ઉમરિયા ડેમમાંથી સર્જાયેલા ઊંડા ધરામાં જોખમી ભૂસકાં મારતા બાળકો
-ઊંડા પાણીમાં નાહવા જતાં તાજેતરમાં છ મોત થયા હતા
લીમખેડા તા.14 જૂન 2019 શુક્રવાર
લીમખેડા તાલુકાના ઉમરિયા ડેમમાંથી છલકાયેલા પાણીના ધોધથી સર્જાયેલા ઉંડા ધરામાં ભર ઉનાળે પણ ભરપૂર પાણી જોવા મળે તેટલી ઉંડાઈવાળો આ ધરો છે. તેમાં ડેમની દિવાલ પર ઉંચે અને ઉંચે સુધી ચડી ઉનાળાની ગરમીમાં રાહત મેળવવા બાળકો ભૂસકો મારી જાનનના જોખમે આનંદ મેળવી રહ્યાં છે. ઉંડા પાણીમાં નાહવા જતાં તાજેતરમાં છ મોત નોંધાયા છે.
આવી જોખમી પ્રવૃત્તિ તરફ ડેમ સત્તાવાળાઓનું ધ્યાન દોરાયુ હોય તેમ લાગતું નથી. જિલ્લામાં પાણીમાં ડુબી જવાથી મૃત્યુ પામવાના ઢગલાં બંધ બનાવો દર વર્ષે નોંધાતા રહ્યાં છે. આમ છતાં બાળકોના કુટુંબીઓની આંખ આવી જોખમી પ્રવૃત્તિ સામે હજી કેમ ઉઘડતી નથી તે એક પ્રશ્ન છે.
ઉમરીયા ડેમ છલકાઈને પડતાં ધોધના સ્થળે ઉંડાઈનાં કારણે ભર ઉનાળે પણ પાણીનો સંગ્રહ થયેલો રહે છે. તેથી ડેમ વિસ્તાર નજીકમાં રહેતા બાળકો બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા માટે આ સ્થળે નાહવા માટે આવતા રહે છે. અને ડેમની દિવાલ પર જેટલી હદે ચઢાય તેટલી ઉંચાઈએથી પાણીમાં ભૂસકા મારી મોતને નોતરી રહ્યાં છે. પરંતુ ડેમ સત્તાવાળાઓ કદાચ આ જાણતા હોવા છતાં કોઈ મોટી જાનહાનિ થવાની રાહ જોઈને બેઠા લાગે છે.
દિવસ દરમિયાન અહી આવીને અસંખ્ય બાળકોને ઉંડા પાણીમાં ભુસકા મારીને જીવસટોસટની રમત રમતા અટકાવવામાં આવે તે હિતાવહ છે. તંત્ર સત્વરે તાલુકાના આવા અનેક સ્થળો પર પાણીમાં જીવના જોખમે નાહતાં બાળકોને અટકાવવા પ્રતિબંધ લાદે તેવી લોકમાંગ ઉઠી છે.
ગયા વર્ષમાં ભીમપુરા નદીમાં નાહવા જતાં હબી ગયેલા એક બાળકનું મોત થયું હતુ. તો લીમખેડાની હડફ નદીમાં ઉંડા પાણીમાં નાહવા પડેલા બે યુવકનું ડુબી જતાં મોત ના અલગ અલગ બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. તો અગારા તળાવમાં ડુબી જતાં એક કિશોરનું પણ મોત થયુ હતુ.