Get The App

કૌન બનેગા ઓટીટીપતિ? .

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
કૌન બનેગા ઓટીટીપતિ?                                  . 1 - image

- OTT ઓનલાઈન ઝિંદાબાદ- સંજય વિ. શાહ 

- વોર્નર બ્રધર્સ હસ્તગત કરવું એ મનોરંજન ઉદ્યોગની એક સૌથી મોટી ઘટના છે. આપણે ત્યાં પણ એના પ્રત્યાઘાત પડવાના છે. દેશમાં આવનારાં વરસોમાં ઓટીટી પર ત્રણ બ્રાન્ડ્સ સૌથી મોટી રહેવાની છે

નેટફ્લિક્સ અને વોર્નર બ્રધર્સ બેઉ મનોરંજન ઉદ્યોગમાં તોસ્તાન બ્રાન્ડ્સ. હાલમાં સમાચાર આવ્યા કે નેટફ્લિક્સે વોર્નર બ્રધર્સ હસ્તગત કરવાની દિશામાં પગલાં ઉઠાવ્યાં છે. સોદો નક્કી થઈ ગયો છે. આ સંયુક્તીકરણથી મનોરંજનના વિશ્વમાં સાવ નવાં અને કમાલનાં સમીકરણો સર્જાવાનાં છે. જોકે આ પહેલાં પણ આવા ઘણા સોદાઓ આ ક્ષેત્રમાં થયા છે. દરેક સોદા વખતે દર્શકો પર પ્રભાવ પડયો છે. 

સૌથી પહેલાં એ જાણીએ કે આની પહેલાં આવા કયા સોદાઓ થયા હતા. 

 ૨૦૧૭માં જઈએ. એ સમયે વોલ્ટ ડિઝની કંપનીએ એ સમયે અત્યંત ખર્ચાળ અને મહત્ત્વના ગણાતા સોદામાં ટ્વેન્ટીફર્સ્ટ સેન્ચુરી ફોક્સ કંપની હસ્તગત કરી હતી. એ માટે ડિઝનીએ ૭૧ અબજ ડોલરથી વધુ રકમ આપી હતી. સોદો ૨૦૧૯માં પૂર્ણ થયો હતો. 

 ૨૦૧૮માં એટીએન્ડટી નામની અમેરિકન કંપનીએ ટાઇમ વોર્નર કંપની હસ્તગત કરી હતી. એ સોદો ૮૫ અબજ અમેરિકન ડોલરથી વધુનો હતો. ત્યાર સુધી ટેલિકોમ ક્ષેત્રે મોટા ગજાની કંપની ગણાતી એટીએન્ડટી એકાએક મનોરંજન ઉદ્યોગમાં પણ મોટું માથું બની ગઈ હતી. એ સોદા વખતે વોર્નર મીડિયાનો એક ભાગ એટીએન્ડટીનો હિસ્સો નહીં બનતાં અલાયદું સાહસ રહ્યો હતો. 

 ૨૦૨૨માં વોર્નર બ્રધર્સ અને ડિસ્કવરીએ એકમેક સાથે હાથ મિલાવ્યા હતા. ઉપર જણાવેલા વોર્નર મીડિયાને આ મર્જરમાં ડિસ્કવરીમાં ભેળવી દેવામાં આવ્યું હતું. 

આ હતા વૈશ્વિક સ્તરે થયેલા મોટા ફેરફાર. આ દરમિયાન ભારતમાં પણ મનોરંજન ઉદ્યોગમાં હલચલ જારી હતી. એમાંનો એક મોટો સોદો ઝી અને સોની વચ્ચે થતા થતા રહી ગયો હતો. ૨૦૨૧માં આ બેઉ કંપનીઓના એકત્રીકરણના સંનિ પ્રયાસો થયા હતા. એવું થાત તો આપણે ત્યાં મનોરંજન ઉદ્યોગમાં એક જબરદસ્ત પાવર હાઉસ સર્જાત. એ સોદો છેવટે જોકે પાર પડયો નહોતો. અમેરિકન કંપનીઓના સોદાની તુલનામાં એ સોદો નાનો અને માત્ર દસ અબજ અમેરિકન ડોલર જેટલો હતો. તેમ છતાં, ભારતના મનોરંજન ઉદ્યોગ માટે એના પ્રત્યાઘાત ખાસ્સા દીર્ઘકાલીન રહેવાના હતા. 

