Get The App

વો ભી ક્યા દિન થે..: રાજકુમાર રાવ યાદ કરે છે એફટીઆઇઆઇ કે દિન

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
વો ભી ક્યા દિન થે..: રાજકુમાર રાવ યાદ કરે છે એફટીઆઇઆઇ કે દિન 1 - image

- 'ઇરફાન ખાન એફટીઆઇઆઇમાં આવતા ત્યારે અમે શાળાનાં બાળકોની જેમ તેમને વીંટળાઇ વળતા. સ્ક્રીન પર જાદુ કરનારો જાદુગર જાણે રૂમમાં બેઠો છે એવું અમને લાગતું.'

પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા એટલે કે એફટીઆઈઆઈમાં તાલીમ લઈ ચૂકેલા વિદ્યાર્થીઓની કેટલીય પેઢીઓ હિન્દી સિનેજગતનો મહત્ત્વનો હિસ્સો રહી ચૂકી છે. આજનો મહત્ત્વનો સ્ટાર- એક્ટર રાજકુમાર રાવ પણ એફટીઆઈઆઈનો જ સ્ટુડન્ટ છે. એ પોતાના ઘડતરની વાત માંડીને કરે છે. ઓવર ટુ રાજકુમાર...

હું એક જમાનાના નાનકડા ગામ ગુરગાંવમાંથી આવું છું, જ્યાં અમારા પરિવારમાંથી કોઇએ કદી કલ્પના સુદ્ધાં નહોતી કરી કે અમારા ખાનદાનમાં પણ કોઇ એક્ટર પાકશે. આજે હું મુંબઇમાં એક એક્ટર તરીકે સ્થાયી બની ચૂક્યો છું, પણ હું જે કાંઇ પણ છું તેમાં પૂણેની એફટીટીઆઇની બહું મહત્વની ભૂમિકા રહી છે. પૂણેની એફટીટીઆઇ એક ગજબની જગ્યા છે. હું મારા દોસ્તો અને અમને શીખવવા વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આવતાં હિન્દી ફિલ્મના ટોચના અભિનેતાઓ પાસેથી ખૂબ શીખ્યો છું. અમને જયા બચ્ચન, ઇરફાન ખાન, નસીરૂદ્દીન શાહ અને ઓમપુરી જેવા દંતકથા સમાન એક્ટર્સ પાસેથી એક્ટિંગના પાઠ શીખવા મળ્યા છે. ઓમપુરી સરે તો અમને તેઓ હોસ્ટેલની જે રૂમમાં રહેતાં હતા તે ધરાર બતાવી હતી. ઇરફાન ખાન તો આ દેશના એક પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક હતા. તેઓ જ્યારે એફટીઆઇઆઇમાં આવતાં ત્યારે અમે શાળાના બાળકોની જેમ તેમને વીંટળાઇ વળી તેમની ચારે બાજુ બેસી જતાં. ઇરફાન ખાન રૂમમાં હોય એટલે જાણે સ્ક્રિન પર જાદુ કરનારો જાદુગર રૂમમાં બેઠો છે એવું લાગતું. અમે તેમની સ્ટોરીઓ મકબૂલથી માંડી ધ નેમસેક સુધી સાંભળ્યા જ કરતાં. 

હું તો ગુરગાંવમાં મોટો થયેલો એટલે અમને મોટાભાગે હિન્દી કમર્શિયલ ફિલ્મો જ જોવા મળેલી. પણ એફટીઆઇઆઇમાં વર્લ્ડ સિનેમાએ અમારે માટે એક નવી જ દુનિયા ખોલી આપી. અમે જે જોતાં તેમાં મોટાભાગનું તો માથાં પરથી જતું. હું સ્વાભાવિક રીતે જ આ પ્રકારની સિનેમા સમજવા તૈયાર નહોતો. પણ હું ફિલ્મો જોતો ગયો તેની વિશે ચર્ચાઓમાં સિનેમેટોગ્રાફી અને નિર્દેશનના સ્ટુડન્ટ્સ સાથે કરતો ગયો તેમ તેમ મારી સમજ વિકસવા માંડી. એ સમયે મને ભાન થયું કે આ તો એક કળા છે. એફટીઆઇઆઇમાં  મને ઇરાનીયન, કોરિયન અને જાપાનીઝ સિનેમાનો પરિચય થયો. અહીં જ મને ડેનિયલ ડે લુઇસ અને મેરીલ સ્ટ્રીપ જેવી એકટર્સનો પરિચય થયો. ડેનિયલ ડે લુઇસ વિશે વાંચતો ગયો તેમ તેની મારા પર જબરદસ્ત અસર પડી. મને લાગે છે કે તેણે જે કર્યું છે તેના વીસ ટકા પણ હું કરી શકું તો ઘણું છે. આ જ અરસામાં મોહનલાલ અને મમ્મુટી જેવી પ્રતિભાઓનો પણ મને પરિચય થયો. આ બધાને કારણે સિનેમા વિશેની મારી સમજમાં મોટો ફેરફાર થયો. 

