હતી. મેં તે સમયે 2021 માં સોલાર બ્યુટી પ્રોડક્ટ બનાવવાની શરૂઆત કરી. એ પહેલા હું એ પ્રોડક્ટ બનાવતા શીખી હતી. આ માટે મારા પતિને વાત કરી અને તેમને મને સંપૂર્ણ સહકાર આપ્યો હતો. કારણકે ઉંમરના એક પડાવ પર આવીને નવું કામ શરૂ કરવું ખૂબ જ અઘરું હોય છે, પરંતુ મારા પતિએ મને સપોર્ટ કરતા મેં મારા કામની શરૂઆત કરી, ધીરે ધીરે હું કામ શીખી અને ત્યારબાદ મેં પહેલી વખત સોલાર કુકરની ખરીદી કરી. કુકર ખરીદ્યા બાદ મેં તેમાં અલગ અલગ પ્રોડક્ટ બનાવવાની શરૂઆત કરી અને આજુબાજુની મહિલાઓને પણ કામ આપવાની શરૂઆત કરી આજે 50 જેટલી મહિનાઓ કામ કરી રહી છે અને જાતે કમાણી કરી રહી છે.

વધુમાં અનીલાબેનએ કહ્યું કે મારું એક અન્ય સપનું એ હતું કે મારે એક ગૌશાળા બનાવવી છે. હું અને મારા પતિ એકલા જ રહીએ છીએ. મારે ગૌશાળા બનાવી હતી, પરંતુ તે મારી મહેનતના પૈસાથી બનાવી છે. કોઈપણ વ્યક્તિ પાસે દાન નથી લેવું અને તેથી જ મેં આજ સુધી કોઈની પાસે દાન દીધું નથી. આ કામ શરૂ કરવા પાછળ આ એક હેતુ પણ હતો કે હું પગપર થાવ અને પૈસા ભેગા કરી એક ગૌશાળા બનાવું.

Gujarat