- સંજય વિ. શાહ
- 'શબદઃ રીત ઔર રીવાઝ' સિરીઝમાં ગુરબાણીની વાત છે, પણ અહીં કેમ એકપણ કર્ણપ્રિય ગુરબાણી નથી એ સમજવું અઘરું થઈ પડે છે. આમાં 'બંદિશ બેન્ડિટ્સ'ની જેમ સંગીતને ખીલવાનો ભરપૂર અવકાશ હતો પણ એ વેડફાયો છે
નવી સિરીઝ પેશ કરવાની રેસમાં હમણાંથી ઝીફાઇવ, સોની વગેરે પ્રાઇમ વિડિયો, નેટફ્લિક્સ કરતાં ખાસ્સાં પાછળ છે. જોકે બેઉ પ્લેટફોર્મ સતત એવા પ્રયત્નમાં ખરાં કે એમની જે સિરીઝ આવે એ હટ કે હોય. ઝીફાઇવ પર હાલમાં 'શબદઃ રીત ઔર રીવાઝ' સિરીઝ આવી છે. સુખતાલપુર નામના નગરમાં એની કથા આકાર લે છે. ગુરુદ્વારામાં થતી ગુરબાણી સાથે એ ફૂટબોલ, પારિવારિક સંબંધો, દોસ્તી અને વ્યાવસાયિક એન્ગલને આવરી લે છે. આટલી બાબતો સિરીઝને એક્સાઇટિંગ બનાવવા માટે આમ તો પૂરતી કહેવાય. જાણીએ કે એના છ એપિસોડ્સમાં શું છે.
ગુરબાણી એટલે શીખ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીમાં લખાયેલા શબ્દો અને ભજનો. હરમિન્દર (સુવિન્દર વિકી) સુખતાલપુરના ગુરુદ્વારામાં રાગી છે. ગુરુદ્વારામાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબજી સમક્ષ ગુરબાણી ગાનાર સેવક એટલે રાગી. એનો દીકરો ગુપિન્દર ઉર્ફે ગુપ્પી (મિહિર આહુજા) તોતડાય છે. એ ફૂટબોલ ખેલાડી છે. સ્કૂલની ટીમ માટે રમે છે. રમતમાં આગળ વધવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. ઘરમાં હરમિન્દરની પત્ની મનજોત (તરનજીત કૌર) અને ગુપ્પીની બહેન ગિન્ની (માહી જૈન) છે.
પિતા ઇચ્છે છે કે ગુપ્પી ગુરુદ્વારામાં એમનો વારસો જાળવતા રાગી બને. રિયાઝ કરવાની પિતાની વારંવારની ટકોર છતાં, ફૂટબોલઘેલો અને બોબડો ગુપ્પી રિયાઝ પરત્વે દુર્લક્ષ કરે છે. પરિવારમાં આથક સંકડામણ છે. નોકરીમાં હરમિન્દરને પડકારો છે. માઇક્રો ફાઇનાન્સ કંપનીમાં એના મેનેજર બનવાના ઓરતા પર પાણી ફરી વળ્યું છે. એની જગ્યાએ કંપનીએ બેંગલુરુથી અભિષેક શર્મા (સુશાત કાંડયા)ને મોકલાવીને બેસાડયો છે. એ અતડો છે.
ગુપ્પી અને હરમિન્દરને કેન્દ્રસ્થાને રાખીને કથા આગળ વધે છે. ઘરેલુ માહોલ છે. વિવિધ મોરચે ઘટનાઓ રચાતી રહે છે. ગુપ્પી રમતનાં સપનાં સાકાર કરી શકે છે ખરો? હરમિન્દર દીકરાને ટપારી ટપારીને રાગી બનવા સુધી વાળી શકે છે ખરો? વાર્તામાં ખાસ ઊંડાણ નહીં હોવાથી લાભ અને ગેરલાભ બેઉ થાય છે. લાભ એ કે દિગ્દર્શક બેલડી અમિત ગુપ્તા અને દીપક શ્રીવાસ્તવ સિરીઝને શાંત અને ઘણેખરે અંશે સહ્ય રાખી શક્યા છે. ગેરલાભ એ કે સિરીઝમાં ચમત્કૃતિ અને ઉત્કંઠા કરાવે એવી સિચ્યુએશન્સ નથી. પટકથાના મોરચે જે તાણાવાણા છે એ પોરસાવા જેવા નથી. લેખકો કૃષ્ણકાંત જોનલગડ્ડા અને સમીર સતીજા વારંવાર એવી બાબતો પર સરી પડે છે જે ખોડંગાતી કથાને એક ધક્કો મારીને જરાક આગળ લઈ જાય. પછી જે થવું હોય એ થાય અને થાય ત્યારે વળી જોઈ લેવું કે રસ્તો ક્યાંથી નીકળી શકે છે.
