સુરત: સ્મીમેર હોસ્પિટલમા વેન્ટિલેટર પર રહ્યા બાદ 63 વર્ષીય વૃદ્ધને કોરોનાને આપી મ્હાત
- માત્ર 10 દિવસમાં અમારી મુશ્કેલીને ખુશીમાં ફેરવી, ડોક્ટરોનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી: પુત્ર અનિલ
સુરત, તા. 24 જુલાઈ 2020, શુક્રવાર
કોરોના વાયરસ નાના બાળકો અને વૃદ્ધોને સૌથી વધારે અસર કરે છે, ખાસ કરીને આજ સુધીના આંકડાઓ તપાસવામાં આવે તો વૃદ્ધો માટે કોરોના જોખમી સાબિત થયો છે, પરંતુ આવા આ સંજોગોમાં કોરોના સંક્રમિત વેડરોડના 63 વૃદ્ધ વેન્ટિલેટર પર રહ્યા બાદ ડોક્ટર યોગ્ય સારવાર આપતા સાજા થઈને ઘરે ગયા હતા.
વેડરોડ વિસ્તારના પ્રભુનગરમાં રહેતા 63 વર્ષિય જેઠાભાઈ ગુજરીયા કોરોના પોઝિટિવ આવતાં ગત તા.10મી સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બાદમાં તેમને શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ થતી હતી. દર્દીને સીવી સ્ટોકની અસર પણ હતી. શરૂઆતમાં સાત દિવસ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. એ સમયે કિડની અને લિવરમાં સોજો પણ આવ્યો હતો. પરંતુ દવાથી અને વેન્ટિલટરની મદદથી શ્વાસોચ્છવાસને નિયંત્રિત કરાયા. ત્યારબાદ ધીરે ધીરે માસ્ક પર લાવવામાં આવ્યા. બાદ ડોક્ટરની ટીમ તેને યોગ્ય સારવાર આપતા તેમની તબિયતમાં ધીરે ધીરે સુધારવા લાગ્યું હતું આજે સામાન્ય રૂમ એર પર જેઠાભાઈ સંપૂર્ણ સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત જઈ રહ્યા છે.
માત્ર 10 દિવસમાં અમારી મુશ્કેલીને ખુશીમાં ફેરવી એમ જેઠાભાઈના પુત્ર અનિલભાઈ જણાવે છે. તેઓએ આભારની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, ગત તા.10મીએ મારા પિતાજીને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારથી જ પરિવાર સહિત સ્વજનોમાં ઘણી ચિંતા હતી. એમાંય પિતાને શ્વાસની તકલીફ હતી, એટલે શરૂઆતથી વેન્ટિલેટર રાખવામાં આવ્યા હતા. અહીં આવ્યા ત્યારે હાલત અતિ ગંભીર હતી. છેલ્લે ઈશ્વરીય રૂપમાં સેવા કરતાં ડોક્ટરો પર વિશ્વાસ રાખ્યો કે તેઓ જે કરશે તે સારૂ કરશે. આજે મારા પિતાને ગંભીર હાલતથી ઉગાર્યા અને એમને સંપૂર્ણ સ્વસ્થ કર્યા એની મારી અને મારા પરિવારની ખુશી વર્ણવવા અને તબીબોનો આભાર માનવા મારી પાસે કોઈ શબ્દો નથી કે સ્મીમેર હોસ્પિટલની સરાહના કરતા તેમણે કહ્યું કે, ઘર પરિવારની જેમ જ ડોક્ટરો અને નર્સ સારસંભાળ રાખતા હતાં, એવું મારા પિતા અમને ફોન ઉપર કહેતા ત્યારે અમને ખુબ નિરાંત થતી.’