ગળામાં સોનાની ચેન પહેરેલી આ છોકરી કોણ છે?
- સિનેમેજિક- અજિત પોપટ
- નદીમ-શ્રવણે ઠીક ઠીક સૌમ્ય ગણાતા રાગ ઝિંઝોટીમાં 'દિલ હૈ કે માનતા નહીં' ટાઇટલ ગીત સ્વરબદ્ધ કર્યું છે. આઠ માત્રાના (કેટલાક વિદ્વાનોના મતે ચાર માત્રાના) કહેરવા તાલમાં જે સૌમ્ય રીતે આ ગીત પહેલીવાર કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલે અને બીજીવાર એકલી અનુરાધાએ ગાયું છે. બંને ગાયકોએ દિલથી જમાવટ કરી છે...
ભા'આશિકી'ના સંગીતને જે પ્રચંડ લોકપ્રિયતા મળી એ જોઇને મહેશ ભટ્ટને નદીમ-શ્રવણ સાથે વધુ એકાદ ફિલ્મ કરવાની ઇચ્છા જાગી. આ ઇચ્છા પાછળ એક કારણ હતું. મહેશ ભટ્ટ પોતાની પુત્રી પૂજા ભટ્ટ માટે એક સારી સ્ક્રિપ્ટની તલાશમાં હતા. સરસ રોમાન્ટિક સ્ટોરીની તલાશ હતી. એવામાં કોઇએ એમને એક સૂચન કર્યું. ૧૯૫૬માં રજૂ થયેલી સંગીતપ્રધાન રોમાન્ટિક ફિલ્મ 'ચોરી ચોરી'ની રિમેક જેવી કોઇ ફિલ્મ બનાવો. વિચાર સારો હતો. મહેશ ભટ્ટે ફરી ગુલશનકુમારને સાધ્યા. પોતાના દિલની વાત કરી. ૧૯૫૬માં રજૂ થયેલી 'ચોરી ચોરી' ખરું પૂછો તો ૧૯૩૪માં રજૂ થયેલી અમેરિકી ફિલ્મ 'ઇટ હેપન્ડ વન નાઇટ'નું હિન્દી રૂપાંતર હતું. 'ચોરી ચોરી'ની સ્ક્રિપ્ટ આગા જાની કશ્મીરીએ સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. 'ચોરી ચોરી'માં શંકર- જયકિસનનું એવરગ્રીન સંગીત હતું. જોકે એનું એક કારણ એ પણ ખરું કે શંકર-જયકિસનને રાજ કપૂરનું પીઠબળ હતું અને રાજ કપૂર પોતે સંગીતનો ઊંડો અભ્યાસી હતો. માત્ર ચાલીસ લાખમાં બનેલી 'ચોરી ચોરી' ફિલ્મે સોંઘવારીના એ જમાનામાં છ કરોડનો બિઝનેસ કર્યો હતો. 'ચોરી ચોરી'માં દસેક ગીતો હતાં. બધાં ગીતો સુપરહિટ નીવડયાં હતાં.
મહેશ ભટ્ટની વાત ગુલશન કુમારને ગળે ઊતરી. આમિર ખાન અને પૂજા ભટ્ટને લઇને મહેશ ભટ્ટે 'દિલ હૈ કે માનતા નહીં' ફિલ્મ બનાવી. રોબિન ભટ્ટ અને શરદ જોશીએ સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. એવીએમના બેનર હેઠળ રજૂ થયેલી આ ફિલ્મના નિર્માતા તરીકે ગુલશન કુમાર અને નિર્દેશક તરીકે મહેશ ભટ્ટ હતા. ગુલશન કુમાર, મહેશ ભટ્ટ, નદીમ અને શ્રવણ- નસીબ આ ચારેયની સાથે હતું. ફૈઝ અનવર અને સમીરે ગીત લખ્યાં હતાં. ફિલ્મ જબરદસ્ત સફળતાને વરી. ફક્ત ગીત-સંગીતની કેસેટ્સ (આલ્બમ)ની વાત કરીએ તો પચીસ લાખ નકલો વેચાઇ અને ૧૯૯૧ના વર્ષમાં આવકની દ્રષ્ટિએ આ ફિલ્મ પાંચમા ક્રમે આવી. જોકે સૌથી વધુ લાભ આમિર ખાનને થયો એમ કહી શકાય, કારણ કે અગાઉ આમિરે કેટલીક ફિલ્મો કરેલી, પરંતુ ધારી સફળતા મળી નહોતી. આ ફિલ્મે એને ટોચના કલાકારોની હરોળમાં મૂકી દીધો. પૂજા ભટ્ટનું ફિલ્મી દુનિયામાં પ્રવેશ 'ડેડી' ફિલ્મથી થઈ ચૂક્યો હતો. તેમા અને 'દિલ હૈ કે માનતા નહીં' બન્નેમાં પૂજાનું પર્ફોર્મન્સ વખણાયું.
