Get The App

આપણા વેબશો નિર્માતાઓ કોરિયન સર્જકોમાંથી પ્રેરણા લેશે ખરા?

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
આપણા વેબશો નિર્માતાઓ કોરિયન સર્જકોમાંથી પ્રેરણા લેશે ખરા? 1 - image

- સંજય વિ. શાહ 

- કોરિયન શોઝમાં પ્રોડક્શન વેલ્યુ ઊંચી લાગે છે એનાં તાકક કારણો છે. ત્યાં સારું નિર્માણ કરવા માટે ખર્ચ સાથે સમાધાન નહીં, એનું વ્યવસ્થિત કેન્દ્રિકરણ કરવામાં આવે છે. લોકેશન, સેટ અને કોસ્ચ્યુમ્સ પર ત્યાં છૂટથી ખર્ચ થાય છે. અનાવશ્યક ભપકા પર ખર્ચ કરવામાં આવતો નથી. આપણે ત્યાં આવો કોઈ ધારો નથી. 

તો,વાત શરૂ કરી હતી કોરિયન વેબ શોઝ વિશે. કોરિયન ડ્રામા અથવા કે-ડ્રામાએ જે રીતે વિશ્વવ્યાપી વિજયપતાકા લહેરાવી છે તે કમાલનું છે. કોરિયન સર્જનોએ અમુક અકલ્પનીય સિદ્ધિઓ પણ, એની શિસ્તબદ્ધતા અને નિર્માણને લગતી સખતાઈને લીધે મેળવી છે. દાખલો લઈએ એના એક હિટ શો, 'ક્રેશ લેન્ડિંગ ઓન યુ'નો. ૨૦૧૯ના આ શોમાં ૧૬ એપિસોડ્સ હતા. કમાલ શી હતી? એક તરફ સિરીઝના એપિસોડ્સ ટેલિકાસ્ટ (અને ઓટીટી પર સ્ટ્રીમ પણ) થઈ રહ્યા હતા અને બીજી તરફ એના આગામી એપિસોડ્સનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આપણે ત્યાં આવી (કુ)હરકતો માટે ટેલિવિઝન બદનામ છે. બદનામ એટલે કે આપણા ટીવી માટે છેલ્લી ઘડીએ જેમતેમ ચાલતું શૂટિંગ મજબૂરી બની ગયું છે. આ કોરિયન શોમાં ટેલિકાસ્ટ અને શૂટનું કોમ્બિનેશન એક મજબૂત સિસ્ટમ પ્રમાણે થયું હતું. એમાં શૂટ માટે સત્તર સ્ટેપ્સની એક માર્ગદશકા સચોટપણે અપનાવાઈ હતી. શૂટિંગ કરતાં કરતાં શોમાં, સોશિયલ મીડિયા પર મળતા દર્શકોના પ્રતિભાવ પ્રમાણે, ફેરફાર પણ કરવામાં આવી રહ્યા હતા. એ બધું થઈ રહ્યું હતું કોઈપણ ઉત્પાત વિના, ગરબડ, ધાંધલ અને ગુણવત્તાનો લેશમાત્ર ભોગ આપ્યા વિના.

હવે જોકે ત્યાં સિસ્ટમેટિક કામ વધુ થાય છે. કોરિયન સર્જકોના કામથી નેટફ્લિક્સ ભારે પ્રભાવિત છે. એવું સખત પ્રભાવિત કે અમેરિકા બહાર શોઝના નિર્માણમાં એણે સૌથી વધુ ડોલરિયું પૂર દક્ષિણ કોરિયામાં વહાવ્યું છે. આવતા વરસના અંત સુધીમાં અને ચાર વરસના ગાળામાં, નેટફ્લિક્સ એ દેશમાં અઢી અબજ ડોલર શોઝના નિર્માણમાં ખર્ચશે. એના પછી મેક્સિકો (દક્ષિણ કોરિયા કરતાં અડધાથી ઓછી રકમ નેટફ્લિક્સ ત્યાં વાપરશે), યુનાઇટેડ કિંગડમ અને પછી ભારત છે. કોઈ ઓટીટી પ્લેટફોર્મ એક દેશ પર આ રીતે સમરકંદ બુખારા અમસ્તું ઓવારી ના જાય. નેટફ્લિક્સને દક્ષિણ કોરિયા માટે એટલે પ્રેમ છે કે ૨૦૨૨ સુધીમાં અનેક કોરિયન શોઝે ૯૦થી વધુ દેશોમાં ટોપ-૧૦ યાદીમાં સ્થાન પટકાવ્યું હતું. 'સ્કિવડ ગેમ' જેવી સિરીઝે તો સફળતાની નવી ઊંચાઈઓ આંબી લીધી.

