Get The App

લીમખેડાના વટેડા હાઇવે પર મોટા હાથીધરાના રાહદારીનું મોત

વાંકડી ગામે ટ્રક અને બુલેટના અકસ્માતમાં પાછળ બેઠેલા શખ્સને ઈજાઃદાતગઢ ગામે બસ પલટી જતા ચાલક સહિત ત્રણને ઇજા

Updated: Feb 25th, 2019

GS TEAM

Google News
Google News
લીમખેડાના વટેડા હાઇવે પર મોટા હાથીધરાના રાહદારીનું મોત 1 - image

દાહોદ તા.25 ફેબ્રુઆરી 2019 સાેમવાર

દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલા માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યાનું તેમજ ચાર વ્યક્તિને ગંભીર ઇજા થયાનું જાણવા મળેલ છે.

દાહોદ જિલ્લામાં બનેલા માર્ગ અકસ્માતના બનેલા ત્રણ બનાવો પૈકીનો એક બનાવ ગત રોજ બપોરે લીમખેડા તાલુકાના વટેડા ગામે હાઇવે ઉપર બનવા પામ્યો હતો. જેમાં એક ફોરવ્હીલ વાહનનો ચાલક તેના કબજાની ગાડી ગફલતભરી રીતે હંકારીને ઉત્તરપ્રદેશના મોરાઇ ગામના મૂળ વતની અને હાલ લીમખેડા તાલુકાના મોટાહાથીધરા ગામે રહેતા પગે ચાલતા જઇ રહેલા સાજનભાઇ હાથીભાઇ  મહાવતને અડફેટમાં લઇ રોડ પર પાડી દઇ પોતાના કબજાની મારૃતીગાડી લઇ નાસી જતા સાજનભાઇ હાથીભાઇ મહાવતને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજા થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતું.

ઉત્તરપ્રદેશના મોરાઇ ગામના મૂળ રહેવાસી અને હાલ મોટાહાથીધરા ગામના રાધેભાઇ સુમેરભાઇ મહાવતએ લીમખેડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બીજો બનાવ લીમખેડા તાલુકાના વાકડી ગામે શ્રીરામ હોટલની સામે રોડ ઉપર સાંજે બનવા પામ્યો હતો. જેમાં એક ટ્રકચાલક તેના કબજાની ટ્રક પુરઝડપે ગફલતભરી રીતે રોંગસાઇડમાં હંકારી લઇ આવી લીમખેડા તાલુકાના મોટીબાંડીબાર ગામના ઇમ્તીયાઝભાઇ દાઉદભાઇ સામદની બુલેટ મોટર સાયકલને ટક્કર મારતા બુલેટ મોટર સાયકલ ઉપર પાછળ બેઠેલ સોકતભાઇ સતારભાઇ પટેલ જમણા પગના ઢીંચણ નીચે ફ્રેકચર થયું હતું, તથા નાક ઉપર તેમજ શરીરે ઇજા થવા પામી હતી. ટ્રકચાલક તેના કબજાની ટ્રક લઇ નાસી ગયો હતો. મોટીબાંડીબાર ગામના ઇમ્તીયાઝભાઇ દાઉદભાઇ સામદએ લીમખેડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

ત્રીજો બનાવ ઝાલોદ તાલુકાના દાતગઢ ગામે રોડ ઉપર ગતરોજ સવારે બનવા પામ્યો હતો. જેમાં કમલભાઇ યાદનાથ ભદોરીયા  નામના વાહનચાલક પોતાના કબજાની બસ પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી રોડની ગટરમાં આડી પાડી દેતા બસમાં બેઠેલ પ્રેમનારાયણ  જાટવ, પરવેઝભાઇ ભારતસિંહ મીંદાના તથા બસના ચાલકને ગંભીર ઇજા થવા પામી હતી. તેમજ બસને નુકશાન થવા પામ્યુ હતું.

મધ્યપ્રદેશના મોરેનાજિલ્લાના ખીલીતાપોરસા ગામના સુભાષભાઇ બાલેસ્ટરભાઇ તોમરએ લીમડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

Tags :