અહીં ફિલ્મનાં બધાં ગીતોની વાત કરતાં નથી, કારણ કે દરેક સંગીતપ્રેમીનું માનીતું ગીત અલગ હોવાનું. દરેક ગીતના રાગ-રાગિણીની વાત પણ ટાળી છે. આ લેખકની દ્રષ્ટિએ ફિલ્મનું ટાઇટલ ગીત સૌથી સરસ હતું. ફૈઝ અનવરના શબ્દો છે. કિશોર કુમારે ગાયેલાં બે ગીતો યાદ કરો- 'કોઇ હમદમ ન રહા, કોઇ સહારા ન રહા...' (ફિલ્મ 'ઝૂમરુ', ગાયક અને સંગીતકાર કિશોર કુમાર પોતે) અને 'ઘુંઘરું કી તરહ બજતા હી રહા હું મૈં...' (ફિલ્મ 'ચોર મચાયે શોર', ગીત-સંગીત રવીન્દ્ર જૈન). ઠીક ઠીક સૌમ્ય ગણાતા રાગ ઝિંઝોટીમાં આ બંને ગીતો સ્વરાંકિત થયાં હતાં. અહીં નદીમ-શ્રવણે આ રાગમાં 'દિલ હૈ કે માનતા નહીં' ટાઇટલ ગીત સ્વરબદ્ધ કર્યું છે. આઠ માત્રાના (કેટલાક વિદ્વાનોના મતે ચાર માત્રાના) કહેરવા તાલમાં જે સૌમ્ય રીતે આ ગીત પહેલીવાર કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલે અને બીજીવાર એકલી અનુરાધાએ ગાયું છે. બંને ગાયકોએ દિલથી જમાવટ કરી છે એમ કહેવું પડે.
નાયિકા જે ફિલ્મ કલાકારના પ્રેમમાં ઘેલી થઇને માતાપિતાનું ઘર છોડીને ભાગી છે એ કલાકાર સાથે મહેફિલમાં આવે છે ત્યારે સહનાયક (આમિર ખાન) પર જે ગીત ફિલ્માવાયું છે એ ગીત 'તૂ પ્યાર હૈ કિસી ઔર કા, તુઝે ચાહતા કોઇ ઔર હૈ...' સમીરની આ રચનાને પણ કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલનો કંઠ સાંપડયો છે. સહનાયકના દિલની વેદનાને વ્યક્ત કરવા અહીં સંગીતકારોએ અહીં કરુણ ગંભીર સ્વરોનો આશ્રય લીધો છે. પરદા પર આમિર ખાનના ચહેરા પર ગમગીની અને નારાજી સ્પષ્ટ અનુભવાય છે.
ફિલ્મ રોમાન્ટિક-કોમેડી છે એટલે અહીં બે ગીત જરા જુદી રીતે ફિલ્મમાં સમાવાયાં છે. એક ગીત મરાઠી અને હિન્દી ભાષામાં છે જ્યારે બીજું ગીત પંજાબી લહેકો ધરાવે છે. 'ગલ્યાન સાંકળી સોન્યાચી, હી પોરી કોણા ચી?' (ગળામાં સોનાની ચેન પહેરેલી આ છોકરી કોની છે?) સમીરની આ રચનાને કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલે મસ્તીથી ગાયું છે. પરદા પર જેટલી મોજ આવે એટલી મોજ ઓડિયો સાંભળવામાં પણ આવે છે. મરાઠી લોકસંગીતનો સ્પર્શ ધરાવતું આ ગીત મજેદાર છે. એ જ રીતે સમીરે એક રચના પંજાબી શૈલીની રચી છે, જેને અનુરાધા પૌડવાલે થનગનાટથી જમાવી છે. અહીં સંગીતકારોએ રાગ કીરવાણી (કીર એટલે પોપટ અને એની વાણી એટલે મીઠા ટહૂકા)નો આધાર લીધો છે અને પંજાબી શૈલીનો કહેરવો તાલ અજમાવ્યો છે. મુખડું છે - 'મૈનુ ઇશ્ક દા લગિયા રોગ, મૈનુ બચને દી નૈંયો ઉમ્મીદ, મુઝે કહને લગે હૈં લોગ, મૈનુ બચને દી નૈંયો ઉમ્મીદ...' અનુરાધા પૌડવાલને આ ફિલ્મનાં ગીતો માટે ૧૯૯૧નો શ્રે ગાયિકાનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો.
ફિલ્મ રજૂ થઇ ત્યારે આ ગીતોએ ધમાલ મચાવી હતી. નદીમ-શ્રવણના ચાહકોએ આજે પણ આ આલ્બમ સાચવી રાખ્યું હોય તો નવાઇ નહીં.