Get The App

હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર પિટાઈ કેમ જાય છે?

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર પિટાઈ કેમ જાય છે? 1 - image

- મોટા સ્ટાર્સની ફિલ્મોની મોટી પછડાટનું મુખ્ય કારણ શું છે?  જવાબ છે, દર્શકોનાં દિલ-દિમાગમાં કર્ણપ્રિય રૂપેરી ઘંટડી વાગે તેવી કથા. રસતરબોળ કરી દે તેવી વાર્તા.

ગીત ગાતા ચલ, દોસ્તી, ચિતચોર, રજનીગંધા,છોટી સી બાત, ગોલમાલ વગેરે ફિલ્મોમાં તે સમયનાં એક પણ મોટાં સ્ટાર્સ નથી. આમાંની મોટાભાગની ફિલ્મો સિત્તેરના દાયકાના આલા દરજ્જાના દિગ્દર્શકો  ઋષીકેશ મુખરજી અને બાસુ  ચેટરજીની છે.આમ છતાં આ બધી ફિલ્મો તે જમાનાની સુપરહીટ છે. આ બધી ફિલ્મોમાં તે સમયનાં રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, જિતેન્દ્ર જેવા મોટાં નામ નથી.

જય સંતોષી મા (૧૯૭૫) ફિલ્મ તો સંપૂર્ણપણે ધાર્મિક હતી. વળી, આ ફિલ્મમાં કાનન કૌશલ, અનિતા ગુહા, ભારત ભૂષણ જેવાં ઓછાં જાણીતાં કલાકારો હોવા છતાં આખા ભારતમાં ઢોલ,નગારાંથી સ્વાગત થયું હતું. જય સંતોષી મા ફિલ્મે તો તેની સાથે જ રજૂ થયેલી સંજીવ કુમાર, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન,જયા ભાદુરી,અમજદ અલી ખાન જેવાં મોટાં નામ ધરાવતી સુપર સુપરહીટ ફિલ્મને જબરદસ્ત ટક્કર આપી હતી.  

છેલ્લા એક દાયકામાં એટલે કે ૨૦૧૫થી ૨૦૨૫ દરમિયાન  રજૂ થયેલી લાપતા લેડીઝ, મસાન,તનુ વેડ્ઝ મનુ  વગેરે ફિલ્મોમાં પણ   શાહ રૂખ ખાન,સલમાન ખાન, રિતિક રોશન વગેરે મોટા સ્ટાર્સ નથી. આમ છતાં આ તમામ ફિલ્મોને દર્શકોએ ઉમળકાભેર આવકાર આપ્યો છે.  

એક પણ મોટા  સ્ટાર વગરની  આ  બધી ફિલ્મોની  સુપરહીટ સફળતાનાં   કારણો અને પરિબળો ક્યાં છે ? 

બીજીબાજુ  બોલીવુડના બાદશાહ ગણાતા શાહ રૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર,  અજય દેવગણ  જેવાં વજનદાર ગણાતાં સ્ટાર્સની  ઝીરો, ફેન, જબ હેરી મેટ્સ સેજલ, ટયુબલાઇટ, ભારત, જય હો, સમ્રાટ પૃથ્વીરાજ, રક્ષાબંધન, બચ્ચન પાંડ, લાલ સિંહ ચઢ્ઢા, મૈદાન, એક્શન જેક્શન વગેરે ફિલ્મોને દર્શકોએ મોટો દરવાજો દેખાડી દીધો હતો.  

મોટા સ્ટાર્સની આ તમામ ફિલ્મોની મોટી પછડાટનાં કારણો અને પરિબળો કયાં  છે ? 

 જવાબ છે, દર્શકોનાં દિલ-દિમાગમાં કર્ણપ્રિય રૂપેરી ઘંટડી વાગે તેવી કથા. રસતરબોળ વાર્તા.

 હા, સાચી વાત છે. 

બોલીવુડનાં અનુભવી અને દર્શકોનાં દિલ-દિમાગને બરાબર જાણતાં-સમજતાં  જાણકારોના  કહેવા મુજબ દર્શકો ૫૦,૬૦,૭૦ ની પેઢીનાં હોય કે અત્યારની પેઢીનાં, એક વાત તો એકસો ટકાની છે કે જે ફિલ્મની વાર્તા અને પ્રસંગો ઘરનાં દાદા--દાદી કહેતાં હોય તેવાં  હોય તો તે ફિલ્મને દર્શકો તેમનાં માથા પર લઇને નાચશે. સિનેમાગ્રહોમાં આનંદ ઉત્સાહની કીકીયારીઓ પાડશે. બોક્સ ઓફિસ છલકાવી દેશે. 

