- 'હું સૌથી પહેલાં એક માતા છું અને પછી બીજું બધું. હું અને આદિત્ય (ધર, 'ધુરંધર'ના ડિરેક્ટર) કમિટેડ પેરન્ટ્સ છીએ. મારો દીકરો પિયરમાં હોય ત્યારે હું મુંબઈ-ચંડીગઢ વચ્ચે પ્લેનમાં અપડાઉન કરું છું.'
આયુષ્માન ખુરાના સામે પોતાની પ્રથમ જ ફિલ્મ 'વિકી ડોનર'થી દર્શકોના મનમાં સ્થાન બનાવનાર યામી ગૌતમ સતત સફળતાના પંથે ચાલી છે. આ ફિલ્મની સફળતાએ તેને રાતોરાત ઓળખ તો અપાવી દીધી, પણ યામીએ આ ઓળખની ઘેલછામાં ડઝનબંધ ફિલ્મો સાઈન કરવાની ઉતાવળ ન કરી. તેણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં જ એ વાત સ્પષ્ટ કરી કે તે સંખ્યા નહિ પણ ગુણવત્તામાં વિશ્વાસ રાખે છે. આ જ કારણ છે કે તેની ફિલ્મી સફર ભલે ગણતરીની ફિલ્મોની રહી હોય, પણ તેણે નિભાવેલા પ્રત્યેક પાત્રમાં તેની છાપ સ્પષ્ટપણે વર્તાય છે.
'સનમ રે', 'ઉરી: ધી સર્જિકલ સ્ટ્રાઈક', 'દસવીં' અને 'આર્ટિકલ ૩૭૦' જેવી ફિલ્મોમાં યામીએ મુખ્ય અભિનેત્રી તરીકે પોતાની અભિનય ક્ષમતા વારંવાર સાબિત કરી છે. છેલ્લે 'હક'માં પણ તેના અભિનયની ભારે પ્રશંસા થઈ. આ ફિલ્મ હવે ઓટીટી ખૂબ જોવાઈ રહી છે. આ ફિલ્મને દર્શકો તેમજ વિવેચકો તરફથી જે પ્રતિક્રિયા મળી છે, તેનાથી ફરી એકવાર સાબિત થયું છે કે યમી એવી ગણતરીની હીરોઈનો પૈકી છે જે સશક્ત વિષયો તેમજ પડકારજનક પાત્રોથી પીઠ નથી ફેરવતી. બીજી તરફ તેના પતિ નિર્દેશક આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, જેના કારણે આ જોડી ચર્ચાનું કેન્દ્ર બની છે.
યમી કહે છે કે આદિત્ય ધર માત્ર જીવનસાથી જ નહિ, પણ તેનો હમસફર અને સૌથી ઉત્તમ મિત્ર પણ છે. બંનેની પ્રથમ મુલાકાત અને નિકટતા ૨૦૧૯માં 'ઉરી: ધી સર્જિકલ સ્ટ્રાઈક' દરમ્યાન થઈ. મૈત્રી આગળ વધી. સમાન વિચારો, પારિવારીક પૃષ્ઠભૂમિ અને સંસ્કૃતિને કારણે આ સંબંધ મજબૂત બનતો ગયો. ૨૦૨૧માં તેમણે લગ્ન કરી લીધા એ ૨૦૨૪માં પુત્ર વેદવિદનો જન્મ થયો.
યમી માને છે કે આદિત્ય પોતે જ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલો હોવાથી તે સારી રીતે જાણે છે કે આ ક્ષેત્રમાં કામના કલાકો પર અંકુશ રાખવાનું ઘણીવાર મુશ્કેલ થઈ પડે છે. શૂટિંગ શેડયુલ અનિશ્ચત થવું, લોકેશન બદલવું અને લાંબા સમય સુધી ઘરથી દૂર રહેવું આ વ્યવસાયમાં સામાન્ય બાબત છે. બંનેનાં માતાપિતા, આદિત્યનો ભાઈ લોકેશ તેમજ અન્ય સભ્યો પણ સુચારુ રુપથી તેમની જવાબદારી નિભાવી રહ્યા છે.
