Daily Current Affairs

ચક્રવાત ‘અર્નબ’: બંગાળની ખાડીમાં સર્જાયેલું અતિ ગંભીર ચક્રવાતી તોફાન આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ

By GS Team
28 Oct 20264 mins read
TukuTouch Logo
ભારતીય હવામાન વિભાગ અનુસાર, 28 ઑક્ટોબર 2026ની વહેલી સવારે ચક્રવાત 'અર્નબ' આંધ્ર પ્રદેશ અને યનમના દરિયાકાંઠે ત્રાટક્યું. બાંગ્લાદેશ દ્વારા નામ અપાયેલું આ 'અતિ ગંભીર ચક્રવાતી તોફાન' (VSCS) 118 થી 166 કિમી/કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ લાવી રહ્યું છે. આ વાવાઝોડું બંગાળની ખાડીમાં શરૂ થયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ચક્રવાત ‘અર્નબ’: બંગાળની ખાડીમાં સર્જાયેલું અતિ ગંભીર ચક્રવાતી તોફાન આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ

ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત અર્નબે 28 ઑક્ટોબર 2026ની વહેલી સવારે આંધ્ર પ્રદેશ અને યનમના દરિયાકાંઠા પર લેન્ડફોલ પ્રક્રિયા શરૂ કરી હતી. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાઈ રહ્યો છે. 

ચક્રવાત 'અર્નબ' 

IMD ના વર્ગીકરણ મુજબ આ એક અતિ ગંભીર ચક્રવાતી તોફાન (VSCS) છે, જેમાં પવનની સતત મહત્તમ ઝડપ 64 થી 89 નોટ્સ (118 થી 166 કિમી/કલાક) સુધી પહોંચી શકે છે.

આ વાવાઝોડું પૂર્વ-મધ્ય અને તેને અડીને આવેલી દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ઓછા દબાણના ક્ષેત્ર તરીકે શરૂ થયું હતું. ત્યારબાદ તે ક્રમશઃ ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને ચક્રવાતમાં ફેરવાઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું હતું.

નામકરણ

અર્નબ નામ બંગાળી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ 'મહાસાગર' અથવા 'વિશાળ સમુદ્ર' થાય છે. આ નામ બાંગ્લાદેશ દ્વારા સૂચવવામાં આવ્યું છે.

ઉત્તર હિંદ મહાસાગરના વાવાઝોડાનું નામકરણ WMO/ESCAP પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન્સ (PTC) ના 13 સભ્ય દેશો દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી મુજબ કરવામાં આવે છે.

ઉષ્ણકટિબંધીય ચક્રવાત કેવી રીતે સર્જાય છે? 

1. દરિયાઈ સપાટીનું તાપમાન (SST): સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય રીતે 26.5°C કે તેથી વધુ હોય ત્યારે ગરમ સમુદ્રમાંથી પાણીનું બાષ્પીભવન વધે છે. ભેજયુક્ત હવા ઉપર ઊઠે છે અને ઠંડી પડતાં જળબિંદુઓમાં સંઘનન થાય છે. આ પ્રક્રિયામાં મુક્ત થતી ગુપ્ત ઉષ્મા (Latent Heat) ચક્રવાતને ઊર્જા પૂરી પાડે છે. 

2. કોરિઓલિસ બળ: પૃથ્વીના પરિભ્રમણને કારણે હવાના પ્રવાહની દિશામાં વિચલન થાય છે, જેને કોરિઓલિસ બળ કહે છે. વિષુવવૃત્તની નજીક આ બળ ખૂબ નબળું હોવાથી સામાન્ય રીતે ત્યાં ચક્રવાત બનતા નથી. સામાન્ય રીતે વિષુવવૃત્તથી આશરે 5° અક્ષાંશથી દૂર આ બળ ચક્રવાતને ઘૂમરાતી ગતિ આપવામાં મદદ કરે છે. ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાત ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અને દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. 

૩. ઊંચાઈ સાથે પવનની ગતિ અને દિશામાં ઓછો ફેરફાર: વાતાવરણમાં ઊંચાઈ વધતાં પવનની ગતિ અથવા દિશામાં મોટો ફેરફાર ન હોય તો ચક્રવાતના વિકાસ માટે અનુકૂળ સ્થિતિ સર્જાય છે. વધુ વર્ટિકલ વિન્ડ શિયર ચક્રવાતના ઊભા વાદળોના માળખાને વિખેરી શકે છે અને તેની તીવ્રતા ઘટાડી શકે છે. 