ગીત ગાતા ચલ, દોસ્તી, રજનીગંધા, ચિત્તચોરથી લઇને મશાન વગેરે ફિલ્મોની કથા અને પ્રસંગો ખળખળ ઝરણાંની જેમ વહે છે. ફિલ્મોનાં પાત્રો ભારોભાર નિર્દોષ, રમતિયાળ છે. દર્શકોને એવો લાગણીસભર અહેસાસ થાય છે કે અરે, આ તો હું પોતે જ છું. આ વાર્તા અને પ્રસંગો  તો અમારા ઘરનાં છે.  માનવ જીવનની ઘટમાળનો સીધો અને સાવ સાચુકલો એક્સ -રે છે. 

આવી  સરસ મજાની અને મન-મગજ તરબતર થઇ જાય તેવી ફિલ્મ જોઇને  આજના આધુનિક અને જબરી સ્પર્ધાના યુગમાં જીવતો માનવી   બેઘડી હળવોફૂલ થઇ જાય તો તેને વધુ સારું અને આનંદી જીવન જીવવાનો ઝાઝોબધો ઓક્સિજન પણ મળી જાય. 

જોકે છેલ્લા ઘણા સમયથી બોલીવુડમાં  આવો ગમતીલો માહોલ નથી જોવા કે અનુભવવા નથી મળ્યો. હજી હમણાં જ લગભગ ૫૦૦ કરોડના તોતિંગ બજેટની ફિલ્મ કુલી(તમિળ ફિલ્મોના સુપરસ્ટાર રજિનીકાંત અને નાગાર્જુન) અને વોર -૨ બંનેને કોણ જાણે કેમ દર્શકોએ ફંગોળીને સિનેમાગૃહ બહાર ફેંકી દીધી.જાવ, નથી જોવી અમારે આવી અણગમતી ફિલ્મો.

વાત  જાણે કે એમ છે કે હિન્દી ફિલ્મ જગતનું ચક્ર અવળું ઘુમી રહ્યું છે. ફોડ પાડીને કહીએ તો ૫૦ થી ૭૦ ના દાયકામાં માનવ જીવનને સ્પર્શતા પ્રસંગો,માનવ સંવેદના, પરિવારનો અથાક સંઘર્ષ અને સફળતા, ગ્રામ જીવનનું અને  પ્રકૃતિનું લીલુંછમ દર્શન વગેરે વિષયોની સુંદર વાર્તાસભર ફિલ્મો રજૂ થતી. વળી, કથાના પ્રસંગોની ગૂંથણી એટલી સરસ રહેતી કે દર્શકો તેની સાથે એકરૂપ થઇ જતાં. 

વળી,તે સમયનાં કલાકારો ભણેલાં હતાં. તેમનો  હિન્દી  અને ઉર્દુ બંને ભાષા પર અચ્છો કાબૂ હતો. તેઓ ભારતનાં હિન્દી -- ઉર્દુ કવિઓ,લેખકો,શાયરો વગેરે સાથે ગોઠડી કરતાં.  હિન્દી સાહિત્યના કાર્યક્રમોમાં જવાનું ગૌરવ અનુભવતા. 

મોતીલાલ, દિલીપકુમાર, રાજ કપૂર,દેવ આનંદ,  અશોક કુમાર, રાજેન્દ્ર કુમાર, રાજકુમાર, નૂતન,મીના કુમારી,મધુબાલા, વહિદા રહેમાન,માલા સિંહા,શર્મિલા ટાગોર  વગેરે કલાકારો તેમના  સંવાદો શુદ્ધ હિન્દી અને ઉર્દુ ભાષામાં બોલતાં. ગીતોના શબ્દો પણ આવા સાચા લહેકાથી ગાઇ શકતાં. ગૌરવની બાબત તો અ છે કે આ બધાં કલાકારોના ફિલ્મના સંવાદ તેમની હિન્દી ભાષામાં લખાયેલા હતા.સરળ રીતે સમજીએ તો આ બધાં કલાકારો અભિનય સાથે જે સંવાદ બોલતા જે તેમની માતૃભાષા હિન્દીમાં વાંચીને બોલતા અને આત્મસાત કરતા.  

