app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

'અમારી ઉંમરને શોભે એવા રોલ શા માટે લખાતાં નથી?'

Updated: May 25th, 2023


ભારતના મનોરંજનજગતની અભિનેત્રીઓ આજે જે સ્થાને છે ત્યાં સુધી પહોંચવા તેમણે પુષ્કળ સંઘર્ષ કર્યો છે. ચોક્કસ વય પછી કામ મેળવવા તેમણે ફરી પાછો નવોદિતા જેવો સંઘર્ષ કરવો પડે એ ખરેખર અફસોસની વાત ગણાય. વધતી જતી વય સાથે તેમને ચોક્કસ પ્રકારનાં પાત્રો જ મળે છે અથવા બિલકુલ કામ નથી મળતું. એક તબક્કો એવો હતો જ્યારે અભિનેત્રીઓ લગ્ન કરવાનું ટાળતી અથવા પોતાના વિવાહ બાબતે ચૂપકિદી સેવતી. તે સમયમાં પરિણીત અદાકારાઓ માટે પણ ફિલ્મોમાં કામ મેળવવું મુશ્કેલ થઈ પડતું. અલબત્ત, હવે આવી સ્થિતિ ઘણાં અંશે સુધરી છે. આમ છતાં અસમાન મહેનતાણું, પીઢ અદાકારાઓ માટે કામનો લગભગ લગભગ અભાવ જેવા મુદ્દાઓ આજે પણ યથાવત્ છે.

તાજેતરમાં જ એક સમયની ટોચની અભિનેત્રી આશા પારેખે કહ્યું હતું કે અમિતાભ બચ્ચનની જેમ મને પણ ૮૦ વર્ષ થયાં. આમ છતાં અમિતાભને આજ દિન સુધી વિવિધ પ્રકારના રોલ મળી રહ્યા છે. જ્યારે મારા માટે કે મારી વયની અન્ય અદાકારાઓ માટે પાત્રો લખાતાં જ નથી. અમારા ભાગે માતા કે બહેનની ભૂમિકાઓ જ આવે છે. આવું કેમ? અમને પણ ફિલ્મોમાં સારા કિરદાર અદા કરવાની તક મળવી જોઈએ. અમને માત્ર માતા કે બહેનના રોલ કરવામાં રસ નથી પડતો.

થોડા સમય અગાઉ બોલિવુડની ડ્રીમગર્લ હેમા માલિનીએ પણ આવો જ બળાપો કાઢતાં કહ્યું હતું કે અમારા માટે હવે રોલ જ ક્યાં છે. અમિતાભ બચ્ચન સાથે 'શોલે' (૧૯૭૫), 'બાગબાન' (૨૦૦૩) જેવી ફિલ્મો કરનાર હેમા માલિનીએ વધુમાં કહ્યું હતું કે જે રીતે પીઢ અભિનેતાઓ માટે ખાસ પાત્રો પેદા કરવામાં આવે છે તેવી રીતે અમારા માટે પણ સ્પેશિયલ રોલ લખાવા જોઈએ. જ્યારે થાય છે એવું કે મહત્ત્વનનાં પાત્રો અભિનેતાઓ માટે આરક્ષિત કરી દેવામાં આવ્યાં છે. જો કોઈ મારા માટે ખાસ રોલ લખશે તો મને બહુ આનંદ થશે. આજે પણ હું એટલો જ સારો અભિનય કરી શકું તેમ છું.

પોતાના સમયની લોકપ્રિય અદાકારા તનુજાને પણ આવી જ ફરિયાદ છે. તે કહે છે કે હવે અમને માતા કે બહેનના નહીં, બલ્કે દાદીમા કે નાનીમાના કિરદાર આપવામાં આવે છે. વળી, અસમાન મહેનતાણાનો પ્રશ્ન તો હમેશાંથી ચાલ્યો આવે છે. જોકે તે તરત જ ઉમેરે છે કે પુરૂષ કલાકારોને વધારે ફી મળે છે તેનું કારણ એ છે કે આપણા સમાજે હમેશાથી તેમને સત્તા ચલાવવાના અધિકારો આપી દીધા છે. સ્વાભાવિક રીતે જ દરેક બાબતની જેમ આ બાબતે પણ તેમનો હાથ ઉપર જ રહેવાનો. વળી આ સમસ્યા માત્ર બોલિવુડ પૂરતી મર્યાદિત નથી. હોલિવુડ સુધ્ધાં તેમાંથી બાકાત નથી.

તનુજાએ પોતાના સમયમાં મહિલા કલાકારોને કેવી સ્થિતિમાં કામ કરવું પડતું તેના વિશે જણાવ્યું હતું કે તે વખતે અમને બાથરૂમ જેવી પાયાની સુવિધાઓના પણ ફાંફાં હતા. અમે બધી અદાકારાઓ એટલી શરમાળ હતી કે આવી સગવડની માગ પણ ન કરતી. અમે સવારથી સાંજ સુધી બાથરૂમ ન જઈ શકતી. આમ છતાં અમારી જેવી કદર થવી જોઈએ એવી નથી થઈ. 

Gujarat