સુખસર તા.18 માર્ચ 2020 બુધવાર
ફતેપુરા તાલુકામાં ગતરોજ ફતેપુરા તાલુકાના નવાતળાવ ગામે પતિએ પત્નીને ડાકણ હોવાનો શંકા રાખી તલવારના ઝાટકે મોત નિપજાવવાના બનાવની શાહી હજી સુકાઈ નથી.ગત રોજ રાત્રે સાગડાપાડા ગામે ૩૫ વર્ષીય મહિલાનું કોઈ અજાણ્યા હત્યારાઓએ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.
ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના માલાબારીયા ફળિયા ખાતે રહેતા કિરીટભાઈ જીથરાભાઈ અમલીયારનુ લગ્ન ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ ચાંદલી ફળિયા ખાતે રહેતા કાળુભાઈ માલની પુત્રી વનીતાબેન ઉંમર વર્ષ ૩૫ સાથે ગત દશેક વર્ષ અગાઉ થયેલ હતા.જેઓનાં સંતાનો સહિત પતિ-પત્નીનો ઘરસંસાર સારી રીતે ચાલતો હતો.પતિ કિરીટભાઈ અમલીયાર ગત દશેક દિવસ અગાઉ બે પુત્રીઓ સાથે મોડાસા બાજુ મજુરી કામે ગયેલ હતા.વનીતાબેન તથા તેના નાના પુત્ર સાથે નવીન મકાનનું બાંધકામ ચાલુ હોય ઘરે હતા.
આ મકાનનું બાંધકામ વનીતાબેનના પિયરના લોકો દ્વારા ચણતર કામ કરવામાં આવી રહ્યું હતુ.વનીતાબેન ચણતર મજૂરી કામમાં મદદ કરી રહ્યા હતા.ગતરોજ સાંજે સહી-સલામત વનીતાબેનના સસરા જીથરાભાઈ અમલીયારે પુત્રવધુ વનીતાબેનને જોયેલ હતા. તે બાદ તેઓ ઘરે જતા રહ્યા હતા.આજરોજ વહેલી સવારના વનીતાબેનના કાકા સસરા વકાભાઇ અમલીયારે જીથરાભાઈને જણાવેલ કે, વનિતાવહુ ખેતરમાં સૂઇ ગયેલા અને ઉઠતાં નથી.
તેવી બૂમ પાડતા આસપાસમાંથી લોકો દોડી આવતા વનીતાબેન જ્યાં પડયા ત્યાં જઈ તપાસ કરતા વનીતાબેન શરીરે એકદમ જકડાઈ શરીર ઠંડુ પડી ગયેલી હાલતમાં ઘરની પાછળના ભાગે આવેલ ખેતરમાં મરણ ગયેલી હાલતમાં પડેલા જોવા મળ્યા હતા.ગળાના ભાગે તાજો ઉઝરડો તથા સોજો આવી ગયેલ નજરે પડયો હતો.
પ્રથમ નજરે જોતાં વનીતાબેનને ગળું દબાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.જેથી જીથરાભાઈ અમલીયારએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી જવા પામી હતી. લાશને સુખસર સરકારી દવાખાનામાં લાવી પી.એમ કરાતા વનીતાબેન અમલીયારનુ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં તારણ આવવા પામ્યુ હોવાનું જાણવા મળે છે. હાલ વનીતાબેનની હત્યા બાબતે અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.હત્યારાઓની શોધખોળમાં પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે. જ્યારે હત્યારાઓ સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે સમય આવ્યેજ ખબર પડી શકે.
બનાવ સંદર્ભે મૃતક વનીતાબેનના સસરા જીથરાભાઈ અમલીયારે સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા હત્યારાઓની વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરી લાશને સરકારી દવાખાનામાં પી.એમ માટે મોકલી પી.એમ બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી હત્યારાઓની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી છે.


