For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

RRRનો વિજયરથ ક્યાં જઈને અટકશે?

Updated: Jan 19th, 2023

Article Content Image

- સિનેમા એક્સપ્રેસ- શિશિર રામાવત

ઓ ડિટોરિયમ હકડેઠઠ ભરાયેલું છે. અંધકાર છે, પણ સ્ક્રીન પરથી ફેંકાતા પ્રકાશમાં દર્શકોના ચહેરા ને હાવભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. સૌ આંખો ફાડીને સ્ક્રીનને તાકી રહ્યા છે. તેઓ હસે છે, ચકિત થાય છે, ખડખડાટ હસે છે. અરે, એક ડાન્સ સોંગ વખતે તો ઓડિયન્સ એવો હંગામો મચાવી મૂકે છે કે ન પૂછો વાત. કેટલાક પોતાની સીટ પર ઊભા થઈને ઝુમતા ઝુમતા ચિચિયારીઓ પાડે છે, તો કેટલાક વળી સ્ક્રીનના આગળના ભાગમાં ભેગા થઈને હીરોની સાથે સાથે ડાન્સનાં સ્ટેપ્સ કરવા લાગે છે. જાણે મિથુન ચક્રવર્તીની ૧૯૮૦ના દાયકાની કોઈ ફિલ્મમાં એનો ડિસ્કો ડાન્સ જોઈને ગાંડુ થઈ ગયેલું સિંગલ સ્ક્રીન થિયેટરનું ઓડિયન્સ જોઈ લો. 

આપણે જેની વાત કરી રહ્યા છીએ તે ઓડિયન્સ તો જોકે ફેન્સી મલ્ટિપ્લેક્સમાં બેઠું છે. એક્ઝેક્ટલી કોણ છે આ લોકો? અને તેઓ એવી તો કઈ ફિલ્મ જોઈ રહ્યા છે? વેલ, આ દર્શકો વિદેશી છે. ટુ બી પ્રિસાઇઝ, ગોરા અમેરિકનો ને યુરોપિયનો છે, પણ તેઓ જે ફિલ્મ જોઈ રહ્યા છે તે દેશી છે - 'આરઆરઆર'. 

શરુઆતમાં જ્યારે 'આરઆરઆર' જોઈને - અથવા જોતી વખતે - પાગલ થઈ રહેલા અમેરિકનો-યુરોપિયનોના નાના નાના વિડીયો સોશિયલ મિડીયા પર મૂકાતા હતા ત્યારે મનમાં શંકા જાગતી હતી. આપણને થાય કે આવા આત્યંતિક રિએક્શન કંઈ જેન્યુઇન ન હોય. આ દર્શકો ચોક્કસપણે આમંત્રિતો હોવાના ને એમાંના અમુક તો 'નાટુ નાટુ' ગીત વખતે એક્સાઇટ થઈ જવાની ખાલી એક્ટિંગ કરતા હશે. બાકી 'આરઆરઆર'માં આ લોકોને વળી આટલો બધો રસ શું કામ પડી જવો જોઈએ?     

પણ 'આરઆરઆર' જોતી વખતે અને ખાસ કરીને 'નાટુ નાટુ' (હિન્દીમાં 'નાચો નાચો') ગીત વખતે આનંદનું હુલ્લડ મચાવી મૂકતા વિદેશી દર્શકોના વિડીયોની સરવાણી અટકી નહીં. 'આરઆરઆર'ના સ્ક્રીનપ્લે રાઇટર - ડિરેક્ટર એસ.એસ. રાજામૌલિ કહે છે, 'અમે પોતે જ્યારે શરુઆતમાં ઓડિયન્સના આવા રિએક્શનવાળા વિડીયો જોયા ત્યારે અમનેય એમ થયેલું કે આ બધા એનઆરઆઈ દર્શકોના સ્થાનિક દોસ્તારો હશે... પણ પછી ધીમે ધીમે સમજાતું ગયું કે ના, એવું નથી, અમારી ફિલ્મ વિદેશીઓને ખરેખર ખૂબ અડી ગઈ છે!'

'આરઆરઆર' વિશેની લોકપ્રિયતા વિશેની કંઈકેટલીય ધારણાઓ પર અધિકૃતતાના થપ્પા ત્યારે લાગ્યા જ્યારે એમ.એમ. કિરવાણીએ કંપોઝ કરેલા 'નાટુ નાટુ' ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગ - મોશન પિક્ચર કેટેગરીમાં ગોલ્ડન ગ્લોબ અવોર્ડ મળ્યો. મનોરંજનની આંતરરાષ્ટ્રીય દુનિયાનું આ એક અતિ પ્રતિષ્ઠિત પારિતોષિક છે. કોઈ પણ ભારતીય તો ઠીક કોઈ પણ એશિયન ગીતે જીતેલો આ સર્વપ્રથમ ગોલ્ડન ગ્લોબ અવોર્ડ! તે પછી લોસ એન્જલસમાં 'નાટુ નાટુ' ગીતને તો ક્રિટિક્સ ચોઇસ અવોર્ડ તો મળ્યો જ, સાથે સાથે ફિલ્મને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનો અવોર્ડ પણ મળ્યો. 

