દાહોદ: સંજેલીની ફિનકેર ફાયનાન્સ કંપનીના કલેક્શન કર્મચારીની પાસેથી 1.7 લાખની લૂંટ
- કર્મચારીને બાઈક પરથી પાડી દઈ હાથમાંથી રૂપિયા ભરેલું પાકિટ ઝુંટવી ત્રણ લૂંટારા ફરાર
સંજેલી તા.21 ફેબ્રુઆરી 2020 શુ્ક્રવાર
સંજેલીની ફાયનાન્સ કંપનીનો કર્મચારી બાઇક લઇને પોતાના ફિલ્ડ એરીયામાં કલેકશન માટે જતા હતો ત્યારે રસ્તામાં ત્રણ લબરમુછિયા બાઇક ચાલકોએ રોડ પર ફાયનાન્સ કંપનીના કર્મચારીની સામે બાઇક આડી કરી મરચાની ભૂકી નાખીને તેની પાસેથી રૂપિયાનું પાકીટ જેમાં 1.7 લાખ જેવી રોકડ રકમ હતી તે ઝુંટવી લઈ ત્રણ લૂંટારા એક બાઈક પર ફરાર થઇ જવાનો બનાવ સંજેલીના લીમડી કરંબા રોડ પર બનવા પામ્યો છે.
સંજેલી ચમારીઆ રોડ પર આવેલી ફિનકેર સ્મોલ ફાંઈનાન્સ પ્રા . લી કંપનીમાં કલેકશન કલાર્ક તરીકે નોકરી કરતા સુનિલભાઇ ચંન્દ્રસિંહ પટેલ ગુરૂવારે પોતાના કલેકશન એરીયામાં લોનના હપ્તાની ઉઘરાણી માટે ગયો હતો. તે કરંબા - માંડલી ફળીયાનું કલેકશનનું કામ પતાવીને બાઈક પર છાયણ ફળીયામાં જતા હતા તે સમયે ત્રણ અજાણ્યા ઇસમો પોતાની બાઇક આડીકરીને સુનિલભાઇને તેમની બાઈક પરથી પાડી દઇને તેના મોંઢા પર મરચાની ભૂકી નાખી લોનના હપ્તાની ઉઘરાવેલી આશરે રૂ. 1.7 લાખની રોકડ રકમનું પાકીટ તથા કામના પેપરોની લુંટ ચલાવી આ અજાણ્યા ઇસમો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.
થોડીવાર પછી સ્વસ્થ થયા બાદ ફાયનાન્સ કર્મચારી સુનિલભાઇએ લુંટના બનાવની જાણ પોતાના ઉપરી અધિકારીને જણાવી દાહોદ કંટ્રોલમાં ફોન કરતાં દાહોદ એલ સીબી પોલીસ સ્ટાફ કરંબા મુકામે દોડી જઈ બનાવની માહિતી મેળવી હિરોલા આઉટપોસ્ટની હદમાં બનેલી લૂંટની ફરીયાદ અને કાયદેસરની કાર્યવાહી તપાસ હાથ ધરી હતી. સંજેલી મહિલા પીએસ આઇ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .