સુરત: જાપાન માર્કેટમાં દુકાનના ઓટલા ઉપર જુગાર રમતા 6 ઝડપાયા, રોકડા રૂ.28,500 કબ્જે
- કોરોનાને લીધે માર્કેટ બંધ હોય મજૂરો, રીક્ષા ચાલક જુગાર રમતા હતા
સુરત, તા.24 જુલાઇ 2020, શુક્રવાર
કોરોનાને લીધે માર્કેટ બંધ હોય ગતસાંજે દુકાનના ઓટલા ઉપર જુગાર રમતા 6 શ્રમજીવીઓને મહિધરપુરા પોલીસે ઝડપી પાડી રોકડા રૂ.28,500 કબ્જે કરી તેમના વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે, મહિધરપુરા પોલીસે ગતસાંજે જાપાન માર્કેટમાં છાપો માર્યો હતો. પોલીસે કોરોનાને લીધે લગભગ બંધ એવા માર્કેટના પહેલા માળે દુકાન નં.જે/62 ની બહાર પેસેજમાં ઓટલા ઉપર બેસી જુગાર રમતા શ્રમજીવી વેંકટભાઇ સોમાઐયા ગોને, દામોદર સત્યનારાયણ શામળા, રીક્ષાચાલક રમેશભાઇ અલૈયા જીલ્લા, ખાનગી નોકરી કરતા પ્રવિણભાઇ ઉખાલા વેકન્ના, શ્રમજીવી શ્રીનુ સુદર્શન ગોદુરૂ અને લોકેશ ચંદ્રુયા પાગુને ઝડપી લીધા હતા.
પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.28,500 કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારા ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પણ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.