શોની સંખ્યાની વાત છે ત્યાં સુધી ભારત તેજ છે. ફિલ્મોમાં પણ આપણે સંખ્યાની બાબતે શૂરા છીએ. પણ વૈશ્વિક સફળતાના મામલે ઘણા દેશો આપણા મનોરંજન ઉદ્યોગને પછાડી રહ્યા છે. સમસ્યા એમાં જ છે. આપણે ત્યાં સંખ્યા સર્વસ્વ છે, સ્પીડ તરફ ધ્યાન છે અને ગુણવત્તા બેકસીટ પર છે.

કોરિયન સિરીઝનાં શૂટિંગ કરવાની પદ્ધતિ આપણા કરતાં જુદી અને ન્યારી છે. પૈસા કેમ વાપરવા એ વિશે ત્યાં સર્જકો કડક હાથે કામ લેનારા છે. પરિણામ એવું આવે છે કે પ્રત્યેક એપિસોડ પાછળ આપણા શો કરતાં ઓછા ખર્ચમાં ત્યાં આપણા કરતાં ઘણું વધારે સારું પરિણામ પડદે દેખાય છે. આપણે ત્યાં છ-સાત એપિસોડની સિરીઝ સરેરાશ રૂ. પચીસ કરોડ પ્રતિ એપિસોડમાં બને તો ત્યાં એ બની જાય રૂ. નવથી અઢાર કરોડ પ્રતિ એપિસોડમાં.

સ્ટાર સિસ્ટમ, નબળી સ્ક્રિપ્ટ્સ, શૂટિંગનું અધકચરું અને પછી પણ સતત અહીંથી તહીં ફંગોળાતું માળખું, ઓટીટી પ્લેટફોર્મ્સના પોતાના ભ્રષ્ટ ઓફિસર્સ અને એમની સાથે કૂલડીમાં ગોળ ભાંગતા બેનર્સ, નિર્માતાઓ, દિગ્દર્શકો, સ્ટાર્સનાં તળિયાં ચાટવાની કુટેવ અને સૌથી મહત્ત્વનું એટલે, ભૂતકાળની ભૂલોમાંથી ધરાર નહીં શીખવાની જીદ... આ પાસાં ભેગાં મળીને આપણા ધબકતા ઓટીટી વિશ્વને સતત ખોટકાતું કરી રહ્યું છે. આપણે ત્યાં, અંદરખાને કહે છે કે, અન્ડર ટેબલ દક્ષિણા આપ્યા વિના કોઈ કરતાં કોઈ શો કે ફિલ્મ ઓટીટી માટે બની શકે એ વાતમાં માલ નથી. આપણે ત્યાં શોના બજેટના ૩૦-૪૦% ટકા એક એકલો સ્ટાર ઘરભેગો કરી જાય ત્યારે કોઈને પ્રશ્ન પણ થતો નથી કે એના કરતાં તો કોઈક સારા કલાકારને તક આપીને બજેટ વશમાં રાખી શકાયું હોત અને દર્શકોને પણ સરપ્રાઇઝ લાગે એવું કશુંક પીરસી શકાયું હોત. આવી તક ઓછા જાણીતા કલાકારોને મળી ત્યારે જ તો એ સ્ટાર્સ બન્યા એ ભૂલી જવું અહીં સગવડિયો ધર્મ છે.

