ઔર એક જ્યુબિલી ફિલ્મ લાવારિસના સંગીતે પણ ચાહકોને ઘેલાં કર્યાં !

Updated: Apr 1st, 2022


- સિનેમેજિક-અજિત પોપટ

સંગીતકાર કલ્યાણજી આણંદજીના સંગીતની લેખમાળા નિયમિત વાંચતા કેટલાક રસિકોએ મીઠ્ઠી રાવ કરી છે કે પ્રકાશ મહેરા અને અમિતાભ બચ્ચનની મુકદ્દર કા સિકંદર પછી પણ હેરાફેરી અને ખૂનપસીના ફિલ્મો પણ આ બંનેની જ હતી.. જો કે ખૂન પસીનાનું નિર્દેશન પ્રકાશ મહેરાએ નહોતું કર્યું.  એના વિશે કેમ ન લખ્યું? હકીકત એ છે કે આ સ્તંભમાં તો સંગીતકારોની કારકિર્દીની ઝલક રજૂ કરીએ છીએ. દરેક ફિલ્મના દરેક ગીતની વાત કરવાનું શક્ય બનતું નથી.

આજે જે ફિલ્મની વાત કરવાની છે એ પણ એક જ્યુબિલી ફિલ્મ હતી. કથામાં નવીનતા નહોતી પરંતુ જે રીતે કથાની માવજત કરવામાં આવી હતી એ વખાણવા જેવી હતી. અમિતાભની એંગ્રી યંગ મેનની ઇમેજને અનુરૂપ મસાલો ભરવામાં આવ્યો હતો. ફિલ્મના સંગીતે રીતસર ધમાલ મચાવી હતી. આ ફિલ્મે પણ સુવર્ણ જયંતી ઊજવી હતી. આજે વ્યવહારમાં રૂપિયાના ચલણની જે કિંમત છે એ ધ્યાનમાં લઇએ તો આ ફિલ્મે ૧૫૦ કરોડથી વધુ કમાણી કરી હતી. ૧૯૮૧માં આ ફિલ્મે નવ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

એક શ્રીમંત બિઝનેસમેન રણવીર સિંઘ (અમજદ ખાન) અને એક ક્લબ સિંગર ટાઇપની યુવતી (રાખી) વચ્ચેના સંબંધથી એક બાળક જન્મે છે. રાખી ગર્ભવતી થઇ છે એ જાણીને અમઝદ ખાન સંબંધ તોડીને ચાલ્યો જાય છે. પેલા અનૌરસ બાળકને એક રીઢો શરાબી ગંગુ (ડોક્ટર શ્રીરામ લાગુ) ઊછેરે છે.

ફિલ્મમાં એક સિવાયનાં બધાં ગીતો અંજાનનાં હતાં. એક ગીત પ્રકાશ મહેરાએ લખ્યું હતું. અરબી શૈલી અકબંધ રાખીને ભૈરવીમાં એક સરસ ગીત સંગીતકારોએ સર્જ્યું હતું.એ ગીત  કિશોર કુમારે ગાયું હતું. રોતે હુએ તો આતે હૈં સબ... જેવા શબ્દો ધરાવતા આ ગીતનું મુખડું હતું- 'જિસ કા કોઇ નહીં ઉસ કા ભી ખુદા હોતા હૈ યારોં, મૈં નહીં કહતા, કિતાબોં મેં લીખા હૈ યારોં..' આ ગીત જબરદસ્ત લોકપ્રિય થયું હતું  પરદા પર એક કરતાં વધુ વખત આ ગીત રજૂ થયું હતું.

રાખી, ઝીનત અમાન, અમિતાભ બચ્ચન, અમજદ ખાન વગેરે પર ફિલ્માવાયેલા જે ગીતે દુનિયાભરમાં તહલકો મચાવી દીધો હતો એ ગીત એટલે 'મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ...' અમિતાભ બચ્ચન અને અલકા યાજ્ઞિાકે ગાયેલું આ ગીત ગલી ગલીમાં અને ફિલ્મ સંગીતના તમામ સ્ટેજ પ્રોગ્રામમાં ગૂંજ્યું. કલ્યાણજી આણંદજી સાથે અમિતાભ બચ્ચન અને કિશોરકુમારે વિદેશોમાં પણ આ ગીતમાં રીતસર ધમાલ મચાવી. અમિતાભ જયા બચ્ચનને ઊંચકીને એક અંતરો ગાતો અને ઓડિયન્સ પાગલ થઇ જતું. આ ગીતને કારણે અમઝદ ખાનનું પાત્ર હીરા (અમિતાભ બચ્ચન)ને પોતાના પુત્ર તરીકે પિછાણે છે અને વાર્તાનો સુખદ અંત આવે છે.

કબ કે બિછડે હુએ હમ આજ કહાં આ કે મિલે, જૈસે શમ્મા સે કહીં લૌ યે ઝિલમિલા કે મિલે... ઝીનત અને અમિતાભ પર ફિલ્માવાયેલું આ ગીત કિશોર અને આશા ભોંસલેના કંઠમાં જમાવટ કરતું રોમાન્સરંગી ગીત હતું.

આ બંને કલાકારો પર જ ફિલ્માવાયેલું ઔર એક સરસ ગીત એટલે 'કાહે પૈસે પે ઇતના ગુરુર કરે, યહ પૈસા તો અપનોં સે દૂર કરે દૂર કરે હૈં...દ ફિલસૂફીયુક્ત આ ગીત પણ હિટ નીવડયું. કિશોર કુમારે પોતાની નટખટ શૈલીમાં આ ગીત રજૂ કરેલું.

રણવીર સિંઘ(અમઝદખાન)ના બીજા લગ્નથી થયેલા નઠારા પુત્ર મહેન્દ્ર સિંઘ (રણજિત) પર અમિતાભ કટાક્ષ કરે છેે. એ ગીત પણ કિશોર કુમારે અલ્લડ યુવાન ગાતો હોય એ રીતે જમાવ્યું હતું. એનું મુખડું હતું 'અપની તો જૈસે તૈસે, થોડી ઐસે યા વૈસે, કટ જાયેગી, આપ કા ક્યા હોગા જનાબે આલી, અપને આગે ના પીછે, ના કોઇ ઉપર નીચે, ના કોઇ રોનેવાલા, ના કોઇ રોનેવાલી જનાબે આલી...,

ફિલ્મના સમગ્ર સંગીતમાં એક તરફ કલ્યાણજી અને પુત્ર વિજુ તો રિધમ સાઇડમાં આણંદજી, બાબલા અને દીપક આણંદજી હતા. એક પરિવારના આ નબીરાઓએ સંગીતને સુપરહિટ બનાવવા રીતસર પરસેવો વહાવ્યો હતો. આ ફિલ્મના ગીતો અમિતાભે દુનિયાભરના સ્ટેજ શોમાં રજૂ કરીને હિન્દી નહીં જાણનારા વિદેશી સંગીત રસિકોને પણ ઘેલા કર્યા હતા.

    Sports

    RECENT NEWS