- હોલિવુડની ફિલ્મોનું મોટાભાગનું વીએફએક્સનું કામ ભારતમાં થાય છે
- હવે એઆઇ કૌશલ્ય ન ધરાવનારાં બેંગલુરૂ, મુંબઇ, પટણાના રોટોમેકર આર્ટિસ્ટો પર બેકારીનું જોખમ વધ્યું છે.
૧૯૯૯માં આવેલી ફિલ્મ મેટ્રિક્સની પટકથામાં પહેલીવાર બુલેટટાઇમ નામના શબ્દનો ઉપયોગ થયો હતો. જેમાં એક સાથે અનેક કેમેરા વાપરી સમયને ધીમો પાડીને અથવા સ્થિર કરીને સિનેમેટ્રોગ્રાફીમાં એક નવું પરિમાણ ઉમેરવામાં આવ્યું હતું. ફિલ્મમાં નિયો પર વિલન ગોળીબાર કરે છે અને નિયો તે ગોળીની ગતિને અનુસરી તેના શરીરને એવી રીતે વળાંક આપે છે કે તેને તે બુલેટ સ્પર્શતી નથી અને દર્શકને તે સીધી તેની તરફ આવતી જણાય છે. આ ઇફેક્ટ મેટ્રિકસ ઇફેક્ટ્સ તરીકે જાણીતી બની, જેેમાં ટાઇમ સ્લાઇસિંગ ટેકનિક વાપરી સમયને ધીમો પાડવાની પ્રક્રિયા દર્શાવવામાં આવે છે. આ અભૂતપૂર્વ ફ્રોઝન ક્ષણો સર્જવા માટે વીએફએક્સ સુપરવાઇઝર જ્હોન ગેઇટાએ દિગ્દર્શકો અને સિનેમેટોગ્રાફર સાથે મથામણ કરી ૧૨૨ સ્ટિલ કેમેરા વાપરી રીવ્ઝને કેન્દ્રમાં રાખી આ કમાલની સિક્વન્સને સાકાર કરી ઇતિહાસ રચ્યો હતો. આ ૧૨૨ કેમેરા દેખાય નહીં તે માટે તેમણે ફોટોરિયલસ્ટિક સેટ્સ બનાવ્યા હતા જેથી કેમેરાને બાદમાં ફ્રેમમાંથી કાઢી શકાય. આ વીએફએક્સને પગલે એક નવી ક્રાંતિ આવી,જેમાં કમ્પ્યુટર ક્રાંતિનો ફાયદો ભારતની આઇટી કંપનીઓને થયો તેમ હોલીવૂડમાં આવેલી આ વીએફએક્સ ક્રાંતિનો ફાયદો પણ ભારતની વીએફએક્સ કંપનીઓને થયો છે.
પરંતુ આજે ૨૦૨૫માં સિનારિયો સંપૂર્ણપણે બદલાઇ ગયો છે. આજે બુલેટ ટાઇમ ઇફેક્ટ દ વીન્ચી નામના એઆઇ સોફ્ટવેર પર માત્ર પાંચ મિનિટમાં સર્જી શકાય છે. આજે એઆઇના આગમન સાથે વીએફએક્સમાં થતાં કામની ગતિમાં જબરદસ્ત વધારો થયો છે પણ તેમાં કામ કરનારા આર્ટિસ્ટ્સનું સ્થાન એઆઇ સોફ્ટવેર કે એલએલએમ મોડેલ્સ લઇ રહ્યા છે. ભારતમાં આ એઆઇ ક્રાંતિને કારણે શું પરિવર્તનો આવી રહ્યા છે તે જાણવાનું રસપ્રદ થઇ પડશે.
ભારતમાં થતાં વીએફક્સના કામને ઉદાહરણથી સમજવું હોય તો આમ સમજી શકાય. જો હોલીવૂડ ઇન્ટિરિયર ડિઝાઇનર હોય તો ભારતમાં કામ કરતાં વીએફએક્સ આર્ટિસ્ટ્સ તેના પેઇન્ટર્સ અને કડિયાં-સુથાર છે. સ્વાભાવિક છે કે ઇન્ટિરિયર ડિઝાઇનરનું કામ ટેકનોલોજી કરવા માંડે ત્યારે તેમાં ઉચ્ચ સ્તરે જે માણસો નવી ટેકનોલોજી ન અપનાવી શકે તેમના કામનો છેદ ઉડી જાય પણ પાયાના કડિયાં-સુથારના કામોમાં વધારે ફરક ન પડે. તેમાં સમયસર ટેકનોલોજી અપનાવવામાં આવે તો તેમના કામની ઝડપ વધે એટલું જ પણ તેમનું રિપ્લેસમેન્ટ ન થઇ શકે. ભારતમાં ઉપલબ્ધ સસ્તી ટેલેન્ટનો લાભ લેવા માટે હોલીવૂડના સૌથી મોટા વીએફએક્સ વેન્ડોર્સ ૨૦૧૦ના દાયકાના મધ્યમાં ભારતમાં આવ્યા હતા.તેમાં મોખરે ટેકનિકલર નામની ફ્રેન્ચ કંપની હતી. મહિનાઓમાં તો આ કંપનીએ મોટાભાગના આર્ટિસ્ટ્સને નોકરીએ રાખી લીધાં અને ભારતીય રોટોમેક્ર આર્ટિસ્ટના ભાગ્યના દરવાજા અચાનક ખૂલી ગયા. જે કામ કરવાના ભારતીય પ્રોજેક્ટમાં મહિને ૬૦,૦૦૦ રૂપિયા મળતાં હોય એ જ કામ હોલિવૂડના સ્ટુડિયો માટે કરવાના ત્રણથી ચાર લાખ રૂપિયા મળવા માંડયા. તેમ છતાં અમેરિકનો માટે આ લાભનો સોદો હતો. યુએસમાં મીડલેવલના આર્ટિસ્ટને જે મહેનતાણું ચૂકવવું પડે તેની સામે તો આ અડધો જ ખર્ચ હતો.
