For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અડધોઅડધ ગીતો રાગ આધારિત છતાં 'યાદગાર'નાં ગીતોએ મેદાન માર્યું

Updated: Jun 10th, 2022

Article Content Image

- સિનેમેજિક-અજિત પોપટ

- કલ્યાણજીભાઇ રમૂજમાં શીખવતા કે ભીમપલાસના નિષાદ (ની)ને શુદ્ધ કરી દો એટલે થઇ જાય રાગ પટદીપ

'ઉપકાર' અને 'પૂરબ ઔર પશ્ચિમ' પછી મનોજકુમાર અને કલ્યાણજી-આણંદજી ફરી એકવાર નિર્માતા-નિર્દેશક રામ શર્માની ફિલ્મ 'યાદગાર' (૧૯૭૦)માં ભેગા થયા. 'યાદગાર' નામની ઔર એક ફિલ્મ ૧૯૮૪માં આવેલી, જેમાં સંજીવકુમાર, કમલ હાસન અને પૂનમ ધિલોં ચમક્યાં હતાં. ૧૯૭૦ની 'યાદગાર'માં મનોજકુમાર હીરો હતા. પોતે સુપર ફિલ્મસર્જક છે એવી હવા મનોજકુમારના ભેજામાં હતી. સર્જક તરીકે ભલે રામ શર્માનું નામ પરદા પર ચમક્યું હોય, પણ ડાયરેક્શનમાં મનોજે સતત માથું માર્યું હોવાના અહેવાલ હતા. અહીં ફરી પોતાની 'દેશભક્તિ' રજૂ કરવા મહાત્મા ગાંધી, લાલબહાદૂર શાસ્ત્રીજી વગેરેના વખાણ ફિલ્મી સ્ટાઇલમાં કર્યા છે. આ ફિલ્મમાં 'ઉપકાર'ના મોટા ભાગના કલાકારો રિપિટ હતા -  મનોજકુમાર, કામિની કૌશલ, પ્રેમ ચોપરા, પ્રાણ વગેરે.  એકમાત્ર હીરોઇન તરીકે નૂતનને લીધી હતી. અને હા, મદન પુરી ઉમેરાયા હતા. મોટા ભાગનાં ગીતો હિટ નીવડયાં હતાં અને ફિલ્મે રજત જયંતી ઊજવી હતી.

ઇન્દિવરની પહેલી રચના નાયિકાની વીનવણી છે. લતાએ ગાયેલું એ ગીત એટલે 'જિસ પથ પે ચલા ઉસ પથ પે મુઝે આંચલ તો બિછાને દે, સાથી ન સમજ કોઇ બાત નહીં, મુઝે સાથ તો આને દે...' અહીં ફરી એકવાર સંગીતકારોએ રાગમાલાનો સરસ પ્રયોગ કર્યો છે. ગીતનો ઉપાડ પટદીપ રાગથી થાય છે. કલ્યાણજીભાઇ રમૂજમાં પણ શીખવતા કે ભીમપલાસના નિષાદ (ની)ને શુદ્ધ કરી દો એટલે થઇ જાય રાગ પટદીપ. ગીતમાં વચ્ચે મધુવંતી અને છેલ્લે પીલુ રાગનો આધાર લીધો છે. આ ગીતમાં લચકદાર કહેરવો તર્જને અનોખી છટા બક્ષે છે. શબ્દો ભાવવાહી છે. અંતરામાં કહે છે- 'થક જાયેગા જબ રાહોં મેં, બાંહો કા સિરહાના દૂંગી (સિરહાના એટલે તકિયો), તેરે સુને સુને જીવન મેં, મૈં પ્યાર કા રંગ ભર દૂંગી...'

ગીતનું સૌથી વધુ યાદગાર બની ગયેલું ગીત એટલે 'ઇકતારા બોલે, ટુન ટુન,  ક્યા કહે યે તુમ સે, સુન સુન...' સદા સુહાગિન રાગિણી ભૈરવીમાં સ્વરબદ્ધ થયેલી આ રચનામાં પણ તાલ તો કહેરવો જ છે, પરંતુ શબ્દોને અનુરૂપ તાલનું વજન ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે. ખાસ્સું લાંબું ગીત છે. દેશભક્તિનો રંગ પૂરવા એમાં મસાલો ઉમેરાયો છે. ભીડ વચ્ચે મનોજકુમાર ગાય છે. મુખડા પછી કહે છે, 'બાત હૈ લમ્બી, મતલબ ગોલ, ખોલ ન દે યે સબ કી પોલ...'  સામાજિક, રાજકીય અને ધાર્મિક પરિસ્થિતિ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. આ ગીતને મહેન્દ્ર કપૂરનો કંઠ મળ્યો છે.

ઔર એક કટાક્ષસભર રચના ઇન્દિવરની છે. 'આયે કહાં સે ભગવાન સે પહલે, કિસી ભગવાન કા નામ, ઉસ મંદિર કે દ્વાર ખડે, ખુદ રોયે કૃષ્ણ ઔર રામ...' (કવિ કરસનદાસ માણેકની 'તે દિન આંસુભીના રે હરિનાં લોચનિયાં મેં દીઠા'  રચના યાદ આવે ને! ) આગળ કહે છે- 'ધનવાન કો પહલે મિલે ભગવાન કે દર્શન, દર્શન કો તરસતા રહે, જો ભગત હો નિર્ધન...' કેટલી સચોટ વાત કરી છે. ખરેખર તો ખેડૂતનો મહિમા આ ગીતમાં કરાયો છે. ભગવાન ક્યાં મળે એના જવાબમાં કહે છે વો ખેત મેં મિલેગા...

નાયિકાને જોઇ લીધા પછી હીરોના દોસ્તો મીઠી મજાક કરતાં હોય એવું એક સમૂહગીત બિરબલ, મહેમૂદ જુનિયર, મનહર  ઉાસ, મહેન્દ્ર કપૂર અને નૂતનના કંઠમાં છે. ખેમટા તાલમાં ડાન્સ ગીત તરીકે રજૂ થતા આ ગીતના શબ્દો છે- 'બોલી સાવન કી રાત, બડી પાવન હૈ બાત, હો રંગ ખુશિયોં કે પહને ગુલાબી, હો હમને દેખી હૈ હોને વાલી ભાભી...' સાંભળનારને પગથી ઠેકો  આપવાનું મન થાય એવો મજેદાર લય અને મધુર તર્જ છે.

ઇન્દિવરની ઔર એક રચના 'બહારોં કા હૈ મેલા, હૈ મેરા દિલ અકેલા...' આશા ભોંસલેના કંઠમાં છે. જુદી જુદી ડાન્સર સાથે શરાબના નશામાં ઝૂમતો પ્રેમ ચોપરા આ ગીતમાં મસ્તી કરે છે.   'યાદગાર' ફિલ્મ હિટ નીવડી હતી અને તેણે રજત જયંતી ઊજવી હતી. એનું સંગીત કલ્યાણજી- આણંદજીના યાદગાર ગીતોમાં સ્થાન પામ્યું છે. ગીતો ખાસ્સા લાંબાં હોવા છતાં સંગીતરસિકોને ગમ્યાં હતાં. 

Gujarat