વર્ક-લાઇફ બેલેન્સ: આઠ કલાકની શિફ્ટ શક્ય છે?
- મણિરત્નમથી લઈને સૈફ અલી ખાન, કાજોલ, અજય દેવગણ ઈત્યાદિએ કહ્યું હતું કે દીપિકાની માગ અનુચિત નથી. જો તમે પરિવારને સમય ન આપી શકો તો સફળતા શા કામની?
તાજેતરમાં દીપિકા પાદુકોણે 'સ્પિરિટ'ના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા પાસે આઠ કલાકની વર્કશિફ્ટ માગી ત્યારે તેમણે ઘસીને ના પાડી દેવામાં આવી હતી. દીપિકાએ પછી ફિલ્મ છોડી દેવી પડી. ફિલ્મોદ્યોગમાં કામના કલાકોને લઈને અગાઉ પણ કેટલાક કલાકારો ફરિયાદ કરી ચૂક્યાં છે. થોડાં વર્ષ પહેલા શ્રધ્ધા કપૂરે બે ફિલ્મોનું મળીને લાગલગાટ ૭૦ કલાક સુધી શૂટિંગ કર્યું હતું. દીપિકા પણ ૩૦ કલાક સુધી અવિરત કામ કરી ચૂકી છે. તાજેતરમા રાધિકા આપ્ટેએ પણ ફરિયાદ કરી હતી કે નવી માતા બનેલી અદાકારાઓને જરાય સાથ-સહકાર નથી મળતો. આ સ્થિતિ માત્ર પડદા પર દેખાતા કલાકારોની નથી. કેમેરા પાછળ કામ કરતા કસબીઓ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. વળી, તેમને પ્રમાણમાં મહેનતાણું પણ ઘણું ઓછું મળે છે. પોતાની આ સમસ્યાને વાચા આપતાં આ વર્ષના આરંભમાં ધ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ અસોસિએશને' વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુધ્ધાં પત્ર લખ્યો હતો.
ટચૂકડા પડદાના કલાકારો માટે તો આ મુસીબત રોજની છે. અભિનેતા સુધાંશુ પાંડેએ થોડા સમય પહેલા જ કહ્યું હતું કે તેમણે સતત ૧૭ કલાક સુધી કામ કર્યું હતું. તેવી જ રીતે 'અનુપમા' ફેમ શિવમ્ ખજૂરિયાએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે દરરોજ ૧૩થી ૧૪ કલાક સેટ પર ગાળે છે. આની સીધી અસર તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડી રહી છે. જોકે મજાની વાત એ છે કે સઘળા કલાકારોને કામના લાંબા કલાકો સામે કોઈ સમસ્યા નથી. આવા કલાકારોમાં રકુલ પ્રીત સિંહનું નામ મોખરે આવે છે.
ઈન્ડસ્ટ્રીના કેટલાંક જાણકારો કહે છે આઠ જ કલાકની શિફ્ટ કરી દેવામાં આવે તો એક-એક ફિલ્મ પાછળ કરોડો રૂપિયાનું આંધણ ચડાવનારા નિર્માતાઓને મોટો ફરક પડે. જ્યારે મર્યાદિત કલાક સુધી જ શૂટિંગ કરવામાં આવે ત્યારે તેનું નિર્માણ ધીમું પડી જાય. આવી સ્થિતિમાં કામના કલાકોને મુદ્દો માત્ર ચર્ચાઓમાં જ રહેશે. તેનો અમલ થવાની ગુંજાઈશ નહીંવત્ છે. આમ છતાં જો બધા ભેગા મળીને એકઅવાજે આ મુદ્દા પર જોર મૂકે તો પરિવર્તનની સંભાવના નકારી શકાય નહીં. અલબત્ત, આ કામ ધાર્યા જેટલું સહેલું પણ નથી.
બીજી બાજુ, ફિલ્મસર્જક મણિરત્નમથી લઈને સૈફ અલી ખાન, કાજોલ, અજય દેવગણ ઈત્યાદિએ કહ્યું હતું કે દીપિકાની માગ અનુચિત નથી. જો તમે પરિવારને સમય ન આપી શકો તો સફળતા શા કામની? વળી, નવી નવી માતા બનેલી અદાકારાઓ માટે પોતાના બાળકને સમય આપવો પણ એટલો જ આવશ્યક છે. હવે જોવું એ રહ્યું કે શું કરોડો રૂપિયાનું રોકાણ કરનારાઓને ધીમી ગતિએ ફિલ્મ બનાવવાનું પરવડે ખરું?