- 'રોમેન્ટિક ફિલ્મ દ્વારા દેશભરના દર્શકો સાથે ત્વરિત સંધાન થઈ શકે છે. વળી, તેમાં મજેદાર ગીત-સંગીત, પ્રાકૃતિક સૌંદર્યનાં મનભાવન દ્રશ્યો હોવાથી કંઇક નવો જ અનુભવ થાય.'
યમી ગૌતમ ધર. હિન્દી ફિલ્મ જગતની યુવાન , સ્વરૂપવાન, મહેનતુ, પ્રતિભાશાળી અભિનેત્રી. વિવિધ પ્રકારનાં પાત્રો ભજવીને દર્શકોનો પ્રેમ પ્રાપ્ત કરનારી અચ્છી અભિનેત્રી. યમી ગૌતમ ધરે અત્યારસુધીમાં ઇન્ટેલિજન્સ ઓફિસર, પ્રેમાળ અંધ યુવતી, વકીલ, શાળાનાં બાળકોને બાનમાં રાખતી શિક્ષિકા વગેરે ભૂમિકાઓ ભજવી છે.
છેલ્લે યમી 'હક' નામની મસ્તમજાની ફિલ્મમાં દેખાઈ. આ ફિલ્મમાં એના અભિનયના ખૂબ વખાણ થયા છે. કોઈ તો એને યમીનો કરીઅર-બેસ્ટ રોલ કહે છે. સુપર્ણ વર્માના દિગ્દર્શનમાં બનેલી 'હક' ફિલ્મમાં યમી ગૌતમ ધરે પોતાના ભૂતપૂર્વ પતિ પાસે ભરણપોષણ માગતી શાઝિયા બાનોની ભૂમિકા ભજવી છે. આ દ્રષ્ટિએ 'હક' ફિલ્મ કોર્ટ રૂમ ડ્રામા છે.
હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી યમી કહે છે, 'બસ, હવે મારે રોમેન્ટિક ફિલ્મમાં અભિનય કરવો છે. હીરેા સાથે બરફીલા પહાડો, ખળખળ વહેતાં ઝરણાં, લીલાંછમ-ઘટાટોપ વૃક્ષો, મંદ મંદ વહેતો પવન, સંગીતમય કલરવ કરતાં પક્ષીઓની હાજરીમાં મનભરીને પ્રેમાલાપ કરવાની બેહદ ઇચ્છા છે! બહુ થઈ ગયા ઇન્ટેન્સ રોલ! મને મારી અભિનય પ્રતિભા પર ભારોભાર ભરોસો છે.'
'હક' ફિલ્મની કથાનો આધાર ૧૯૮૫ના ભારે ચર્ચાસ્પદ બનેલા શાહબાનુ કેસ પર છે. ફિલ્મમાં યમી ગૌતમ ધરે શાઝિયા બાનોનું પાત્ર ભજવ્યું છે. શાઝિયા બાનોને તેના પતિએ તલાક આપી દીધા હોવાથી તે પોતાના ભરણપોષણના હક માટે માગણી કરે છે. પોતાને પત્ની તરીકે ભરણપોષણનો ન્યાય મળે તે માટે શાઝિયા બાનો અદાલત સમક્ષ રજૂઆત કરે છે.
ચંડીગઢની એક કોલેજમાં કાયદાનું શિક્ષણ પામેલી યામી ગૌતમ ધર ભારપૂર્વક કહે છે કે 'હક' ફિલ્મની કથા અને મારું પાત્ર ભારત સહિત સમગ્ર વિશ્વની પરિણીત મહિલાઓને પોતાના ન્યાય માટેની પ્રેરણારૂપ છે. ભલે પછી તે નારી કોઇપણ કોમની કે ધર્મની હોય. ફિલ્મની કથામાં પતિ દ્વારા થતા અન્યાય અને અપમાન સામે મક્કમ મનોબળથી લડત આપવાનો મહત્વનો સંદેશો છે.
'ચાંદ કે પાર' અને 'યહ પ્યાર ના હોગા કમ' ટેલિવિઝન સિરિયલોથી અભિનયયાત્રા શરૂ કરનારી યમી ગૌતમ ધર બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, 'મારા મતે તો 'હક' ફિલ્મની કથાના લેખક રેશુનાથે નારી સન્માન, ન્યાય અને સંવેદનાનાં તત્ત્વોને બહુ અસરકારક રીતે રજૂ કર્યાં છે. જાણે કે શાઝિયા બાનોનો સાચુકલો કેસ હોય તેમ.'
'વિકી ડોનર' (૨૦૧૨) ફિલ્મથી હિન્દી ફિલ્મ જગતમાં પા પાગલી ભરનારી યામીએ 'ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઇક', 'બદલાપુર', 'બાલા', 'કાબિલ', 'ભૂત પોલીસ', 'ઓએમજી-ટુ', 'દસવી' વગેરે ફિલ્મોમાં જુદાં જુદાં પાત્રો ભજવ્યાં છે.
યમી ઉમેરે છે, 'હવે મારી ઇચ્છા રોમેન્ટિક ફિલ્મમાં કામ કરવાની છે. મારા અભિપ્રાય મુજબ પ્રણયસભર ફિલ્મ દ્વારા દેશભરના દર્શકો સાથે સીધી કડી જોડાય છે. વળી, રોમેન્ટિક ફિલ્મમાં મજેદાર ગીત-સંગીત, હીરો-હીરોઇનના મસ્તીસભર પ્રણય પ્રસંગો, પ્રાકૃતિક સૌંદર્યનાં મનભાવન દ્રશ્યો હોવાથી કંઇક નવો જ અનુભવ થાય.'
યમી ગૌતમ ધર હવે 'નઇ નવેલી' અને 'ચોર નિકલ કે ભાગા' (બીજી આવૃત્તિ) એમ બે નવી ફિલ્મમાં આવી રહી છે.


