સીમલીયાખુર્દ ગામે પંચાયતની ચૂંટણીમાં વોટ નહીં આપવા બાબતે એક વ્યક્તિ પર હુમલો
દાહોદ,તા.1 ફેબ્રુઆરી 2019,શુક્રવાર
દાહોદ તાલુકાના સીમલીયાખુર્દ ગામે પંચાયતની ચુંટણીમાં વોટ ન આપવાના મામલે થયેલ ઝઘડામાં ગોફણ વડે પથ્થરમારો તથા તીરમારો કરી એક ઈસમને ઈજા પહોંચાડી તથા ઘરો પર પથ્થરમારો કર્યાનું જાણવા મળેલ છે.
દાહોદના સીમલીયાખુર્દ ગામના સુકીયાભાઈ ફુલચંદભાઈ આમલીયાર, કલચંદભાઈ દલાભાઈ આમલીયાર, તથા રાકેશભાઈ દલાભાઈ આમલીયાર ગત તા.રરમીના રોજ બપોર દુરથી તેમના ગામના આમલી ફળીયાના બચુભાઈ ધનજીભાઈ આમલીયાર તથા તેમના માણસોને ગાળો આપી તમોએ અમોને વોટ કેમ આપ્યો ન હતો ? તમારા વોટ નહી મળવાના કારણે બીજીયાભાઈ હારી ગયા છે .
તેમ કહી બેફામ ગાળો બોલી સુકીયાભાઈએ તેની પાસેની ગોફણથી બચુભાઈ ધનજીભાઈ અમલીયારના ઘર તરફ પથ્થરો મારવાનું ચાલુ કર્યું હતુ. તે વખતે એક પથ્થર બચુભાઈની ડાબી આંખનાખુણા પાસે વાગી જતા ઈજા થવા પામી હતી. કલચંદભાઈએ તેના હાથમાંની તીરકામઠીથી તીરો છોડયા હતા પણ કોઈને ઈજા થઈ ન હતી.
જ્યારે રાકેશભાઈ દલાભાઈ એ તેના હાથમાંની ગોફણથી બચુભાઈ તથા અન્યના ઘરો પર પથ્થરમારો કર્યો હતો. આ સંબંધે સીમલીયા ખુર્દ ગામના બચુભાઈ ધનજીભાઈ અમલીયારે કતવારા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.