મૃતક વૃધ્ધાના ખાતામાંથી આવાસ યોજનાની 1.20 લાખની સહાયની રકમ અન્યના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાઇ
-ટીડીઓના ભલામણ પત્રથી 1.20 લાખની રકમ બોગસ લાભાર્થીના ખાતામાં ટ્રાન્ફર કરી દેતાં રાજ્ય કક્ષાએ રજૂઆત
ફતેપુરા તા.27 ડિસેમ્બર 2019 શુક્રવાર
ફતેપુરા તાલુકાના કાળીયા ગામ ની વૃધ્ધ વિધવા મહિલાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મંજૂર કરવામાં આવી હતી. અને તેઓના બેંક ખાતામાં સરકાર દ્વારા સહાયની રકમ પણ જમા કરી હતી.
પરંતુ જમા થયેલ નાણા કાળીયા ગ્રામ પંચાયત તલાટી કમ-મંત્રી,ફતેપુરા તાલુકા વિસ્તરણ અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારીનાઓના મેળાપીપણામાં ગામના અન્ય વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરી આપતા બોગસ લાભાર્થી દ્વારા તે નાણાં ઉપાડી લેવામાં આવતા તેની જિલ્લા કક્ષાથી લઈ રાજ્યકક્ષા સુધી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના કાળીયા ગામની વૃદ્ધા નામે મછાર હકરીબેનજી હકજીભાઈનું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારબાદ હકરીબેન મછારે સરકારના નિયમો મુજબ આવાસનું બાંધકામ પણ કર્યું હતું.અને સરકાર દ્વારા તેઓના બેંક ઓફ બરોડા શાખામાં ચાલતા બેંક ખાતામાં નિયમોનુસાર સહાયની રકમ રૂ 1.20,000 હજાર જમા પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હકરીબેન માંદગીમાં સપડાતા કુદરતી રીતે મરણ થયેલુ હતુ.
તેવા સમયે લાગ જોઈ ગામનાજ એક વ્યક્તિએ કાળીયા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી,વિસ્તરણ અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાનાઓના મેળાપીપણાથી હકરીબેન હકજીભાઈ મછારના ખાતામાં જમા થયેલ આવાસ યોજનાની સહાયના પુરેપુરા નાણાં સુખસર બેંક ઓફ બરોડા શાખામાંથી ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીના ભલામણ પત્રથી તેમના ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા હતા.
આ નાણાં ઉપાડી લેવાયા હતા. તેની જાણ મૃતક હકરીબેન મછારના વારસદારોને થતાં 29 નવેમ્બર-19 ના રોજ તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જ્યાંથી કોઈ યોગ્ય પ્રત્યુતર નહીં મળતા 6 ડિસેમ્બર 19 ના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદને રજૂઆત કરવામાં આવી હતી. ત્યાંથી પણ સમય થવા છતાં તપાસ નહીં કરાતા આખરે હકરીબેન મછાર ના વારસદાર નલીનભાઈ કટારા દ્વારા દાહોદ જિલ્લા કલેકટર,દાહોદ જિલ્લા વિકાસ અકિારી સહિત વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતે રજૂઆત કરી જવાબદાર કસૂરવારો સામે તપાસ કરી હતી.
સાચા લાભાર્થીના નાણા જવાબદાર અકિારીઓ દ્વારા ગેરકાયદે બોગસ લાભાર્થીના નામે ટ્રાન્સફર કરી, કરાવી ઉપાડી લેવા સંબંધે કાર્યવાહી કરવામાં આવે તથા સાચા લાભાર્થીના નામે ફાળવાયેલ આવાસ યોજનાના નાણાં તેમના સીીલીટીના વારસદારોને આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
-ટીડીઓ નાણાં રીકવર કરવાનું કબુલે છે
હકરીબેન હકજીભાઈ મછાર નામે મંજુર થયેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના નાણાં અન્ય વ્યક્તિએ તેના ખાતામાં ટ્રાન્સફર કરી નાણાં ઉપાડી પણ લીધા છે. જેથી આ નાણા ઉપાડી જનાર વ્યક્તિ પાસેથી નાણાં રિકવર કરવા પડે અને તે બાદ નાણાં સરકારમાં જમા થાય અને પછી તમારા ખાતામાં જમા થશે. તેની પ્રોસિજર લાંબી છે.અને તેની કાર્યવાહી કરીશું.કદાચ આ નાણાં તમારા ખાતામાં જમા થતા એક વર્ષનો સમય પણ લાગી શકે.
-વિસ્તરણ અધિકારી દીકરીને વારસદાર માનતા જ નથી
અમોએ નાણા ઉપાડી જનાર હકરીબેન લાલુભાઇ મછારનાઓ તથા તલાટી કમ-મંત્રીને બોલાવ્યા છે.અને અમોએ તેઓની પાસે રિપોર્ટ માગ્યો છે.તેઓ રિપોર્ટ આપે એટલે અમો નાણા રિકવર કરીશું તે નાણાં તમને મળશે નહીં પણ આ નાણાં સરકારમાં જમા થશે કારણ કે હકરીબેન હકજીભાઈ મછારને સંતાનમાં પુત્રો નથી. તમો વારસદારોના પિતા ઘર જમાઈ રહેલા છે માટે આ નાણાં માટે તમો હકદાર નથી. અમો તલાટી-કમ-મંત્રીને અનેકવા ર જાણ કરવા છતાં તેઓ આવીને રિપોર્ટ આપતા નથી.તેઓ રિપોર્ટ આપે ત્યારે અમો આગળની કાર્યવાહી કરીશું.
પ્રવીણભાઈ બારીયા
(ફતેપુરા તાલુકા પંચાયત,વિસ્તરણ અધિકારી)
દિનેશભાઈ તડવી (ટીડીઓ,ફતેપુરા)
-સાચા લાભાર્થી કોણ? તેની તલાટીને ખબર જ નથી
હકરીબેન મછારના નામે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. પરંતુ તેના સાચા લાભાર્થી હકરીબેન હકજીભાઈ મછાર હતા કે હકરીબેન લાલુભાઈ મછાર તેની મને જાણ નથી તમો સરપંચના પુત્ર પ્રવીણભાઈ મછાર ને પૂછો મેં તેના કહેવાથી ડેટા બુક ભરી હતી.
કિરણભાઈ મછાર (તલાટી,કાળીયા ગ્રામ પંચાયત)
-લાંબા સમયથી કચેરીઓના ધક્કા ખાતા વારસદારો
મારા દાદી હકરીબેન મછારના નામે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય મંજૂર બાદ મૃતકના ખાતામાં સહાય જમા થઈ હતી. પરંતુ મારા દાદીના ખાતામાંથી તલાટી, વિસ્તરણ અધિકારી તથા ટી.ડી.ઓની બેદરકારીથી નાણા અમારા ગામના અન્ય વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરાવી આપ્યા છે. અમો સાચા લાભાર્થી એક મહિનાથી દરરોજ તાલુકાના ધક્કા ખાઈએ છીએ. પરંતુ સીધો જવાબ નહીં આપતા ના છૂટકે અમારે રજૂઆત કરવાની જરૃર પડતા રજૂઆત કરી છે.
લલીતભાઈ કટારા ( મૃત વૃદ્ધાના સીધીલીટીના વારસદાર,કાળીયા)