લખણા ઘોજીયા ગામે મતદાન કર્યા બાદ પિતાને અગ્નિદાહ આપ્યો
દેવગઢ બારીઆ તા.25 એપ્રિલ 2019 ,ગુરૂવાર
ધાનપુર તાલુકાના લખણા ઘોજીયા ગામે મતદાનના દિવસે પિતાનુ અવસાન થતાં પુત્રએ પહેલાં મતદાનની ફરજ નિભાવી બાદમાં પિતાને સ્મશાનમાં અગ્નિદાહ આપ્યો હતો.
મતદાનના દિવસે ૩૩ વર્ષની અભેસિંહ કલા ભાઈ નાયકના પિતા કલા ભાઈ માનસીગ નાયકનું ૬૨ વર્ષની ઉંમરે સવારે ૮-૩૦ વાગે અવસાન થયું હતું. તેના ઘરમાં અને ફળિયામાં રોકકળ મચી હતી.
પિતાની નનામી ઘરે તૈયાર હતી. આવી દુઃખની ધડીમાં પણ પુત્ર અભેસિહે મનને સ્થિર રાખીને પિતાને સ્મશાને લઈ જતાં પહેલાં દેશના નાગરિક તરીકેની ફરજ બજાવી મતદાન કર્યું હતું.
ઉપરાંત ગામ લોકો સ્મશાને આવે અને તેઓ મતદાનથી વંચિત રહી ન જાય તે માટે મતદાનનો સમય પતી ગયા બાદ તેમની સ્મશાનયાત્રા કાઢી પિતાના મૃતદેહને સ્મશાને લઈ જઈ અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ બજાવી હતી.
પછાત વિસ્તારમાંથી ગામડાની એક સામાન્ય નાગરિકે શિક્ષિત લોકો જેઓ પોતાના મતનું મહત્વ નથી સમજતા તેવા સભ્ય સમાજને પ્રેરણા આપે તેવો દાખલો બેસાડયો છે.