કાર્તિગઈ દીપમ:તમિલનાડુનો પ્રાચીન દીવાઓનો તહેવાર, મહા દીપમથી અજ્ઞાન પર પ્રકાશના વિજયનું પ્રતીક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કાર્તિગઈ દીપમ એ મુખ્યત્વે તમિલનાડુ (તેમજ કેરળ, કર્ણાટક અને શ્રીલંકા)માં ઉજવાતો દીવાઓનો અત્યંત પ્રાચીન અને પવિત્ર તહેવાર છે. જે મુખ્યત્વે ભગવાન શિવની આરાધના તથા પ્રકાશના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. કેરળમાં આ તહેવારને 'થ્રિકાર્તિકા' તરીકે ઓળખવામાં આવે છે.
મુખ્ય માહિતી
- ઉજવણી: તમિલ પંચાંગના કાર્તિગઈ મહિનામાં (નવેમ્બર-ડિસેમ્બર).
- રાજ્ય: તમિલનાડુ.
- મુખ્ય સ્થળ: તિરુવન્નામલાઈ.
- આરાધ્ય દેવતા: ભગવાન શિવ.
- પ્રતીક: પ્રકાશ, જ્ઞાન અને અજ્ઞાન પર વિજય.
વર્તમાન પ્રવાહોમાં કેમ ચર્ચામાં છે?
કાર્તિગઈ દીપમ વિવાદનું મૂળ તિરુપરંકુન્દ્રમ ટેકરી પર આવેલી સિકંદર બદુશા દરગાહ નજીકના પ્રાચીન પથ્થરના સ્તંભ ‘દીપથૂન’ પર દીપ પ્રગટાવવાની પરંપરા સાથે જોડાયેલું છે. આ વિવાદની શરૂઆત નવેમ્બર 2025માં થઈ હતી, જ્યારે તત્કાલીન ડીએમકે સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું કારણ આગળ ધરીને ટેકરી પર દીપ પ્રગટાવવાની મંજૂરી નકારી કાઢી હતી. ત્યારબાદ શ્રદ્ધાળુ રામા રવિકુમારની અરજી પર મદ્રાસ હાઈકોર્ટે દીપ પ્રગટાવવાની વિધિની મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો હતો, જેની સામે ટીવીકે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ગત 20 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે માત્ર એક દિવસ માટે એટલે કે 24 નવેમ્બરે દીપથૂન પર પરંપરાગત દીપ પ્રગટાવવાની મંજૂરી આપી છે, પરંતુ અદાલતે આ ચુકાદામાં જમીનની માલિકી અને પરંપરાગત ધાર્મિક અધિકારો જેવા મોટા મુદ્દાઓનો અંતિમ નિકાલ કર્યો નથી.
ઐતિહાસિક અને સાહિત્યિક સંદર્ભ
- તે તમિલ પ્રદેશના સૌથી પ્રાચીન તહેવારોમાંનો એક છે.
- પ્રખ્યાત સંગમ કાવ્યસંગ્રહો જેવા કે 'અકનાનુરુ' અને 'નર્રિનાઈ' તેમજ કવયિત્રી અવવૈયારની રચનાઓમાં આ તહેવારનો ઉલ્લેખ 'પેરુવિઝા' (પ્રકાશનો મહાઉત્સવ) તરીકે કરવામાં આવ્યો છે.
ધાર્મિક અને પૌરાણિક મહત્ત્વ
- પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન શિવે બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ અનંત અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થઈ પોતાની અનંત શક્તિનું દર્શન કરાવ્યું હતું.
- આ પ્રસંગની સ્મૃતિમાં કાર્તિગઈ દીપમ ઉજવવામાં આવે છે.
- આ દિવસે ઘરો અને મંદિરોમાં માટીના દીવા પ્રગટાવવામાં આવે છે.
મુખ્ય ધાર્મિક પરંપરાઓ
- મહા દીપમ: તિરુવન્નામલાઈના અરુણાચલ પર્વતની ટોચ પર વિશાળ પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવે છે.
- ગિરિવલમ: શ્રદ્ધાળુઓ અરુણાચલ પર્વતની આશરે 14 કિમીની પરિક્રમા કરે છે.
- અગલ વિલક્કુ: ભક્તો ઘરો અને મંદિરોમાં ઘી અથવા તલના તેલના માટીના દીવાઓ (અગલ વિલક્કુ) પ્રગટાવે છે.
- ચોક્કા પનાઈ: શિવ મંદિરોની સામે તાડના પાંદડામાંથી બનાવેલા વિશાળ સ્તંભનું દહન (બોનફાયર) કરવામાં આવે છે, જે અજ્ઞાન અને અહંકારના નાશનું પ્રતીક છે.