છતાં, 'શબદઃ રીત ઔર રીવાઝ' જોવાનાં થોડાં કારણો છે. સૌથી સશક્ત કારણ ગુરુદ્વારાનો માહોલ અને ગુરબાણી છે. ફિલ્મ હોય કે સિરીઝ, એમાં જ્યારે આ બાબતો ઉજાગર થાય છે ત્યારે એ અલગ ભાવનાત્મક સ્પંદનો સર્જાય છે. પ્રમુખ પાત્રોમાં સુવિન્દર વિકી અને મિહિર આહુજા સહજ છે. મિહિર 'ધ આર્ચીઝ'માં દેખાયો હતો. સુવિન્દરને આપણે પહેલાં 'કોહરા' સિરીઝમાં સશક્ત પાત્રમાં જોયો હતો. તરનજીત અને માહી પોતપોતાના પાત્રમાં ઉપયુક્ત છે. ગુપ્પીના મિત્ર નૈતિક (યશ સેહગલ), ગુપ્પી જેને ચાહે છે એવી સિમરન (કાવ્યા પંડિત) તથા ગિન્ની જેના તરફ આકર્ષાય છે એવા કરણ (તેજસ માથુર) વગેરે અન્ય પાત્રો છે. બધાંથી સિરીઝ છ એપિસોડ સુધી પહોંચી છે.
અમુક ખટકતી બાબતો છે. હરમિન્દરની ઓફિસનાં દ્રશ્યો કઠે એવાં છે. એમાં નથી વાસ્તવિકતા કે નથી નાટયાત્મકતા. આજના જમાનામાં કઈ કંપનીની ઓફિસમાં તમામ કર્મચારીઓ રજિસ્ટર અને કાગળનાં થોથાં લઈને કામ કરતા હશે?
કેમ કોઈના ટેબલ પર કમ્પ્યુટર નથી? એવી ઓફિસ પર દારોમદાર રાખ્યા પછી એક દ્રશ્યમાં મેનેજર મોબાઇલ પર એઆઈને કહે છે, 'આ ડોક્યુમેન્ટમાંથી મિસ્ટેક શોધી કાઢ.' ભાઈ-બહેન અને એમની મિત્રમંડળીના ટ્રેક અને દ્રશ્યો ઠીકઠીક છે. એ કંઈક અંશે યુવાપેઢીને આકર્ષવાનું કામ કરી શકે એવાં છે.
મેકિંગમાં મોટાભાગનાં દ્રશ્યો બીબાંઢાળ છે. એક ઘર, એક ઓફિસ, ગુરુદ્વારાનો પરિસર એટલે સિરીઝની લગભગ દુનિયા પૂરી થઈ જાય છે. પાત્રો ઓછાં અને એમાંનાં ચાર-પાંચ માંડ એવાં જેમને કથા સાથે ખાસ લેવાદેવા હોય. તેથી, સિરીઝ પાવરવાળી ઓછી અને પોલાણવાળી વધારે છે. પાત્રાનો સંબંધોમાં વારંવાર એવાં ઝોલાં આવે છે કે એમની તરફ આકર્ષાઈ જવાની શક્યતા સર્જાય અને એના પર પાણી ફરી વળે. સૌથી મોટી મુશ્કેલી એટલે સિરીઝ જેના ખીલે બંધાઈ છે એ બે ચીજો, પિતાની રાગી તરીકેની સેવા અને દીકરાનું ફૂટબોલર બનવાનું સ્વપ્ન. બેઉ અંતે વજનદાર મુદ્દા બનવાને બદલે વઘારથી વિશેષ બનતાં નથી. ઇન ફેક્ટ, જેમાં ગુરબાણીની વાત હોય એવી સિરીઝમાં કેમ એકપણ કર્ણપ્રિય ગુરબાણી નથી એ સમજવું અઘરું છે. આમાં 'બંદિશ બેન્ડિટ્સ'ની જેમ સંગીતને ખીલવાનો ભરપૂર અવકાશ હતો એ વેડફાયો છે. એવું નથી કે સાવ ગુરબાણી નથી પણ એમનો સચોટ ઉપયોગ નથી થયો.
વિષય રાગીનો હોવાથી સિરીઝમાં ગાળાગાળી નથી. પંજાબી વાતાવરણ છતાં મદિરાબાજી નથી. આછકલાં અને અભદ્ર વો કે વર્તન નથી. કાનને છંછેડીને, મનોરંજનના નામે પરાણે રાજી કરાવે એવું બિનજરૂરી પાર્શ્વસંગીત નથી. તેથી, સિરીઝ સપરિવાર માણવા માટે પરફેક્ટ બને છે. સરવાળે, એટલું કહી શકાય કે 'શબદઃ રીત ઔર રીવાઝ' એવા દર્શકો માટે છે જેઓને વીતેલા સમયની સહજ, સરળ અને સૌમ્ય કથાઓ ગમતી હોય.
છેલ્લે એક વાત. સિરીઝના એપિસોડ્સના અંતે મધ્ય પ્રદેશ ટુરિઝમનું પ્રમોશન છે. દેખીતી વાત છે સિરીઝને મધ્ય પ્રદેશ સાથે લેવાદેવા છે. અર્થાત્, એનું શૂટિંગ ભોપાલમાં થયું છે. જોકે ભોપાલનાં લોકેશન્સ માણવાની ખાસ તક દર્શકને મળતી નથી. મોટાભાગનાં દ્રશ્યો ઇનડોર છે. મધ્ય પ્રદેશનું સૌંદર્ય પ્રદશત થયું નથી. શક્યતાઓ હોવા છતાં એનો ઉપયોગ થયો નથી. હશે. એની ચિંતા કર્યા વિના ચોખ્ખી અને સરળ એવી આ સિરીઝ જોઈ શકાય છે.


