Daily Current Affairs

ચક્રવાત મુરાસુ: બંગાળની ખાડીમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી તોફાન, આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું

By GS Team
3 Nov 20263 mins read
TukuTouch Logo
બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે ગંભીર ચક્રવાતી તોફાન 'મુરાસુ' માં પરિવર્તિત થયું છે. આ ચક્રવાત 100 થી 110 કિમી/કલાકની ઝડપ સાથે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું છે. ભારતે સૂચવેલું 'મુરાસુ' નામ તમિલ ભાષામાંથી આવ્યું છે, જેનો અર્થ પરંપરાગત યુદ્ધ ઢોલ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચક્રવાત મુરાસુ: બંગાળની ખાડીમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી તોફાન, આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું

તાજેતરમાં, બંગાળની ખાડી પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી તોફાન 'મુરાસુ' માં ફેરવાયું છે. આ ચક્રવાત 100 થી 110 કિમી/કલાકની પવનની ઝડપ સાથે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધીને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું છે. 

ચક્રવાત 'મુરાસુ' વિશે 

મુરાસુ બંગાળની ખાડીના પશ્ચિમ-મધ્ય અને તેની નજીકના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું (Severe Cyclonic Storm) છે. જેનો વિકાસ ઉત્તર-પૂર્વ ચોમાસાની સક્રિય ઋતુ દરમિયાન થયો હતો. ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પવનની સતત ઝડપ 48 થી 63 નોટ્સ (89  થી 117 કિમી/કલાક) સુધીની હોય છે.

ચક્રવાતનું નામકરણ 

આ નામ ભારત દ્વારા સૂચવવામાં આવ્યું છે . 'મુરાસુ' શબ્દ તમિલ ભાષા માંથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ પરંપરાગત યુદ્ધ ઢોલ અથવા નગારા જેવું વાજિંત્ર થાય છે. 

વાવાઝોડાનું નામકરણ WMO/ESCAP પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન્સ (PTC) ના 13 સભ્ય દેશો દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી મુજબ કરવામાં આવે છે.

ઉષ્ણકટિબંધીય ચક્રવાત કેવી રીતે સર્જાય છે? 

1. દરિયાઈ સપાટીનું તાપમાન (SST): સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય રીતે 26.5°C કે તેથી વધુ હોય ત્યારે ગરમ સમુદ્રમાંથી પાણીનું બાષ્પીભવન વધે છે. ભેજયુક્ત હવા ઉપર ઊઠે છે અને ઠંડી પડતાં જળબિંદુઓમાં સંઘનન થાય છે. આ પ્રક્રિયામાં મુક્ત થતી ગુપ્ત ઉષ્મા (Latent Heat) ચક્રવાતને ઊર્જા પૂરી પાડે છે. 

2. કોરિઓલિસ બળ: પૃથ્વીના પરિભ્રમણને કારણે હવાના પ્રવાહની દિશામાં વિચલન થાય છે, જેને કોરિઓલિસ બળ કહે છે. વિષુવવૃત્તની નજીક આ બળ ખૂબ નબળું હોવાથી સામાન્ય રીતે ત્યાં ચક્રવાત બનતા નથી. સામાન્ય રીતે વિષુવવૃત્તથી આશરે 5° અક્ષાંશથી દૂર આ બળ ચક્રવાતને ઘૂમરાતી ગતિ આપવામાં મદદ કરે છે. ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાત ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અને દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. 

૩. ઊંચાઈ સાથે પવનની ગતિ અને દિશામાં ઓછો ફેરફાર: વાતાવરણમાં ઊંચાઈ વધતાં પવનની ગતિ અથવા દિશામાં મોટો ફેરફાર ન હોય તો ચક્રવાતના વિકાસ માટે અનુકૂળ સ્થિતિ સર્જાય છે. વધુ વર્ટિકલ વિન્ડ શિયર ચક્રવાતના ઊભા વાદળોના માળખાને વિખેરી શકે છે અને તેની તીવ્રતા ઘટાડી શકે છે. 

4. અપર-લેવલ ડાઇવર્જન્સ: ચક્રવાતના ઉપરના વાતાવરણીય સ્તરે હવા બહાર તરફ ફેલાય છે. તેનાથી નીચેના સ્તરમાંથી વધુ ભેજયુક્ત હવા ઉપર ઊઠી શકે છે અને સપાટી પરનું હવાનું દબાણ ઘટવામાં મદદ મળે છે. પરિણામે આસપાસની હવા નીચા દબાણના કેન્દ્ર તરફ (ચક્રવાતની આંખનું ક્ષેત્ર) ઝડપથી પ્રવેશે છે અને ચક્રવાત વધુ મજબૂત બની શકે છે. 

ઉષ્ણ કટિબંધીય ચક્રવાત Vs સમશીતોષ્ણ ચક્રવાત

image.png

અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

પ્રશ્ન 1: ચક્રવાત અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતનો મુખ્ય ઊર્જા સ્રોત 'ગુપ્ત ઉષ્મા' છે, જ્યારે ઉષ્ણ કટિબંધીય ચક્રવાતનો મુખ્ય ઊર્જા સ્રોત 'વાતાગ્રીય ઉત્થાપન' ને કારણે થતું ઘનીકરણ છે.

2. સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતનું વિસર્જન અધિધારણ પ્રક્રિયાને કારણે થાય છે, જ્યારે ઉષ્ણ કટિબંધીય ચક્રવાતનું વિસર્જન ભેજ પુરવઠો બંધ થવાને કારણે થાય છે.

3. સામાન્ય રીતે સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતની ગતિની દિશા પશ્ચિમથી પૂર્વ હોય છે, અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતની ગતિની દિશા પૂર્વથી પશ્ચિમ હોય છે.

4. ઉષ્ણકટિબંધીય ચક્રવાતનો પ્રભાવ વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત કરતાં ઘણો મોટો હોય છે. ઉપર પૈકી ક્યાં વિધાનો સાચાં છે?

(A) ફક્ત 1 અને 4

(B) ફક્ત 1 અને 3

(C) ફક્ત 2 અને 4

(D) ફક્ત 2 અને 3

પ્રશ્ન 2: વિષુવવૃતની નજીક ઉષ્ણ કટિબંધીય ચક્રવાત સર્જાતા નથી નીચેનામાંથી તેનું મુખ્ય કારણ છે-

1. કોરિયોલિસબળ શૂન્ય હોય છે.

2. ગુરુત્વાકર્ષણ ખેંચાણ મૂલ્ય સૌથી ઓછું હોય છે.

3. પવનદાબ રેખાઓને કાટખૂણે વહે છે.

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(A) ફક્ત 1

(B) ફક્ત 1 અને 2

(C) 1, 2 અને 3 

(D) ફક્ત 1 અને 3

પ્રશ્ન 3: ઉષ્ણકટિબંધીય ચક્રવાત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લોઃ

1. આ ચક્રવાત ફક્ત સમુદ્રોમાં જ ઉત્પન્ન થાય છે.

2. આ ચક્રવાત સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતની સરખામણીએ વધુ વિનાશકારી હોય છે.

3. આ ચક્રવાત પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે.

ઉપર પૈકી ક્યું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1 અને 2

(B) ફક્ત 2

(C) ફક્ત 1 અને 3

(D) 1, 2 અને 3