કોરિયન નિર્માતાઓ એમની જવાબદારી નિર્માણ કરવા સાથે પૂરી થઈ એવું નથી માનતા. તેઓ રિલીઝ સમયે અને પછી પણ શોના પ્રમોશનમાં ઊંડો રસ લે છે. સોશિયલ મીડિયાના યુગમાં તેઓ પ્લેટફોર્મના માથે બધું ઓળઘોળ કરી દેવાને બદલે પોતાના સર્જનને ચર્ચામાં રાખવા, લોકપ્રિય બનાવવા, ખાસ્સી મહેનત કરે છે. આપણે ત્યાં આવો ધારો નથી. આપણે ત્યાં રિલીઝ સાથે કલાકારો અને પડદા પાછળના કસબીઓ પણ ઉડન છૂ કરી જાય છે. પછી જે કરવાનું (અને હસવાનું કે રડવાનું) એ ઓટીટી પ્લેટફોર્મે. અપવાદરૂપે એવું થાય ખરું કે સિરીઝની વધુ સીઝન બનાવવાનો નિર્ણય આગોતરો લેવાયો હોય તો...

કોરિયન શોના દક્ષિણ કોરિયામાં દર્શકો છે એના કરતાં દુનિયામાં વધારે છે. બહુ ઓછા ભારતીય શો આ સ્તરે કોરિયન શો સાથે સ્પર્ધા કરી શક્યા છે. બેશક, આપણી વસ્તી દક્ષિણ કોરિયા કરતાં ઘણી વધારે તેથી દેશમાં શોઝનું ગાડું ગબડી જાય છે. પણ જો આપણા શોઝ વિદેશીઓનાં મન મોહી શકે તો શું થાય એની ત્રિરાશિ માંડવી અઘરી નથી.

કોરિયન શોઝમાં પ્રોડક્શન વેલ્યુ ઊંચી લાગે છે એનાં તાકક કારણો છે. ત્યાં સારું નિર્માણ કરવા માટે ખર્ચ સાથે સમાધાન નહીં, એનું વ્યવસ્થિત કેન્દ્રિકરણ કરવામાં આવે છે. લોકેશન, સેટ અને કોસ્ચ્યુમ્સ પર ત્યાં છૂટથી ખર્ચ થાય છે. અનાવશ્યક ભપકા પર ખર્ચ કરવામાં આવતો નથી. આપણે ત્યાં આવો કોઈ ધારો નથી. 

ખરેખર તો, આપણે ત્યાં નિર્માતા બિનજરૂરી ખર્ચ ટાળવા પર ભાર મૂકે એ સાથે ટોપ-રેટેડ કલાકાર-કસબીઓ એને સિફતપૂર્વક એમ આંટીમાં લઈ લે કે પેલો આટે-દાલ કા ભાવ પૂછવાને લાયક ના રહે. છેવટે એવું થાય કે નિર્માણ સહિત કુલ ખર્ચનો જે અંદાજ બાંધ્યો હોય એ રાકેટની જેમ ઊંચે ને ઊંચે ઊડે. એક કિસ્સામાં, દાખલા તરીકે, એક નગણ્ય સિતારાએ ફિલ્મના શૂટિંગ વખતે નિર્માતાના રૂ. ૩૫ લાખ કાફી શોપ્સમાં કરેલી મીટિંગમાં ચુસ્કીએ ચુસ્કીએ ચાવી (પી) નાખ્યા હતા. અને આખી ફિલ્મનું બજેટ શું હતું? બે કરોડ રૂપિયા!

કોરિયન ડ્રામાની સફળતા ચમત્કાર નથી. એ તો શિસ્ત, લેખન, નિયંત્રિત ખર્ચ અને સંકલિત માર્કેટિંગનું પરિણામ છે. આપણાં ઓટીટી પ્લેટફોર્મ્સ, આપણા સર્જકો એમાંથી પ્રેરણા લેશે ખરા?