ભીતોડી ગામે કૂવામાંથી સગીરાની લાશ મળી
-બે દિવસ અગાઉ સગીરા ગૂમ થઇ હતી
સુખસર તા.10 જાન્યુઆરી 2020 શુક્રવાર
ફતેપુરા તાલુકામાં બે દિવસથી ગુમ થયેલી ભીતોડી ગામની 14 વર્ષીય કિશોરીની લાશ ૯ જાન્યુઆરીના રોજ ગામના કૂવામાંથી મળી આવી હતી.
ફતેપુરા તાલુકાના ભીતોડી ગામના કીડીયા ભાઈ સવલાભાઈ પારગી ખેતીવાડી દ્વારા ગુજરાત ચલાવે છે.જેઓ 7 જાન્યુઆરી ના રોજ તેમના પત્ની સાથે સુખસર ખાતે ઘર સામાન લેવા માટે ગયેલા હતા.જ્યારે તેમની પુત્રી કાજલબેન ઉ.વ.14 જે ધોરણ-૯માં સુખસર નુતન વિદ્યાલય ખાતે અભ્યાસ કરતી હતી.તે ઘરે એકલી હતી.ત્યારબાદ કીડીયા ભાઈ તથા તેમના પત્ની સાંજે ઘરે ગયા હતા. તેવા સમયે ઘરે કાજલબેન નજરે ન પડતા તેની આસપાસમાં શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો.
તે બાદ સગા સંબંધીઓમાં અને પરિચિતોમાં કોઇ ભાળ મળી ન હતી.જેથી ૯ જાન્યુઆરી ના રોજ કાજલબેન ગુમ થઈ હોવા બાબતે પિતા દ્વારા સુખસર પોલીસને જાણ કરી હતી.તે બાદ પણ કાજલબેન ની શોધખોળ ચાલુ હતી.તે દરમિયાન ગુરૂવારે કાજલબેનનો મૃતદેહ તેના મકાનથી થોડે દૂર આવેલા કૂવાના પાણી ઉપર તરતો હોવાનું નજરે પડયો હતો.
સુખસર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જવા પામી હતી.લાશને પંચનામા બાદ કુવામાંથી બહાર કાઢી પી.એમ.અર્થે સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપી હતી. મૃતક કાજલ બેનનું વધુ પાણી પી જવાથી મોત નીપજેલ હોવાનું પી.એમ.ના પ્રાથમિક રિપોર્ટમાં તારણ આવ્યું હોવાનું પી.એમ કરનાર તબીબ દ્વારા જાણવા મળે છે.
કાજલબેન ઘરેથી ગુમ થયા પહેલા તેના હાથની એક બંગડી તથા નાકમાં પહેરેલી સોનાની વાળી તેના મકાનના ઓટલા ઉપર મૂકી ઘરેથી ગુમ થઈ હતી. જે બંગડી તથા સોનાની વાળી ઘરના સભ્યોને મળી આવી હતી. તેમ કાજલબેનના સ્વજનો દ્વારા જાણવા મળ્યું હતું.
ઘટના સંદર્ભે મૃતક કાજલબેનના પિતા કીડીયાભાઈ સવલાભાઈ પારગીએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી,લાશનું સુખસર સરકારી દવાખાનામાં પી.એમ.કર્યા બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.