૨૦૨૪માં પેરેમાઉન્ટ ગ્લોબલ નામની કંપનીએ વાયાકોમ ૧૮ નામની કંપનીમાં એનો જે માઇનોરિટી હિસ્સો હતો એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વેચ્યો હતો. એ સોદાથી રિલાયન્સ માટે આગળ જતાં વાયાકોમ ૧૮ને હસ્તગત કરવાની પૂર્વભૂમિકા બંધાઈ હતી.

લગભગ એ અરસામાં વાયાકોમ ૧૮ અને સ્ટાર ઇન્ડિયા એકમેકમાં ભળી હતી. એ પછી રિલાયન્સે વાયાકોમ ૧૮ હસ્તગત કરી. વાયાકોમ એટલે જે હોટસ્ટાર ઓટીટીની માલિક હતી. જિયોએ એને હસ્તગત કર્યા પછી આપણે અત્યારે જે માણીએ છીએ એ ઓટીટી, જિયો હોટસ્ટાર સર્જાયું. એ પહેલાં પણ આ ઉદ્યોગમાં અન્ય હરકતો થઈ હતી. દાખલા તરીકે ઝીએ ૨૦૧૫-૧૭ વચ્ચે વિડિયોકોનના ડીટુએચ ઉદ્યોગને હસ્તગત કર્યો હતો. છેલ્લાં દસ વરસમાં, આમ, આપણે જે નજરે મનોરંજન ઉદ્યોગને જાણતા હતા એમાં અનેક ફેરફાર થયા. 

નેટફ્લિક્સે વોર્નર બ્રધર્સ હસ્તગત કરવાનો જે નિર્ણય લીધો છે એનાં દૂરગામી પરિણામ આપણે ત્યાં પણ દેખાવાનાં છે. એની પહેલાં એ જાણી લઈએ કે આ સોદાએ મનોરંજનની વૈશ્વિક બજારમાં અનેક પ્રશ્નો અને ચિંતાઓ સર્જી છે. એટલે તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં જણાવ્યું કે આ બે કંપનીના પ્રસ્તાવિક એકીકરણ પર મારી નજર છે અને એમાં હું પણ સંકળાયેલો રહીશ.

આ બે કંપનીઓ ભેગી થવાનો અર્થ એ કે તેઓ સંયુક્ત ધોરણે મનોરંજન ઉદ્યોગમાં અકલ્પનીય તાકાત ધરાવશે. એમની સોફ્ટવેર લાઇબ્રેરી (એટલે ફિલ્મો, વેબ સિરીઝ, શોઝ વગેરે) એટલી શક્તિશાળી હશે કે એમના પ્રતિસ્પર્ધીઓ એમની સામે વામણા લાગશે. સ્ટુડિયો, સ્ટ્રીમિંગ, વિતરણ એમ દરેક બાબતમાં આ સોદાને લીધે નેટફ્લિક્સ કદાચ દુનિયાની સૌથી શક્તિમાન કંપની બની જશે. અત્યાર સુધી નેટફ્લિક્સનો દબદબો સ્ટ્રીમિંગ મોરચે રહ્યો છે. આ એક સોદાથી આખી વાત બદલાઈ જશે. 

આ સોદા પહેલાં નેટફ્લિક્સનો વેપારી અભિગમ જરા અલગ હતો. એ પોતાના માટે નિર્માણ કરવા પર વિશેષ લક્ષ આપતી કંપની ગણાતી હતી. હવે એની પાસે એવાં ટાઇટલ્સનો મહાસાગર હશે, જે દર્શકોનાં ઓલ-ટાઇમ હિટ કે ફેવરિટ છે.

