ગલાલપુરા પાસે કાર ઉથલી પડતાં આધેડ મહિલાનું સારવાર દરમિયાન મોત
-પરિવારના સભ્યો સંતરામપુર રવાડીનો મેળો જોવા જતા હતાઃ ત્રણે ઈજાગ્રસ્તોને સંતરામપુર ખસેડાયા હતા
ફતેપુરા તા.20 સપ્ટેમ્બર 2019 શુક્રવાર
ફતેપુરા તાલુકાના ગલાલપુરા પાસે સંતરામપુર રવાડીનો મેળો જોવા જઈ રહેલા પરિવારજનોને ગમખ્વાર અકસ્માત સર્જાતાં બે મહિલાને ગંભીર ઈજા થતાં તેમને સંતરામપુર દવાખાને ખસેડાતા એક આધેડ મહિલાનું સારવાર દરમિયાન કરૃણ મોત નિપજ્યું હતુ.
ફતેપુરાના રહીશ રાહુલ સુભાષભાઈ અગ્રવાલ તેમની અર્ટિકા કારમાં પરિવારજનો સાથે સંતરામપુર રવાડીના મેળો જોવા નિકળ્યા હતા. તેમની સાથે વિજયકુમાર અગ્રવાલ, હેતલબેન અગ્રવાલ, તથા હંસાબેન અગ્રવાલ હતા.
ગલાલપુરા બસ સ્ટેન્ડ પાસે તેમની અર્ટિકા કાર ખાડામાં પડતા ઉછળીને ઊંધી વળી ગઈ હતી. તેમાં હંસાબેન અગ્રવાલને માથામાં ગંભીર ઈજા થઈ હતી. અને હેતલબેન અગ્રવાલ અને વિજયકુમાર અગ્રવાલને પણ ઈજા થઈ હતી. હંસાબેન અને હેતલબેનને દવાખાને ખસેડાયા બાદ હંસાબેનની તબિયત વધુ લથડી હતી. તેમણે શ્વાસ છોડી દીધો હતા. બનાવ અંગે કલ્પેશકુમાર અગ્રવાલે નોંધાવેલી ફરિયાદના આધારે ગાડીના ચાલક રાહુલ અગ્રવાલ સામે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.