ધારીયું મારી હાથમાંથી કાંડુ ઉડાડી દીધું
- દિવાળીના તહેવારમાં ના ઝઘડો કહી છોડાવવા ગયેલા પિતા-પુત્ર પર જ સશસ્ત્ર હુમલો
દાહોદ,તા 11 નવેમ્બર 2018 રવિવાર
સીંગવડ તાલુકાના કરમદી ગામે કોઇ કારણસર થયેલ ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા બાપ દિકરા પર ધારીયાથી થયેલ વારમાં બાપનો હાથ કાંડામાંથી કપાતા કાંડુ જુદુ થઇ જતાં ગંભીર ઇજા થવા પામી હોવાનું તથા દીકરા હથેળીમાં ગંભીર ઇજા કરી તેમજ અન્ય બે વ્યક્તિને પણ ઇજાઓ પહોંચાડયાનું જાણવા મળેલ છે.
સીંગવડ તાલુકાના કરમદી ગામનો બનાવ પુત્રની હાલત ગંભીર ઃ અન્ય બેને પણ ઇજા
કરમદી ગામના નીલેશભાઇ મંગળાભાઇ ભાભોર, સુરેશભાઇ મંગળાભાઇ ભાભોર, જગદીશભાઇ ભાભોર, મંગળાભાઇ તથા કલસીંગભાઇ ભાભોર ગતબપોરે કરમદી ગામે નિશાળ ફળીયામાં રહેતા યોગેશભાઇ બારીયા ગતરોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે તેમના જ ગામના નિલેશભાઇ બારીયાના ઘરે આવ્યા હતા અને ગાળો બોલી ઝઘડો કર્યો હતો. તે વખતે યોગેશભાઇ વીરસીંગભાઇ બારીયા તથા તેના પિતા વીરસીંગભાઇ બારીયાએ વચ્ચે પડી, તહેવારના દિવસે શું કામ ઝઘડો છો ? તેમ કહેતા નિલેશભાઇ ભાભોર એકદમ ઉશ્કેરાયો હતો અને તેના હાથમાનું ધારીયુ વીરસીંગભાઇને ડાબા હાથના કાંડાના ભાગે મારી કાંડાનો ભાગ હાથથી અલગ કરી દઇ અતીગંભીર ઇજા કરી હતી, અને યોગેશભાઇને ડાબા હાથે હથેળીના ઉપરના ભાગે મારી ઇજા કરી હતી તથા નિલેશભાઇ તથા શૈલેષભાઇને પણ માથાના ભાગે ધારીયુ મારી ગંભીર ઇજાઓ કરી હતી. જ્યારે સુરેશભાઇ મંગળાભાઇ, જયંતીભાઇ મંગળાભાઇ, મંગળાભાઇ રામસીંગભાઇએ યોગેશભાઇ વીંરસીંગભાઇ બારીયા તથા અન્યને ગડદાપાટુનો મારમારી ઇજાઓ પહોંચાડી હતી. આ સંબંધે ઇજાગ્રસ્ત યોગેશભાઇ વીરસીંગભાઇ બારીયાએ રંધીકપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.