એક તરફ નેટફ્લિક્સ અને બીજી તરફ એમેઝોનનું સાહસ પ્રાઇમ વીડિયો. ત્રીજી તરફ આપણે ત્યાં રિલાયન્સના જિયો પ્લેટફોર્મ સહિત મનોરંજન ઉદ્યોગમાં એણે પાછલાં થોડાં વરસોમાં ગણતરી સાથે ભરેલી હરણફાળો. ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો મનોરંજન ઉદ્યોગમાં આપણે ત્યાં આ ત્રણ સૌથી શક્તિશાળી કંપનીઓ હશે. આ પહેલાં પ્રાઇમ વીડિયોએ એમએક્સ પ્લેયર હસ્તગત કર્યું હતું.  

જિયો હોટસ્ટારે પાછલાં થોડાં વરસોમાં, ક્રિકેટ સહિતની રમતોની મહત્તમ અને સૌથી વધુ દર્શકો આકર્ષતી ટુર્નામેન્ટ્સ અંકે કરી છે. સ્પોર્ટ્સના મામલે અત્યારે ભારતમાં જિયો નંબર વન છે. મનોરંજનના મોરચે પણ રિલાયન્સ અગ્રણી ખેલાડી છે. એની પાસે કલર્સ ચેનલ્સનો સંપુટ છે. સાથે ન્યુઝ૧૮, સીએનબીસી ટીવી ૧૮ છે. નેટવર્ક ૧૮ ગ્પના નેજા હેઠળ આ બધી બ્રાન્ડ્સ રિલાયન્સની છે. ઉપરાંત નિકલઓડિયન, કોમેડી સેન્ટ્રલસ વીએચવન, હિસ્ટરી ટીવી ૧૮, વગેરે પણ રિલાયન્સની ચેનલ્સ છે. સ્ટારની ચેનલ્સ તો ખરી જ. 

નેટફ્લિક્સ વોર્નર બ્રધર્સ હસ્તગત ત્યારે કરી શકશે જ્યારે વોર્નરમાંથી એનું ગ્લોબલ નેટવર્ક્સ ડિવિઝન છૂટું પડશે. એ ડિવિઝનમાં સીએનએન, ટીએનટી સ્પોર્ટ્સ, ડિસ્કવરીની યુરોપિયન ચેનલ્સ, ડિસ્કવરી પ્લસ, બ્લીચર રિપોર્ટ જેવી બ્રાન્ડ્સ રહેશે. એ કામ આવતા વરસના ત્રીજા ત્રિમાસિક સુધી પાર પડવાની આશા સેવવામાં આવી રહી છે. 

દર્શક તરીકે વિચારીએ તો આવનારા દિવસોમાં આપણે ઓટીટી પ્લેટફોર્મ્સની દુનિયામાં નવી બાબતો નિહાળવાના. નેટફ્લિક્સ, પ્રાઇમ વીડિયો અને જિયો હોટસ્ટાર એ ત્રણ એવાં પ્લેટફોર્મ બની જવાનાં જે આપણને મેક્ઝિમમ ઓપશન્સ પૂરા પાડશે. એપ્રિલ ૨૦૨૩માં વોર્નર, ડિસ્કવરી અને વાયાકોમ ૧૮ વચ્ચે લાઇસન્સિંગનો એક કરાર થયો હતો. એ પછી એચબીઓ સહિત વોર્નર બ્રધર્સના કોન્ટેન્ટના ભારતમાં સ્ટ્રીમિંગનું પ્લેટફોર્મ જિયોસિનેમા (હવે જિયો હોટસ્ટાર) બન્યું હતું. નેટફ્લિક્સ અને વોર્નર એક થશે એ પછી અને વાયાકોમ ૧૮ના કરારની લાઇસન્સિંગ મુદ્દત પતશે પછી અનેક શોઝ અને ફિલ્મો જિયો હોટસ્ટાર પરથી નેટફ્લિક્સ પર જતા રહેશે.  

ટૂંકમાં, ભારતમાં ઓટીટી પર ત્રણ બ્રાન્ડ્સ લગભગ અફર રાજ કરશે. નેટફ્લિક્સ, જિયો અને પ્રાઇમ વીડિયો.