Get The App

મને કોઈ બાળકો માટેની ફિલ્મની ઓફર કેમ આપતું નથી?: વિદ્યા બાલન

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
મને કોઈ બાળકો માટેની ફિલ્મની ઓફર કેમ આપતું નથી?: વિદ્યા બાલન 1 - image

આજના જમાનામાં લગભગ દરેક બાળક કશું સમજતું થાય એ પહેલાં સ્માર્ટફોનની સ્ક્રીન પર આંગળી વડે દ્રશ્યો બદલતું થઇ જાય છે. અબુધ મા-બાપો બાળકો કશું સમજવાની સ્થિતિમાં આવે તે પહેલાં જ તેમને સ્માર્ટ ફોન પર કાર્ટૂન અને જાતજાતની વ્યસની ગેમના રવાડે ચડાવી દે છે. ભવિષ્યમાં આ પેઢી શું કરશે તે મોટો સવાલ છે. વિદ્યા બાલન તેથી જ આજકાલના બચ્ચાંઓને ગેજેટ્સમાં ડૂબેલાં જોઇને ડિસ્ટર્બ થઇ જાય છે. હાલ બાળ સુરક્ષાનાં કામોમાં ઉલટથી ભાગ લેતી વિદ્યા બાલન પોતાના બાળપણની વાત કરતાં અતીતરાગમાં ડૂબી જાય છે. 

વિદ્યા કહે છે, 'હું મુંબઇના ચેમ્બુર ઇલાકામાં જન્મી અને ઉછરી છું. અમે રોજ સાંજે અમારા બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં અમારા મિત્રો સાથે રમવા માટે ભેગાં થતાં હતાં. અમારા વિસ્તારમાં અમે બધાં એકદમ સુરક્ષિત હતા. અમે છોકરીઓ  હોવા છતાં સ્ટ્રીટ પર રખડવા જઈ શકતી. દરેક જણ બધાને ઓળખતાં હોય એટલે તેઓ અમને ગમે ત્યાંથી શોધી કાઢતાં. આજે બાળકોને જ્યારે ગેજેટ્સમાં મોં નાંખીને બેઠેલાં જોઉં છું ત્યારે મારું મન ઉદાસ થઇ જાય છે. દોડવા કૂદવાની ઉંમરે આ બાળકો સ્ક્રીન પર ચોંટી જાય છે, અને પોતાની આંખોનું નુકશાન કરે છે. તેમની આંખો તો ખરાબ થાય જ છે, પણ શારીરિક પ્રવૃત્તિના અભાવે તેમનો યોગ્ય રીતે શારીરિક વિકાસ થતો પણ અટકી જાય છે. વળી આજનાં માબાપ પણ તેમનાં સંતાનો મેદાનમાં રમવા જાય તો ચોવીસે કલાક તેમની આસપાસ ઘુમરાયા કરે છે અને તેમને મુક્ત મને રમવા દેતાં જ નથી. બાળકોનું વધારે પડતું ધ્યાન રાખવું એ પણ એક સમસ્યા છે.' 

બાળપણમાં પોતાને મળેલી સ્વતંત્રતાની વાત કરતાં વિદ્યા કહે છે, 'ઇશ્વરનો આભાર કે અમને આનંદભર્યું સલામત બાળપણ મળ્યું. તમે જેમ મોટાં થાવ તેમ તમને આ વાત વધારે સમજાતી જાય છે. આજકાલ આપણી ચારે તરફ જે કંઇ થઇ રહ્યું છે તે ચિંતાપ્રેેરક છે. તમારું બાળપણ તમારો પાયો છે, જેના આધારે તમારું વ્યક્તિત્વ વિકસે છે. તમે જીવનમાં જે કાંઇ પણ બનો તેમાં તમારા બાળપણનું મહત્ત્વ અનેરૂ હોય છે. મારો ઉછેર સરળ અને સંતોષજનક  હતો. મારી બહેન અને મને અમુક પંરપરાગત મૂલ્યો શીખવવામાં આવ્યા હતાં, પણ એ સિવાય અમારે જે કંઇ કરવું હોય તેની છૂટ હતી. ફર્સ્ટ ક્લાસ લાવવાનું કોઇ પ્રેશર મારા પર નહોતું. હું મારો શ્રેષ્ઠ પ્રયાસ કરતી અને મારાં માતાપિતા માટે એ પૂરતું હતું. આજે જ્યારે બાળકો જાતજાતના પ્રેશર તળે જાતજાતની સિદ્ધિઓ મેળવતાં હોય છે ત્યારે થાય કે વાઉ, તેઓ સતત કશું ને કશું કરતાં જ રહે છે. પણ અમારા બાળપણમાં અમારી પાસે ઘણો સમય રહેતો હતો. મારે મન એ સમયનું મૂલ્ય મોટું હતું. મારો એ સમય યાદગાર બની રહ્યો છે. આજનાં બાળકોને આવો મુક્ત સમય મળતો હશે કે કેમ તે શંકા છે.'    

બોલિવુડમાં બાળફિલ્મો બનતી નથી તે બાબતે વિદ્યા કહે છે, 'મને સતત નવાઇ લાગે છે કે મને બાળફિલ્મમાં કામ કરવાની કોઇ ઓફર કેમ મળતી નથી? આજે બાળફિલ્મો કેમ બનતી નથી એ એક કોયડો છે. હું તો હમેંશા બાળફિલ્મમાં કામ કરવા તત્પર રહું છું. થોડા મહિના અગાઉ એક કાર્યક્રમમાં જવાનું બન્યું હતું ત્યારે મેં જોયું કે ત્યાં ખૂબ બધાં બાળકો હતાં, પણ કાર્યક્રમમાં મોટાઓને ગમે તેવી બાબતો વધારે હતી. આમ છતાં બાળકો મોજ કરી રહ્યાં હતાં. મને સમજાયું કે બાળકોને ગમે તેવી સામગ્રીના અભાવે તેમણે પુખ્ત વયના લોકોની સામગ્રીનો આનંદ માણવો પડે છે. એક જમાનામાં ભારતમાં બાળકોને ગમે તેવી ફિલ્મો બનતી હતી, જેમ કે 'હાથી મેરે સાથી', 'છોટા ચેતન' અને અનેક પ્રકારની બાળફિલ્મોનું નિર્માણ થતું હતું, પણ આજે આમાંનું કશું રહ્યું નથી. જાણે મનોરંજનની દુનિયામાંથી બાળકોનો એકડો જ નીકળી ગયો છે.' વેલ સેઇડ, વિદ્યા!