આ સમગ્ર બાબતને મનોવિજ્ઞાાનની અને ભાષા પ્રેમની દ્રષ્ટિએ જોઇએ. હકીકત એ છે કે દરેક વ્યક્તિ તેની માતૃભાષામાં બોલે, વાત કરે, વિચારે પણ ખરી. ઉદાહરણરૂપે ગુજરાતી માણસ પોતાની માતૃભાષા ગુજરાતીમાં જ વાત કરશે. વિચારશે પણ ગુજરાતીમાં જ. નહીં કે બંગાળી કે મલયાલમ ભાષામાં. આટલું જ નહીં, ગુજરાતી વ્યક્તિ પોતાનાં મન -હૃદયની લાગણી પણ પોતાની ભાષામાં જ વ્યક્ત કરશે. 

હવે આ જ મનોવિજ્ઞાાન અભિનેતાને  અને અભિનેત્રીઓને પણ લાગુ પડે. આ તો થઇ પોતાની માતૃભાષામાં સંવાદો બોલવાની વાત. હવે  જોકે કોઇ અભિનેતાને કે અભિનેત્રીને તેમની  ફિલ્મના સંવાદ તેમની  ભાષાને બદલે અંગ્રેજી ભાષામાં  લખાયેલા મળે ત્યારે તેમને ભાવવાહી અભિનય કરવામાં જબરી દ્વિધા થશે. મુશ્કેલી થશે. તેમના મગજમાં પોતાની અને અંગ્રેજી એમ બંને ભાષાનું તુમુલ યુદ્ધ જામશે. અંગ્રેજી ભાષામાં લખાયેલા સંવાદનું મન-મગજમાં પોતાની ભાષામાં રૂપાંતર કરવું  અઘરું બની રહેશે. 

આ સમગ્ર દ્વિધાનો તંતુ પહોંચે છે અંગ્રેજી માધ્યમના ભણતર સુધી. એટલે કે આજની નવી,ઉગતી,આધુનિક પેઢીનાં મોટાભાગનાં  યુવાન કલાકારો અંગ્રેજી માધ્યમની શાળામાં ભણેલાં છે.સમય જતાં આ જ પેઢી હિન્દી ફિલ્મ જગતમાં જોડાય છે. હવે અંગ્રેજી માધ્યમમાં ભણેલાં અભિનતાને કે અભિનેત્રીને અંગ્રેજીમાં લખાયેલા સંવાદ સાથે હિન્દી ફિલ્મમાં  અભિનય કરવાનું કહેવામાં આવે ત્યારે તેઓને બહુ બહુ સમસ્યાનો સામનો કરવો પડે. 

બીજું, બોલીવુડની આજની નવી પેઢીનાં શોભાનાંપૂતળાં જેવાં સ્ટાર્સને   હોલીવુડ (અમેરિકા)ની અંગ્રેજી ફિલ્મો બહુ  બહુ ગમે છે. તેઓ હોલીવુડ સહિત યુરોપના દેશોની અંગ્રેજી ફિલ્મો જોઇને જ મોટાં થયાં હોવાથી તેમનાં માનસમાં અને વાણી-વ્યવહારમાં પણ  હોલીવુડ  છલકાતું હોય છે. પરિણામે તેઓ વિચારે પણ અંગ્રેજીમાં અને વાતચીત કરે પણ અંગ્રેજીમાં. તેઓને ફિલ્મના જે સંવાદ અપાય છે તે હિન્દીમાં નહીં પણ અંગ્રેજીમાં લખાયેલા હોય છે. 

જરા કલ્પના કરો કે બોલીવુડનાં  આ કોન્વેન્ટિયા કલ્ચરનાં છોકરા -છોકરીઓ અંગ્રેજીમાં લખાયેલા સંવાદ હિન્દીમાં બોલે ત્યારે તેમના ઉચ્ચારો શુદ્ધ અને સ્પષ્ટ નથી હોતા. વળી,  તેમના અભિનયમાં ભલા કેવો ભાવ આવે ? નર્યો છીછરો. સાવ જ કોરોધાકોર. 

બીજીબાજુ હિન્દી  ફિલ્મ જગતમાં આ નવી પેઢી વચ્ચે  આજે પણ અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, અનુપમ ખેર, આશુતોષ રાણા, મનોજ બાજપાઇ,  શર્મિલા ટાગોર   જેવા પ્રતિભાશાળી, મહેનતુ, હિન્દી અને ઉર્દુ  જબાન પર અચ્છો કાબૂ ધરાવતા અભિનેતાઓ છે.એટલે જ તો આ બધાં કલાકારોની ઉંમર ૬૦ -૭૦ વર્ષ કરતાં પણ વધુ હોવા છતાં હજી તન-મનથી  સંપૂર્ણ સક્રિય છે. દર્શકો અમિતાભ બચ્ચને અને અનુપમ ખેરને  આજે પણ ભરપૂર પ્રેમ કરે છે.