દાહોદના મામલતદાર રૂ. 31 હજારની લાંચ લેતા ઝડપાયા
દાહોદ તા. 15 ઓગસ્ટ 2018, સોમવાર
જમીનની એન્ટ્રી રેવન્યુ રેકર્ડમાં કરવા માટે દાહોદના મામલતદાર દિનેશ નગીનભાઇ પટેલે રૂ. 95 હજારની લાંચ સ્વીકાર્યા બાદ વધુ રૂ. 31 હજારની લાંચ લેતા આજે તેઓ પોતાની કચેરીમાં જ રંગે હાથ ઝડપાઇ ગયાં હતા.
પ્રાપ્ત માહિતિ મુજબ દાહોદમાં જમીન માલિકે રેવન્યુ રેકર્ડમાં નામ ચઢાવવા માટે મામલતદાર કચેરીમાં અરજી કરી હતી.
જો કે મામલતદારે જમીનની એન્ટ્રી કરવા માટે સવા લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી અને તે અંતર્ગત એક ખાનગી વ્યક્તિ દ્વારા મામલતદાર દિનેશ પટેલે રૂ.૭5 હજાર સ્વીકાર્યા હતાં.
લાંચની આ રકમ લીધા બાદ બાકીનું કામ પુરુ કરવા માટે વધારાના રૂ.51 હજાર આપવાનું નક્કી થયું હતું.
મામલતદારે લાંચની રકમ પૈકી રૂ. 2૦ હજાર પોતાના બેંક ખાતામાં ડિપોઝીટ કરાવ્યા હતા અને ત્યાર બાદ અન્ય રકમ રૂ.31 હજાર રૂબરુ આપવી તેમ નક્કી થયું હતું.
દરમિયાન આ અંગે જમીન માલિકે લાંચ રુશ્વત વિરોધી બ્યુરોને જાણ કરતા ગાંધીનગર અને અમદાવાદ એસીબી દ્વારા દાહોદ મામલતદાર કચેરીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું અને રૂ.31 હજાર લાંચ લેતા મામલતદાર દિેનેશ પટેલને રંગે હાથ ઝડપી પાડયા હતાં.
દાહોદમાં એસીબીએ ક્લાસ-2 અધિકારીને લાંચ લેતા ઝડપી પાડયા હોવાનો મેસેજ વાયુ વેગે અન્ય સરકારી કચેરીમાં પ્રસરતા આ કચેરીઓમાં પણ સન્નાટો છવાઇ ગયો હતો. ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ એસીબીએ મામલતદારની ધરપકડ કરી તેઓના ઘેર સર્ચની કામગીરી હાથ ધરાઇ છે.