Get The App

દાહોદના મુવાલિયા ખાતે 66 કેવીના બે ટાવરો ધરાશાયી

-અસંખ્ય વૃક્ષો પડી જતાં વાહનો દબાયા

Updated: Jun 12th, 2020

GS TEAM

Google News
Google News
દાહોદના મુવાલિયા ખાતે 66 કેવીના બે ટાવરો ધરાશાયી 1 - image

દાહોદ તા.12 જુન 2020 શુક્રવાર

દાહોદમાં મધરાત્રે ભારે પવન તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા અસંખ્ય વૃક્ષો ધરાશાયી થતાં કેટલાક વાહનોને નુકસાન થવા પામ્યું હતું સાથે સાથે શહેરના યાદગાર ચોક નજીક એક દીવાલ ધરાશાયી થઇ જવા પામી હતી. મધરાત્રે તોફાની પવન સાથે ત્રાટકેલા વરસાદના કારણે દાહોદના મુવાલિયા ખાતે આવેલા જેટકો વીજ સબસ્ટેશન પાસે આવેલા વીજળીના 66  કેવીના બે ટાવરો ભોંયભેગા થઇ જતા ચાર સબસ્ટેશનોમાં વીજળી ડુલ થઇ જવાથી શહેરના કેટલાક વિસ્તારો સહીત ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.

ધરાત્રે પડેલા વરસાદના કારણે અસહ્ય ગરમી તેમજ બફારા વચ્ચે શહેરીજનોની હાલત કફોડી બનવા પામી હતી. જિલ્લામાં 9 તાલુકા પૈકી ચારેક તાલુકાને બાદ કરતા તમામ જગ્યાએ સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાવા પામ્યો હતો. વાવાઝોડાના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા ટાવરોના સમારકામ માટે સવારથી જ મધ્ય ગુજરાત વીજ કંપની તેમજ જેટકોના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે જોતરાઈ ગયા હતા.

છેલ્લા કેટલાય દિવસથી દાહોદ શહેર સહીત જિલ્લામાં પડી રહેલી  અસહ્ય ગરમીના કારણે જિલ્લાવાસીઓ પરેશાન થઈ ગયા હતા. જ્યારે ચોમાસાના આગમનની સાથે એક દિવસ પહેલા પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જોકે ગઈકાલે અસહ્ય ગરમી તેમજ વરસાદ પડવાથી બફારાથી જિલ્લાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. 

ગઈકાલે મધ રાત્રીના ત્રણ વાગ્યાંના અરસામાં તોફાની પવન તેમજ વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદ વરસતા શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. શહેરની ગટરો ઉભરાતા નગર પાલિકાની પ્રિમાનસૂનની પોલ ખુલી જવા પામી હતી.ગઈકાલે દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં 22 મિ.મી દેવગઢ બારીયામાં 27 મી.મી, ઝાલોદમાં 11 મી.ધાનપુરમાં 16 મી.મી, સંજેલીમાં ૩૩ મી.મી વરસાદ વરસતા જિલ્લામાં ગઈકાલે 129  મી.મી એટલે  કુલ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

મધરાત્રે ફુંકાયેલા ભારે પવનની વચ્ચે વરસેલા વરસાદથી શહેરના પરેલ વિસ્તારમાં આવેલ સંખ્યાબંધ ઝાડ જમીનદોસ્ત થઈ જતા સમડી જેવા કેટલાક પક્ષીઓ પણ જમીન પર પટકાઈ ઘાયલ થતાં પ્રકૃતિ પ્રેમીઓએ રેસ્ક્યુ કર્યા હતા. નગરના યાદગાર નજીક  એક દિવાલ પણ ધરાશાયી થઈ જવા પામી હતી.ગાજવીજ તેમજ પ્રચંડ પવન સાથે થયેલા વરસાદના કારણે તોતિંગ વૃક્ષો ધરાશાયી  થઈ જતા તેમના નીચે આવેલા મકાનો તેમજ વાહનો પર પડવાના કારણે ભારે નુકસાન થયું છે. તેમજ મધ્ય ગુજરાત વીજ કંપનીના વિવિધ ફીડરની લાઈનોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે.

જેના કારણે દાહોદ થી નિકળતી 66 KV લાઈન ના બે (02) લોકેશન પરના ટાવરોને નુકશાન થયેલ હોઈ, 66 KV ના ચાર સબ સ્ટેશન (66 KV ખરોડ, ૬૬ણફ ખરેડી,  66 કેવી ફ નવાગામ અને 66 કેવી કઠલા) જેમાં થી નીકળતા કુલ બાવીસ (22) 11 KV લાઇનનો વીજ પુરવઠો બંધ કરી દેવાયો છે. દાહોદના સેવાસદન, કોર્ટ, છાપરી, ગોડી રોડ, મહાવીર નગર, જીઆઈડીસી, વિસ્તારમાં વીજળી ડુલ થઈ ગઈ હતી.

 દાહોદ શહેર ગ્રામ્ય પંથકમાં રાત્રે દરમિયાનથી અંધારપટ  છવાયેલો જોવા મળી રહ્યો છે નુકસાનીના કારણે વીજ પુરવઠો બંધ કરી  તમામ લાઈનો મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી  રહી છે.

Tags :