ભારતમાં સારી બાયોપિક ફિલ્મો શા માટે બનતી નથી?
'ગેંગ્સ ઓફ વાસેપુર', 'સાહિબ બીવી ઔર ગેંગસ્ટર' અને 'પાનસિંહ તોમર' જેવી ઓફબિટ ફિલ્મો માટે જાણીતા ફિલ્મમેકર હવે એક બાયોપિક પર હાથ અજમાવવાના છે. એની હમણાં એક ઇન્ટરવ્યૂમાં જાહેરાત કરતા ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા કહે છે, 'મારી પાસે ઘણાં પ્રોજેક્ટ્સ છે. અત્યારે હું ચાર-પાંચ આઈડિયા પર કામ કરી રહ્યો છું. એમાં સૌથી મહત્ત્વનો પ્રોજેક્ટ છે 'મુગલે આઝમ'ના લિજેન્ડરી સર્જક કે. આસિફની બાયોપિક.' આવી ઘોષણા કરવાની સાથોસાથ તેઓ મજાકમાં એવી કમેન્ટ પણ કરી લે છે કે 'જો કોઈ આસિફની બાયોપિક બનાવવાનો પ્રયાસ કરશે તો એનું આવી બનશે. હું એને છોડીશ નહિ.' બિગ બજેટ બાયોપિક બનાવવાની તૈયારી કરી રહેલા તિગ્માંશુ ધુલિયા ભારતમાં સારી બાયોપિક બનાવવી એક મોટો પડકાર છે એ જાણે છે બાયોપિક બનાવવી મુશ્કેલ શા માટે છે એનું કારણ આપતા જેની બાયોપિક બનાવવી છે એના પરિવારની સંમતિ લેવી પડે છે અને બીજુ એ કે એ વ્યક્તિના જીવનનું બધુ સુષ્ટુ સુષ્ટુ જ પડદા પર દેખાડાય એવી ફિલ્મમેકર પાસેથી અપેક્ષા રખાય છે. એ કહે છે, 'હિન્દુસ્તાન મેં અગર આપ કિસી કી બાયોપિક બનાના ચાહતે હૈં તો આપકો ઉસ ઇન્સાન કા સબ અચ્છા હી દિખાના પડતા હૈ. એ વ્યક્તિ કોઈ ખરાબ કામ કરી જ ન શકે એવું લોકો માને છે. આ એક અજીબ પ્રકારની માનસિકતા છે અને એના વાંકે અસલી (ખરી) બાયોપિક બની જ નથી શકતી.' સત્ય વચન.