4. અપર-લેવલ ડાઇવર્જન્સ: ચક્રવાતના ઉપરના વાતાવરણીય સ્તરે હવા બહાર તરફ ફેલાય છે. તેનાથી નીચેના સ્તરમાંથી વધુ ભેજયુક્ત હવા ઉપર ઊઠી શકે છે અને સપાટી પરનું હવાનું દબાણ ઘટવામાં મદદ મળે છે. પરિણામે આસપાસની હવા નીચા દબાણના કેન્દ્ર તરફ (ચક્રવાતની આંખનું ક્ષેત્ર) ઝડપથી પ્રવેશે છે અને ચક્રવાત વધુ મજબૂત બની શકે છે. 

પર્યાવરણીય અને આપત્તિ વ્યવસ્થાપન મહત્વ

  • ચોમાસા પછીની તટીય સંવેદનશીલતા: ઓક્ટોબર-નવેમ્બર માસ દરમિયાન બંગાળની ખાડીમાં સર્જાતા ચક્રવાત આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારે જોખમ ઊભું કરે છે.
  • આંતરિક પ્રદેશોમાં અસર: આગળ વધીને આ ચક્રવાત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે પ્રતિક્રિયા કરી ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ અને કૃષિ નુકસાન પહોંચાડી શકે છે.
  • ઝીરો-કેઝ્યુઅલ્ટી ગવર્નન્સ: આ પરિસ્થિતિ ઓડિશા (OSDMA), આંધ્રપ્રદેશ (APSDMA) અને NDRF ની આગોતરી ચેતવણી અને આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાની કસોટી કરે છે.

ઉષ્ણ કટિબંધીય ચક્રવાત Vs સમશીતોષ્ણ ચક્રવાત

image.png

અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

પ્રશ્ન 1: ચક્રવાત અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:

  1. સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતનો મુખ્ય ઊર્જા સ્રોત 'ગુપ્ત ઉષ્મા' છે, જ્યારે ઉષ્ણ કટિબંધીય ચક્રવાતનો મુખ્ય ઊર્જા સ્રોત 'વાતાગ્રીય ઉત્થાપન' ને કારણે થતું ઘનીકરણ છે.
  2. સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતનું વિસર્જન અધિધારણ પ્રક્રિયાને કારણે થાય છે, જ્યારે ઉષ્ણ કટિબંધીય ચક્રવાતનું વિસર્જન ભેજ પુરવઠો બંધ થવાને કારણે થાય છે.
  3. સામાન્ય રીતે સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતની ગતિની દિશા પશ્ચિમથી પૂર્વ હોય છે, અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતની ગતિની દિશા પૂર્વથી પશ્ચિમ હોય છે.
  4. ઉષ્ણકટિબંધીય ચક્રવાતનો પ્રભાવ વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત કરતાં ઘણો મોટો હોય છે. ઉપર પૈકી ક્યાં વિધાનો સાચાં છે?

(A) ફક્ત 1 અને 4

(B) ફક્ત 1 અને 3

(C) ફક્ત 2 અને 4

(D) ફક્ત 2 અને 3

પ્રશ્ન 2: વિષુવવૃતની નજીક ઉષ્ણ કટિબંધીય ચક્રવાત સર્જાતા નથી નીચેનામાંથી તેનું મુખ્ય કારણ છે-

  1. કોરિયોલિસબળ શૂન્ય હોય છે.
  2. ગુરુત્વાકર્ષણ ખેંચાણ મૂલ્ય સૌથી ઓછું હોય છે.
  3. પવનદાબ રેખાઓને કાટખૂણે વહે છે.

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(A) ફક્ત 1

(B) ફક્ત 1 અને 2

(C) 1,2 અને 3

(D) ફક્ત 1 અને 3

પ્રશ્ન 3: ઉષ્ણકટિબંધીય ચક્રવાત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લોઃ

  1. આ ચક્રવાત ફક્ત સમુદ્રોમાં જ ઉત્પન્ન થાય છે.
  2. આ ચક્રવાત સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાતની સરખામણીએ વધુ વિનાશકારી હોય છે.
  3. આ ચક્રવાત પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે.

ઉપર પૈકી ક્યું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1 અને 2

(B) ફક્ત 2

(C) ફક્ત 1 અને 3

(D) 1,2 અને 3