રસિકા દુગલની 'મેડમ સર' વળી કોણ છે?


- 'બધી કમાલ સ્ક્રીનપ્લે રાઇટિંગની હોય છે.  એક્ટર તરીકે તમે લખાયેલા રોલમાં બહુ મોટો ફેરફાર ન લાવી શકો. એક એક્ટર ફક્ત પાત્રમાં બારીકીઓ લાવી શકે અને એને ગરિમા બક્ષી શકે.'

સિ ત્તેરના દશકમાં શ્યામ બેનેગલ અને ગોવિંદ નિહલાનીની આર્ટ ફિલ્મોએ જે કર્યું હતું એ આજે ઓટીટીએ કરી બતાવ્યું છે. ઓટીટી પર પ્રસારિત થતી ફિલ્મો અને વેબ સીરિઝે એક્ટરોના લુક (દેખાવ)નું મહત્ત્વ લગભગ નહિવત્ કરી દીધું છે. એને લીધે એક્ટરોની ટેલેન્ટ ઊતરી આવી છે. દેખાવમાં સાવ સધારણ લાગતા કલાકારો દર્શકોના વહાલા થઈ ગયા છે. યુવા પેઢીના આર્ટિસ્ટોને એનો લાભ મળી રહ્યો છે. રસિકા દુગલ આવી જ એક યંગ એકટ્રેસ છે. રસિકાએ 'આઉટ ઓફ લવ', 'મિર્ઝાપુર' અને 'દિલ્હી ક્રાઈમ સિઝન-૧'માં દર્શકોને પોતાની પ્રતિભાનો સારો એવો પરિચય કરાવી દીધો છે. હવે એ ઓટીટી પર 'દિલ્હી ક્રાઈમ સિઝન-ટુ'માં પોલીસ ઓફિસર નીતિ સિંઘ તરીકે પોતાનો જાદુ પાથરી રહી છે.

'દિલ્હી ક્રાઈમ'ની નવી સિઝનના પ્રમોશનરૂપે રસિકા દુગલે મીડિયાને ઇન્ટરવ્યૂઝ આપ્યા હતા, જેમાં એણે પોતાના અંગત જીવનને બદલે અભિનય વિશે વાત કરવાનું પસંદ કર્યું હતું. રિચી મહેતા લિખિત અને દિગ્દર્શિત આ વેબ શોમાં શેફાલી શાહનો મેઇન રોલ છે એટલે સ્વાભાવિક રીતે મીડિયામાંથી રસિકાને પહેલો પ્રશ્ન એવો કરાયો કે શેફાલીજી સાથે કામ કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો?- જવાબમાં મિસ દુગલ સ્મિત વેરતા કહે છે, 'હું સેટ પર શેફાલીજીને મેડમ સર કહીને બોલાવું છું. મને એ ગમે છે. કદાચ એટલા માટે કે એ સંબોધન અમારી વચ્ચેના સંબંધનો નિર્દેશ કરે છે. ઈન શોર્ટ કહું તો શોમાં જેટલો આદર નીતિ સિંઘ (મારા પાત્ર)ને વર્તિકા ચતુર્વેદી (શેફાલીજીના પાત્ર) માટે છે એટલું જ માન મને રિયલ લાઇફમાં એમના માટે છે. તેઓ જે અફલાતુન કામ કરી રહ્યા છે એ જોવાની મજા પડે છે. હું શેફાલી મેડમને કહેતી રહું છું કે એમની ફિલ્મ 'જલસા' અભિનય કળાનો બેનમુન નમૂનો છે. પહેલીવાર મેં 'જલસા' જોયા પછી એમને ફોન કરીને પૂછ્યું હતું કે આવું અદ્ભુત પરફોર્મન્સ આપવાનું કૌવત તમે મેળવ્યું ક્યાંથી?'