એફટીઆઇઆઇની એક વાત હું કદાપિ ભૂલી શકીશ નહીં. તે છે ઇન્ટ્રોડકશન, અમે તેને રેગિંગ કહેતા નથી. કારણ કે તે કદી રેગિંગ હતું જ નહીં. તેમાં કદી શારીરિક બાબતોનો સમાવેશ થતો નહોતો. અને પ્રામાણિકપણે કહું તો સિનિયર્સ સાથે નાતો જોડવામાં તે ઘણું સહાયરૂપ હતું. હું  આ ઇન્ટ્રોડકશનના સેશન્સમાં ખૂબ જ સક્રિય રહેતો હતો. તેમણે મને બેચલીડર બનાવ્યો હતો. એટલે હું ચોંંપ રાખતો કે બધાં જ હાજર રહે અને જો તમે એક્ટર હો તો તમને અમુક સીન ભજવવાનું કે તેમાં ઇમ્પ્રોવાઇઝ કરવાનું પણ કહેવામાં આવે. આ બધું કરવાની ખૂબ મજા આવતી હતી. 

આજે હું જે મુકામ પર છું તેનો મને સંતોષ છે. હું એક્ટિંગ કરવા માંગતો હતો એટલે હું એક્ટર બન્યો છું. મારે કશું પુરવાર કરવાનું નથી. એફટીઆઇઆઇમાં સિનેમા ભણી જોવાની મારી દૃષ્ટિ જ બદલાઇ ગઇ. મારા માટે સિનેમા એ ધ્યાન છે. હું ઇચ્છું છું કે લોકો મને મારા કામને કારણે ઓળખે.  આ જ કારણે તો હું ફિલ્મ લાઇનમાં છું. મને તેની આજુબાજુની ચમકદમકમાં કોઇ રસ નથી. 

છેલ્લે પૂણેની આખરી સ્ટોરી. એલએસડી કર્યા બાદ એફટીઆઇઆઇના એક સ્ટુડન્ટે મને ફોન કર્યો અને જણાવ્યું તે એક ગીતનું શૂટિંગ કરી રહ્યો છે અને હું પૂણે જઇ તેમાં એક્ટિંગ કરીશ કે કેમ. મને તો દોડવું હતું અને ઢાળ મળ્યો. કેમ કે મને પહેલાં વર્ષે લગભગ દરેક સ્ટુડન્ટની ડિપ્લોમા ફિલ્મોમાં કામ કરવા મળ્યું પણ પછી તે એકદમ બંધ થઇ ગયું. એ વખતે કોઇએ મને કહેલું કે ચિંતા ન કરીશ. આ એફટીઆઇઆઇનો નિયમ છે. જો, તમને ડિપ્લોમા ફિલ્મ ન મળે તો બહાર ખૂબ કામ કરવા મળે છે. પણ એ વખતે તો મને કોઇએ ડિપ્લોમા ફિલ્મમાં કાસ્ટ કર્યો નહોતો એટલે મેં  તો તરત જ તેની સાથે કામ કરવાની હા પાડી દીધી પણ તેણે મને જણાવ્યું કે મારી સાથે મુંબઇથી એક છોકરી પણ પૂણે આવશે. કારમાં મને પહેલાં બેસાડવામાં આવ્યો અને પછી રસ્તામાં બે છોકરીઓને સાથે લેવામાં આવી. એક પત્રલેખા હતી અને બીજી તેની બહેન પર્ણા હતી. આખા રસ્તે પત્રલેખા મારી સાથે કશું જ ન બોલી, એ સમયે તે ખૂબ રિઝર્વ હતી. પણ રસ્તામાં બ્રેક લીધો ત્યારે તે સહેજ ખૂલી, તેણે મને કહ્યું કે તેણે એક એડ કરી છે. અને મજાની વાત એ હતી કે એ એડ મેં જોઇ હતી. મેં જ્યારે એ એડ જોઇ ત્યારે જ મને થયું હતું કે આ છોકરી સાથે લગ્ન કરવા મળે તો કેવું. અને એ જ છોકરી આજે  મારી સાથે વાત કરી રહી હતી. જાણે આ એક દૈવી સંકેત હતો. એ પછી પણ અમે મળતાં રહ્યા...એક ગીત પણ સાથે કર્યું. અને વેલ, આજે અમારા લગ્નને પંદર વર્ષ થઇ ગયા છે. 

હાઉ ક્યુટ !