પણ ૨૦૨૩માં હોલીવૂડમાં એઆઇના આગમન સામે લેખકો અને કળાકારોએ અભૂતપૂર્વ હડતાળ પાડી.૧૪૮ દિવસ ચાલેલી આ હડતાળમાં લેખકો અને એક્ટર્સે સ્ટુડિયો પાસે તેમના હિતો સાચવી લેવામાં સફળ થયા પણ ફેબુ્રઆરી ૨૦૨૫માં ટેકનિકલર કંપનીના ગ્લોબલ ઓપરેશન્સે નાદારી નોંધાવી. જેના પરિણામે ભારતમાં રાતોરાત ૩૦૦૦કરતાં વધારે આર્ટિસ્ટ્સ બેકાર બની ગયા હતા. જેના પગલે આ ક્ષેત્રમાં ભારતમાં ફ્રી લાન્સિંગ કામનું ચલણ વધ્યું. બીજી તરફ સ્ટુડિયોએ પણ નાના સેટ અપ સ્થાપ્યા કે પાર્ટનર્સ દ્વારા કામ કરાવવાનું શરૂ કર્યું.
વીએફએક્સ સપ્લાય ચેઇન ગ્લોબલ રિલે દોડની જેમ ગોઠવાયેલી છે. જેમાં એક શોટ ત્રણ સમય ઝોનમાં અનેક હાથોમાંથી પસાર થાય છે. હોલીવૂડના ટોચના સ્ટુડિયો જેમ કે ડિઝની કે પેરામાઉન્ટ યુએસ કે યુકેમાં ટોચના વેન્ડસ આઇએલઅમ કે એમપીસીને કામ આપે છે. આ વેન્ડર્સ આ કામ ભારતીય પ્રોડક્શન હાઉસો જેમ કે પ્રાઇમ ફોક્સ, ડીએનઇજી કે પ્રસાદ ઇ એફ એક્સને સોંપે છે. આ ભારતીય પ્રોડકશન હાઉસો સિકવન્સ બ્રેક ડાઉન કરી તેને નાના કામોમાં વિભાજીત કરી દઇ મધ્યમ કદના સ્ટુડિયોને સોંપે જે અમુક પ્રકારના કામો કરવામાં નિષ્ણાત હોય. આ ભારતીય પ્રોડક્શન હાઉસો પછી ફ્રી લાન્સર્સ પાસે તેમના કામ કરાવે છે. ભારતમાં સામાન્ય રોટો આર્ટિસ્ટને મહિને સરેરાશ વીસથી ચાળીસ હજારનો પગાર
મળે છે.
ભારતમાં બેન્ગાલુરૂ, મુંબઇ, હૈદરાબાદ, ચેન્નાઇ અને પટણા વીએફએસના મુખ્ય કેન્દ્રો બની રહ્યા છે. પણ નાના સ્ટુડિયો અને ફ્રી લાન્સર ગમે ત્યાંથી કામ કરી શકે છે. તેમને માત્ર અવિરત ઇન્ટરનેટનું જોડાણ મળે એટલે તેમનું કામ વિના અવરોધે થઇ શકે છે.
હવે સ્થિતિ એવી થઇ છે કે લોકો દિવસે કંપનીમાં કામ કરે છે અને રાત્રે વીએફએસનું ફ્રી લાન્સિંગ કામ કરે છે. હવે એઆઇના આગમન સાથે આ ઉદ્યોગમાં સમીકરણો ઝડપથી બદલાઇ રહ્યા છે. આ ક્ષેત્રના પીઢ અનુભવી કળાકારો એઆઇ ટૂલ્સ અજમાવવા માંડયા છે. નિષ્ણાતો હવે મોશન ગ્રાફિક્સ અને મોન્ટાજ જેવા કામો માટે માણસોને રાખવાને બદલે મીડ જર્ની જેવા એઆઇ ટૂલ્સ દ્વારા જાતે જ આ કામો કરવા માંડયા છે. જે લોકો નવા એઆઇ એજન્ટ્સ સાથે કદમ મિલાવી તેમના કામને સુધારતાં જશે તેઓ ફાવશે, બાકીના ફેંકાઇ જશે.
ભારતમાં વીએફએક્સ ઉદ્યોગને હવે દેશી ફિલ્મોનું કામ પણ મોટાપાયે કરવા મળે છે. હવે દેશી ફિલ્મોમાં વીએફએક્સનું બજેટ વધતું ચાલ્યું છે. સાથે સાથે કામની ગુણવત્તા પણ સુધરી રહી છે. ઓટીટી સિરિઝો અને પ્રાદેશિક ફિલ્મોમાં કમ્પ્યુટર ગ્રાફિક્સ ઇમેજરી યાને સીજીઆઇનું કામ સતત વધી રહ્યું છે.
આમ, જો હોલિવૂડમાંથી મળતું કામ એઆઇ છીનવી જાય તો પણ ભારતમાં સ્થાનિક ફિલ્મ ઉદ્યોગનું કામ મળવાનું તો જારી રહેશે. પણ એક વાત નક્કી છે કે ભારતના વીએફએક્સ ઉદ્યોગનો સુવર્ણકાળ હવે પુરો થઇ ચૂક્યો છે. હવે એઆઇ કુશળ કળાકારો ટકી જશે પણ તેમને ડોલર્સમાં જે જંગી મહેનતાણાં મળતાં હતા તે હવે ભૂતકાળની બીના બની ચૂકી છે.


