દાહોદ તા.1 જાન્યુઆરી 2020 બુધવાર
ઝાલોદ તાલુકાના મુન્ડાહેડા ગામે એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે હંકારી લાવી એક બાઇકને અડફેટમાં લેતા બાઇક પર સવાર બે વ્યક્તિઓને શરીરે જીવલેણ ઈજા થતાં બંન્નેના મોત નીપજ્યા છે.
ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામે ચોરા ફળિયામાં રહેતા જારસીંગભાઈ દીતાભાઈ ડામોર અને રાજુભાઈ રમેશભાઈ ચારેલ બંન્ને ગત તા.૩૧ ના રોજ પોતાની બાઇક લઈ ઝાલોદ તાલુકાના મુન્ડાહેડા ગામેથી પસાર થઈ રહ્યા હતા.
તે સમયે એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપ હંકારી લાવી જારસીંગભાઈની બાઇકને અડફેટમાં લઈ ટક્કર મારી ટ્રક લઈ નાસી જતાં જારસીંગભાઈ અને રાજુભાઈને શરીરે જીવલેણ ઈજા થતાં બંન્નેનું મોત નીપજ્યું હતુ.
આ સંબંધે ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામે ચોરા ફળિયામાં રહેતા રમસુભાઈ દીતાભાઈ ડામોરે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


