દાહોદથી વડોદરા ખસેડાતી મહિલા દર્દીના બે સ્વજનનાં ખિસ્સાકાતરૂઓએ ખિસ્સા કાપ્યાં
-માર્ગ અકસ્માતમાં ઘાયલ મહિલાની ખબર પૂછવા જામેલી ભીડનો લાભ ઉઠાવી રૂ.૨.૬૫ લાખ સેરવી લીધા
દાહોદ,તા.24,જાન્યુઆરી,2019,ગુરૂવાર
દાહોદના ખાનગી દવાખાને સારવાર માટે લાવેલી ગંભીર ઇજાગ્રસ્ત મહિલાને વડોદરા ખસેડાતા તે મહિલાને વડોદરા લઇ જવા માટે દવાખાનામાંથી બહાર લાવી રહેલા બે સ્વજનોના ખિસ્સામાંથી ભીડનો લાભ લઇ કોઇ ખિસ્સા કાતરૂ પોતાનો કસબ અજમાવી રૂ.૨,૬૫૦૦૦ની રોકડ કાઢી લઇ ગયા હોવાનું જાણવા મળે છે.
પરમ દિવસ તા.૨૧મીની સવારે માર્ગ અકસ્માતમાં વનીતાબેન નામની મહિલાને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે દાહોદના દવાખાને લાવવામાં આવી હતી. જેના કારણે દવાખાનાની બહાર લોકોના ટોળેટોળા ભેગા થયા હતા.
ઇજાગ્રસ્ત વનીતાબેનની ઇજાની ગંભીરતાને ધ્યાને લઇ તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવાનું જણાવ્યુ હતુ જેથી ભંભોરી ગામના ૪૦ વર્ષીય ભોંકણ કિશોરસીંહ લબાના તથા ગણપતભાઇ દીતાભાઇ દાકલા એમ બંને જણા ગંભીર ઇજાગ્રસ્ત વનીતાબેનને ઉચકીને હોસ્પિટલમાંથી બહાર લાવી રહ્યા હતા તે દરમ્યાન કોઇ ખિસ્સા કાતરૂ ભીડનો લાભ લઇ ભોકણ કીશોરસિંહ લબાનાના ખિસ્સામાંથી રૂ.૨,૫૦,૦૦૦ તથા ગણપતભાઇ દીતાભાઇ દાતલાના ખિસ્સામાંથી રૂ.૧૫,૦૦૦ની રોકડ મળી રૂ. ૨,૬૫,૦૦૦ની રોકડ સીફતપૂર્વક સેરવી લઇ ગયો હતો.
આ સંબંધે ભંભોરી ગામના ભોકણ કીશોરસીંહ લબાનાએ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવતા પોલીસે આ સંદર્ભે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.