બીજો સવાલ શો સંબંધમાં પૂછાયો, 'દિલ્હી ક્રાઈમ'ની સિઝન-૧ બહુ સફળ રહી. એ જોતા હવે શોની બીજી સિઝન કરતી વખતે તમે કોઈ પ્રેશર અનુભવો છો ખરા?' રસિકા એક પ્રોફેશનલની અદાથી ઉત્તર આપતાં કહે છે, 'આવા સરસ રીતે લખાયેલા શોના એક્ટર તરીકે મને એક જ વાતની ફિકર રહે છે કે હું મારા પાત્રમાં મારા તરફથી બીજુ શું ઉમેરી શકું?- બાકી, શોની સફળતા વિશે કોઈ પ્રેશર નથી. મારું દ્રઢપણે માનવું છે કે સ્ટોરી સારી હશે તો એ દર્શકોને જરૂર અપીલ કરશે, જે આપણે શોની પહેલી સિઝનમાં જોઈ ચુક્યા છીએ એટલે ટેન્શન રાખવાને બદલે હું તો સિઝન-ટુનો પણ ભાગ છું એની ખુશી મનાવી રહી છું.'

હવે અભિનેત્રી સાથે એના પાત્ર સંબંધમાં થોડી વાતચીત. 'શું શોમાં પોલીસ ઓફિસર નીતિ સિંઘનું પાત્ર તમને શારીરિક અન ેમાનસિક રીતે થકવી નાખે છે ખરું?' રસિકા એના જવાબમાં એકદમ પ્રેક્ટિકલ વાત કરે છે, 'સર, સૌથી પહેલી વાત તો એ કે એક અભિનેત્રી તરીકે મને મારું કામ ગમવું જોઈએ, નહિતર આવા રોલ્સ સ્વીકારવાનો કોઈ મતલબ નથી. મારી ઇચ્છા એવી હોય છે કે હું મારા પાત્ર દ્વારા એવી હોય છે કે હું મારા પાત્ર દ્વારા લોકોને એવા અનુભવો કરાવું, જે એમણે જીવનમાં કદી ન કર્યા હોય. 'દિલ્હી ક્રાઈમ' મારા માટે એનું માધ્યમ છે. શોની તૈયારી અને રિસર્ચ કરતી વખતે મેં પોલીસ ઓફિસરો સાથે ઘણો સમય વીતાવીને બહુ બધું મેળવ્યું છે, જે મારે દર્શકોને પાસ-ઓન કરવું છે. આ શો મારામાં ઘણો બદલાવ લાવ્યો છે.'

રસિકાની કરિયરને કેન્દ્રમાં રાખી એને એવું પણ પૂછાયું કે 'દિલ્હી ક્રાઈમ' ઉપરાંત આઉટ ઓફ લવ અને 'મિર્ઝાપુર' જેવી ફ્રેન્ચાઈસીઓ ઓટીટી પર સારા કન્ટેન્ટનું સિમ્બોલ બની ગઈ છે. રસિકા, શું તું સાવધાની રાખી આવા જ શો પસંદ કરે છે?' મિસ દુગલ સચ્ચાઈ બયાન કરે છે, 'સર સચ બતાઉં તો મુઝે જબ 'મિર્ઝાપુર' અને 'દિલ્હી ક્રાઈમ' કી ઓફર મિલી તો ઉસ સમય મેરે પાસ ઈન દો શોકે અલાવા દૂસરી કોઈ ઓફર હી નહીં થી. બીજુ, એ વખતે બીજા કોઈ શો બની પણ નહોતા રહ્યા, પરંતુ મારી પાસે 'આઉટ ઓફ લવ'ની ઓફર આવી ત્યારે હું પસંદગી કરવાની સ્થિતિમાં હતી. મારે એવો પ્રોજેક્ટ જોઈતો હતો, જેમાં હું આખા શોને મારા ખભા પર ઊંચકી લઉં.'

મીડિયા તરફથી સમાપનરૂપે છેલ્લો સવાલ, 'શું તું એવું માને છે કે તે ઓટીટી પર સ્ત્રી પાત્રોની પેશકશના રંગરૂપ બદલી નાખ્યા છે?' રસિકાએ થોડું શરમાઈને વિનમ્રતાથી જવાબ આપ્યો, 'મારા મતે બધી કમાલ સ્ક્રિનપ્લે રાઇટિંગની છે. એક્ટર તરીકે, તમે લખાયેલા રોલમાં કોઈ મોટો ફેરફાર ન લાવી શકો. એક એક્ટર ફક્ત પાત્રમાં બારિકીઓ લાવે અને એને ગરિમા બક્ષે છે. ફિલ્મમેકર પાત્રને જેટલું વજન આપવા ઇચ્છતા હોય એટલું જ વેઇટેજ એને મળી. એ સિવાય એક્ટર એમાં કોઈ જાદુ ન લાવી શકે.'   

City News

Sports

RECENT NEWS