ધાનપુર તાલુકામાં માનવભક્ષી દિપડાનો આતંક
-ઢોર ચરાવતી કિશોરીનો શિકારઃપંથકમાં ભય
દાહોદ તા.23 નવેમ્બર 2018 શુક્રવાર
બે દિવસમાં બે બનેલા બનાવના પગલે ધાનપુર તાલુકામાં પુનઃ માનવ ભક્ષી દિપડાએ આતંક મચાવતા ધાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાના આતંકથી ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પુનાકોટા ખલતાના સીમાડાવાળા જંગલમાં ઢોરો ચરાવી રહેલી એક ૧૧ વર્ષીય છોકરીનું માનવભક્ષી દીપડાએ મારણ કરતા જિલ્લાના ધાનપુર, પંથકમાં ભય સહિતનો ફફડાટ ફેલાવા પામ્યો છે. ત્યારે વનવિભાગ પણ ઉંઘતુ ઝડપાયું હોય તેમ સહસા જાગી દિપડાને પાંજરે પુરવાના પ્રયાસો હાથ ધર્યા છે.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કોટંબી ગામના જંગલમાં ઢોરો ચરાવતી ૯ વર્ષીય છોકરીનું માનવભક્ષી દિપડાએ ઓચિંતો હુમલો કરી મારણ કર્યું હતુ. તે ઘટનાથી વનવિભાગ ચિંતાતુર હતુ તેવા સમયે ફરીવાર ધાનપુર તાલુકાના પુનાકોટા ખલતાના જંગલમાં બપોરે દોઢેક વાગ્યાના સુમારે ખલતા ગામના કાયલા ફળીયા રહેતી ૧૧ વર્ષીય જાશનાબેન સનાભાઈ મડીયાભાઈ પરમાર પોતાના ઢોરો ચરાવી રહી હતી. તે દરમ્યાન ત્યાં અચાનક આવી ચડેલા માનવભક્ષી દિપડાએ જાશનાબેન પરમાર પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી નાસી ગયો હતો. ધાનપુર તાલુકામાં બે દિવસમાં માનવભક્ષી દિપડાના હુમલાના બનેલા બે બનાવોના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ભય સહિતનો ફફડાટ ફેલાવા પામ્યો છે. મોતને ભેટેલી જાશનાબેન પરમારના મૃતદેહને પીએમ માટે ધાનપુર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો.