દાહોદ શહેરમાં ડ્રોનની મદદથી તંત્ર વિવિધ ગતિવિધી પર નજર રાખે છે
-જરૂરીયાતની વસ્તુ લેવા સિવાય કામ વિના ઘરની બહાર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી થશે
દાહોદ તા.28 માર્ચ 2020 શનિવાર
કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા 21 દિવસના લોકડાઉનના એલાનથી દેશના લોકોને ઘરમાં જ રહેવાના સુચનો કર્યા છે .આજરોજ દાહોદ જિલ્લામાં આ મામલે કડક અમલ થઈ રહ્યો છે. ડ્રોનની મદદ લઈ દાહોદ જિલ્લાના તમામ ગામો, શહેરો ઉપર તંત્ર દ્વારા નજર રખાઈ રહી છે.
ગુજરાતમાં કોરોના વાઇરસે પગપેસારો કરતાં આરોગ્ય તંત્ર અને સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા વધુ ન ફેલાય તે માટે દિવસ રાત એક કરી કામગીરી કરી રહી છે.લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ સાથે આરોગ્ય લક્ષી કામગીરી કરી રહ્યા છે.આજથી દાહોદ શહેર સહિત જિલ્લામાં ડ્રોનની મદદ લઈ સમગ્ર જિલ્લામાં નજર રખાઈ રહી છે.
દાહોદ શહેર સહિત જિલ્લામાં વીજ પુરવઠો ન ખોરવાય અને વીજ પુરવઠો મળી રહે તે માટે જિલ્લા વીજ કચેરી દ્વારા સતત 24 કલાક ફરજ બજાવી રહી છે.દાહોદ જિલ્લામાં આજથી વહીવટી તંત્ર વધુ સખત બની છે .વગર કામે અવર જવર કરતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓ અને ઘરની બહાર બેસી રહેતા લોકો સામે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી કરી રહી છે. દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે પોલીસ દ્વારા આવા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી વાહનોની કબ્જે લીધા હતા.