દાહોદ ,તા.૦પ,ઓકટોબર,2018,શુક્રવાર
દાહોદ તાલુકાના ચંદવાણા ગામમાં અંધશ્રધ્ધાનું ભુત વળગતા ચાર ઈસમોએ ગામની એક વૃધ્ધા પર ડાકણ હોવાનો આરોપ મુકતા આ મામલે ભેગા થયેલ ગામના પંચમાં બોલાવવા ગયેલ ઈસમને લાકડીનો માર મારી ઈજાઓ પહોંચાડ્યાનું જાણવા મળેલ છે.
દાહોદ તાલુકાના ચંદવાણા ગામના ડામોર કુટુંબના રમસુભાઈ મલસીંગભાઈ ,બદીયાભાઈ મલસીંગભા, રમણભાઈ મલસીંગભાઈ તથા દલાભાઈ વાલાભાઈએ તેમના ગામના ડામોર ફળીયાની ૬૦ વર્ષીય વૃધ્ધા રતનીબેન રાજસીંગભાઈ મથુરભાઈ ડામોરને ગાળો બોલી તુ ડાકણ છે તેમ કહી અવાર નવાર ગાળો બોલતા હોઈ જેથી રતનીબેન રાજસીંગભાઈ ડામોરે તથા તેના ઘરના માણસોએ આ બાબતે ગામના આગેવાનોને પંચરાહે સમાધાન કરવા માટે રતનીબેનના ઘરે ગામના માણસો ભેગા કર્યા હતા.
આ વખતે ઉપરોક્ત ચારે જણાને બોલાવવા જતા ઉપરોક્ત ચારે જણાએ રતનીબેન ડામોર તથા તેના ઘરના માણસોને બેફામ ગાળો બોલી ચેતનભાઈ તથા તોફાનભાઈને માથાના ભાગે લાકડી મારી ઈજાઓ કરી હતી.
આ સંબંધે રતનીબેન રાજસીંગભાઈ ડામોરે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

