બેંક બહાર નાણાં લેવા ખાતેદારાેએ ડિસ્ટન્સ જાળવવા ચંપલ, બેગ મુકી લાઈનમાં વસ્તુઓ મુકી જગ્યા રોકી
દાહોદ તા.9 એપ્રિલ 2020 શુક્રવાર
દાહોદ શહેરની બેંકો ખાતે નાણા ઉપાડવા આજે વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સરકાર દ્વારા બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હોવાની માહિતી સાથે દાહોદ શહેર સહિત આજુબાજુની ગ્રામીણ વિસ્તારની પ્રજા બેંકો ખાતે ઉમટી પડી હતી. આ વખતે ગ્રાહકોએ બેંકની બહાર ડિસ્ટન્સ જાળવી લાઈનોમાં ઉભા રહેતા જાવા મળ્યા હતા.
સૌ કોઈએ બસમાં સફર તો કર્યો જ હશે. બસમાં ઘણી વખત ઘણી ભીડ હોવાને કારણે જ્યારે બસ સ્ટેશને બસની રાહ જાતા ઉભા રહીએ છીએ ત્યારે બસ આવતી હતા. બસમાં કે ટ્રેનમાં જગ્યા રોકવા માટે આપણે પોતાનો રૃમાલ, પોતાનુ બેગ વગેરે જેવી વસ્તુઓ બસ કે ટ્રેનની સીટ પર મુકી જગ્યા રોકી લેતા હોય છે. આવો જ એક નજારો આજે દાહોદની બેંકોની બહાર જાવા મળ્યો હતો. અસહ્ય તાપમાં ડિસ્ટન્સ રાઉન્ડમાં પોતાના ચપ્પલ,બેગ વગેરે મુકી લોકોએ પોતાની જગ્યા રોકી લીધી હતી. નાણાં ઉપાડવા કડકતા તાપમાં ઉભા રહેવાને બદલે પોતાનુ સ્થિત આ રીતે રોકી લેતા એક સમયે જુની યાદો ફરી તાજી થઈ હતી.
દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી જન ધન યોજનાના મહિલા ખાતેદારના ખાતામાં રૃ.૫૦૦ જમા થયાની જાહેરાત બાદ અને આ રકમ તારીખ ૯ એપ્રિલના બાદ ઉપાડી શકાશેની દાહોદ જિલ્લા કલેકટર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ દાહોદ શહેરની વિવિધ બેંકો ખાતે ખાસ કરીને મહિલા ખાતેદારની લાંબી લાઈનો જોવા મળી હતી.
વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, આ રકમ ઉપાડવા બેંકમાં જતી વેળા દોડધામ ન મચાવી તેમજ ડિસ્ટન્સનું પાલન કરી રકમ ઉપાડવાની રહેશે. બેંકોમાં લાંબી લાઈનોમાં ઉભા રહેતા દાહોદ તાલુકાની આજુબાજુની ગ્રામ્ય વિસ્તારની મહિલાઓની બેંક બહાર લાંબી કતારો જોવા મળી રહી હતી. આજે ગ્રાહકો દ્વારા ડિસ્ટન્સ જાળવી શાંતિપુર્ણ રીતે બેંકોમાંથી નાણાં ઉપાડી પોતાના ઘરે જવા રવાના થયા હતા.