આમ છતાં યામીના મતે તેની પ્રાથમિકતા સ્પષ્ટ છે. તેના જ શબ્દોમાં, તે પ્રથમ માતા છે અને પછી બીજાં તમામ કામ આવે છે. તે અને આદિત્ય બંને પોતાને કમિટેડ પેરન્ટ્સ માને છે. યામી જણાવે છે કે જ્યારે પુત્ર તેના પિયરમાં હોય અને તેનું શૂટિંગ મુંબઈમાં હોય તો તે ફ્લાઈટમાં ચંડીગઢ-મુંબઈ વચ્ચે અપ-ડાઉન કરે છે. યમીના મતે બાળકોના ઉછેરનાં પ્રારંભિક વર્ષોમાં માતાપિતાએ આવી જ રીતે વધારાની જવાબદારી નિભાવવી પડે છે.
પોતાની આગામી ફિલ્મો વિશે માહિતી આપતાં યમી કહે છે કે એ હવે આનંદ એલ. રાયની હોરર કોમેડી 'નઈ નવેલી'માં દેખાશે. પણ સાથે જ એવી પણ સ્પષ્ટતા કરી કે તે હવે વધુ સંખ્યામાં ફિલ્મો નહિ કરે. તેનું ફોકસ હાલ તેના પુત્ર અને પરિવાર પર છે.
'હક'ની સફળતા વિશે વાત કરતા યમી તેનું શ્રેય નિર્દેશક સુપર્ણ વર્માને આપે છે. આ ફિલ્મ શાહબાનો કેસથી પ્રેરિત છે. આ એક એવો કેસ હતો જેણે ભારતીય સમાજ અને કાનૂન વ્યવસ્થામાં ઊંડી છાપ છોડી છે. યામી કહે છે કે જેવી રીતે ૧૯૮૦માં રજૂ થયેલી ફિલ્મ 'નિકાહ'એ લોકોને વિચારતા કરી મુક્યા તેવી જ રીતે હાલના સમયમાં 'હક' સમાજમાં ચર્ચાનો વિષય બનેલી છે.
યામી જણાવે છે કે શાહબાનો કેસને આજે ચાર દાયકા વીતી ગયા હોવા છતાં હજી પણ લોકોની સ્મૃતિમાં તે જીવિત છે. એક અભિનેત્રી તરીકે તેને આ ભૂમિકા ઓફર થઈ અને તેને પૂરી જવાબદારી સાથે નિભાવવાની તેની ફરજ હતી. તેણે નિર્દેશક પાસે સ્ક્રિપ્ટની હાર્ડ કોપી માગી અને તેને વાંચ્યા પછી તે સ્તબ્ધ થઈ ગઈ હતી.
યમીના મતે પ્રત્યેક કલાકારની ભીતર એક સશક્ત અંતર્મન હોય છે, જે ફિલ્મમેકરનો ઇરાદો કળી લેતું હોય છે. યમી માટે એ સમજવું જરૂરી હોય છે કે કોઈ ફિલ્મ સમાજમાં સકારાત્મક ચર્ચા જગાડવા માટે બની રહી છે કે માત્ર વિવાદ સર્જવા તેનું નિર્માણ થઈ રહ્યું છે.
યમી સ્પષ્ટપણે કહે છે કે તેને વિવાદ પસંદ નથી અને તે કોઈ વાદમાં પડવા પણ નથી માગતી. તે સેટ પર આવે છે, પોતાનું કામ કરે છે અને શૂટિંગ પૂર્ણ કરીને ઘરે જતી રહે છે, પણ યમી એવું પણ માને છે કે જો કોઈ ફિલ્મથી સમાજમાં કોઈ ચર્ચા અથવા બદલાવ ન આવે, તો તેના નિર્માણનો ઉદ્દેશ્ય અધૂરો રહી જાય છે. 'આર્ટિકલ ૩૭૦' દરમ્યાન પણ તેને ફિલ્મ દ્વારા વિવાદ થવાનો ભય હતો, પણ તેણે ફિલ્મની વાર્તા પર વિશ્વાસ રાખ્યો.
યમી ગૌતમની સફર એ વાતનું ઉદાહરણ છે કે સંતુલન, સમજદારી અને સંવેદનશીલતા સાથે પણ એક સફળ કારકિર્દી ઘડી શકાય છે અને ખુશહાલ પારિવારીક જીવન જીવી શકાય છે.
ઓલ ધ બેસ્ટ, યમી.


