ખેતરમાં ટ્રેક્ટર લઇ જવા બાબતે ઝઘડો થતાં સગાભાઇ ઉપર દાતરડાંથી હુમલો
લીમખેડા તા.9 માર્ચ 2020 સાેમવાર
લીમખેડા તાલુકાના માન્લી ગામે ગઈકાલે સવારમાં ઇટો ભરી ખેતરમાંથી ટ્રેક્ટર લઇ જવા બાબતે થયેલા ઝઘડામાં સગાભાઇએ જ ભાઇ ઉપર દાતરડા વડે હુમલો કરી હાથની આંગળી ઉપર ઇજા કરી હતી. પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
લીમખેડા તાલુકામા આવેલા માન્લી ગામના નિશાળ ફળિયામાં રહેતા જગદીશ કાળુ કોળી પટેલના નવા મકાનનું બાંધકામ ચાલતું હતું. ગત સવારમાં જગદીશભાઈ પટેલ અને તેનો ભાઈ લક્ષ્મણ પટેલ તથા પિતા કાળુ પટેલ સહિત ત્રણ વ્યક્તિ ગામના જ ધીરા નાના ના ટ્રેક્ટરમાં પથ્થર ભરી લઈ ઘર તરફ જવા માટે તેના ભાઈ દીપ સિંગ પટેલના ખેતરમાંથી નીકળતા હતા. દિપસિંહ કાળુ પટેલ હાથમાં દાતરડું લઈ ત્યાં આવી પહોંચ્યો હતો .
મારા ખેતરમાં ટ્રેક્ટર લઈ નીકળવાનું નહીં તેમ જણાવતા લક્ષ્મણ કાળુ પટેલે જણાવેલ કે તારું ખેતર ખાલી છે.તેથી અમે ટ્રેક્ટર કાઢેલું છે અને હવે પછી તારા ખેતરમાં થઈને નહીં લઇ જઇએ તેમ કહેતાં આ દીપ સિંગ કાળુ કોળી પટેલ ગાળો બોલી તેના હાથમાંનું દાતરડું તેના જ ભાઈ લક્ષ્મણ કાળું પટેલના હાથ ઉપર મારી દેતા આંગળી કપાઇ જવાથી લોહી લુહાણ થયો હતો અન્ય માણસો ત્યાં દોડી આવતા તે દાતરડું ફેકી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘર તરફ જતો રહ્યો હતો .
ઇજાગ્રસ્ત લક્ષ્મણ કાળું પટેલને સારવાર અર્થે લીમખેડા સરકારી દવાખાનામાં ખસેડયો હતો . આ બનાવ સંદર્ભે માન્લી ગામના જગદીશ કાળુ પટેલે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે દિપસીગ કાળુ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે .