રસિકા દુગ્ગલને હેન્ડલુમની સાડીઓ જ કેમ ગમે છે?
- 'જો તમે તમારા પરિવારની મહિલાઓને સાડી અને વણાટ વિશે વાત કરતાં ન સાંભળી હોય તો તમે ભારતમાં મોટા થયા એવું કહી શકાય જ નહીં!'
'ગુન્ડલુમની હાથવણાટની સાડીઓનું એક અનોખું આકર્ષણ હોય છે. ઘણી મહિલાઓની હાથવણાટની સાડી ગમતી હોય છે અને તે પહેરીને એ અનેરી શાતા અનુભવતી હોય છે. આવી મહિલામાં એક અભિનેત્રીનો પણ સમાવેશ થાય છે, જેનું નામ છે, રસિકા દુગ્ગલ! થોડા દિવસ પહેલા જ રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસ ગયો, તે નિમિત્તે રસિકાએ હેન્ડલુમ અંગે ઘણી વાતો કરી.
રસિકા દુગ્ગલ કહે છે, 'હું હંમેશા હાથથી વણાયેલા કાપડ તરફ આકર્ષાતી રહી છું. હું દિલ્હી યુનિવર્સિટીમાં હતી એ સમય દરમિયાન હાથસાળની ઘણી સાડીઓ પહેરી હતી, જેમાં પોશાકોનો પણ સમાવેશ થઈ જાય છે. આનું કારણ એ હતું કે મને એ વસ્ત્રોનો ટેક્સચર, રંગ અને તેની કમ્ફર્ટ ફીલ બહુ આહ્લાદક લાગતો.'.
આ સાથે જ રસિકા વધુમાં ઉમેરે છે 'હાથથી વણાટ કરવાની કળામાં ચોક્કસ કુશળતા જોઈએ. મેં પહેલીવાર સાડી વણાતી જોઈ ત્યારે હું ગુજરાતમાં એક સ્થળે શૂટિંગ માટે ગઈ હતી. મેં પટોળા જે વણકરો બનાવે છે, તેમના પરિવારની મુલાકાત લીધી હતી. તેમની સાથે વાતચીત કરી હતી. તેમના વિચારો અને કૌશલ્યથી હું પ્રભાવિત થઈ હતી. જેટલી વધુ હાથસાળ અંગે માહિતી અને જાણકારી મેળવતી ગઈ, તેટલી હું તેના વધુને વધુ પ્રેમમાં પડતી ગઈ.'
રસિકા માટે આવા કાપડની ખરીદી સાથે તો તેની બાળપણની યાદ જોડાયેલી છે. એ કહે છે, 'જો તમે તમારા પરિવારની મહિલાઓને સાડી અને વણાટ વિશે વાત કરતાં ન સાંભળી હોય તો તમે ભારતમાં મોટા થયા એવું કહી શકાય જ નહીં!'
બીજા શહેરની મુલાકાત ઘણીવાર ત્યાંનાં કપડાં ખરીદવાથી ચિહ્નિત થતી હોય છે. વૈવિધ્યસભર સાડી સંગ્રહ ઈર્ષ્યા અને ગર્વનો વિષય બની શકે છે, એમ રસિકા કહે છે. આનું ં એક ભાવનાત્મક પાસું પણ છે. 'દરેક વિશિષ્ટ સાડી સાથે એક કહાણી જોડાયેલી હોય છે. કેવી રીતે કોઈએ કાંજીવરમ્ માટે નાણાની બચત કરી હતી, અથવા કેવી રીતે પટોળા અથવા તો પાંચમપલી તેમના પરિવારમાં વર્ષોથી આગલું સ્થાન ધરાવે છે, વગેરે.'
હેન્ડલુમના બહુમુખી ગુણધર્મોને પ્રતિબિંબત કરતાં ૪૧ વર્ષીય રસિકા દુગ્ગલ કહે છે, 'મેં મારા લગ્નમાં મારી માતાની સાડી પહેરી હતી અને તે ખૂબ જ ખાસ હતી. હેન્ડલુમ તો જે લોકો તેને વણે છે, તે સમુદાય અને તે લોકો જ તેના દ્વારા જ જળવાઈ રહે છે. આ એક પરંપરાની જાળવણી છે. તેથી જ તો હું જ્યારે આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં ભાગ લઉં છું અથવા અમુક સ્થળોની મુલાકાતે જાઉં છું ત્યારે પરંપરાગત વણાટના વસ્ત્રો, ખાસ કરીને સાડી પહેરવાનો આગ્રઙ રાખું છું.'