એસ.એસ. રાજામૌલિ માટે કદાચ આટલો જ મહત્ત્વનો અવોર્ડ તો ત્યારે મળ્યો જ્યારે વર્તમાન સિનેમાજગતના મહાનતમ - અથવા કહો કે સફળતમ - ફિલ્મમેકર્સમાં સ્થાન પામતા ને 'ટાઇટેનિક', 'અવતાર' આદિ બનાવનારા સાક્ષાત જેમ્સ કેમરોને ત્રણ કલાક ને બે મિનિટ લાંબી 'આરઆરઆર' ફિલ્મ મોટી સ્ક્રીન પર જોઈ, એટલું જ નહીં, એણે પોતાની પત્ની સૂઝીને કહ્યું કે તારેય  'આરઆરઆર' જોવી જોઈએ ને હું પણ તારી સાથે આ ફિલ્મ બીજી વાર જોઈશ! ના, વાત અહીં પૂરી થતી નથી. સ્ક્રીનિંગ પછી જેમ્સ કેમરોને દસેક મિનિટ સુધી રાજામૌલિ સાથે ફિલ્મ વિશે ચર્ચા કરી. રાજામૌલિએ હરખાઈને તરત સ-તસવીર ટ્વિટ કર્યુંઃ મને હજુય માન્યામાં આવતું નથી... આઇ એમ ઓન ટોપ ઓફ ધ વર્લ્ડ!

'આરઆરઆર'ને વખાણનારા જેમ્સ કેમરોન કંઈ હોલિવુડના પહેલા ડિરેક્ટર નથી. 'ડોક્ટર સ્ટ્રેન્જ' જેવી માર્વલની સુપરહીરો ફિલ્મ ડિરેક્ટ કરનાર સ્કોટ ડેરિકસને ફિલ્મ જોઈને ટ્વિટમાં લખ્યુંઃ 'મારો બથેડે સેલિબ્રેટ કરવા મેં, મારી વાઇફે અને મારાં બાળકોએ 'આરઆરઆર' ફિલ્મ જોઈ. વોટ અન ઑસમલી આઉટરેજિયસ રોલરકોસ્ટર ઓફ અ મૂવી. લવ્ડ ઈટ.' 'ડયુન'ના ડિરેક્ટર જોન સ્પેટ્સના શબ્દો જુઓઃ 'હોલી હેલ, આરઆરઆર. શું એક ફિલ્મમાં આટલું બધું ફિલ્મપણું ઠાંસી ઠાંસીને ભર્યું હોય એવી બીજી કોઈ ફિલ્મ બની છે? વોટ અ રાઇડ. ફિલ્મ જોઈ એ વાતને બે દિવસ થઈ ગયા ને હજુય મારા મનમાં એના જ વિચારો ચાલ્યા કરે છે.' આ બધા મેઇનસ્ટ્રીમ હોલિવુડના વિશ્વકક્ષાના ડિરેક્ટરો છે. છેલ્લે આપણે વિદેશી ફિલ્મમેકરોના મોઢે કઈ મેઇનસ્ટ્રીમ ભારતીય ફિલ્મના આવા બે મોઢે વખાણ સાંભળ્યા હતા?

આ છેલ્લા વાક્યમાં 'ભારતીય' શબ્દ મહત્ત્વનો છે. વચ્ચે 'આરઆરઆર'ના બન્ને હીરો - રામચરણ અને એનટીઆર જુનિયર - અમેરિકાના 'વરાઇટી' મેગેઝિનની યુટયુબ ચેનલ પર ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા. (એનટીઆરના અંગ્રેજી ઉચ્ચારણોમાં તો મજાની અમેરિકન એકસન્ટ પણ આવી ગઈ છે!) બન્નેએ ભારપૂર્વક કહ્યું કે 'આરઆરઆર' મૂળ ભલે તેલુગુ ભાષામાં બની હોય, પણ આ એક ભારતીય ફિલ્મ છે અને અમે અહીં ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. રાજામૌલિ પણ ક્રિટિક્સ ચોઇસ અવોર્ડ સ્વીકારતી વખતે આંતરરાષ્ટ્રીય મંચ પરથી 'મેરા ભારત મહાન... જયહિંદ' બોલવાનું ચુક્યા નહીં. આ બહુ ગરિમાપૂર્ણ વર્તણૂક છે, 'આરઆરઆર'ની ટીમની. 'આરઆરઆર' એક બોલિવુડની ફિલ્મ છે એવી ગેરસમજ થઈ રહી હોય ત્યારે રાજમૌલિ સ્પષ્ટતા કરે કે ના, આ બોલિવુડની નહીં પણ તમિળ ફિલ્મ છે, તો એમાં આકરા થવાની જરુર નથી. 'આરઆરઆર'માં  એમ તો બોલિવુડનાં આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ છે જ, પણ કોણ જાણે કેમ 'આરઆરઆર'નું યશોગાન થતી વખતે આ બન્નેના ઉલ્લેખો ખાસ થતા નથી. ઠીક છે. 

ફિલ્મને કે કલાકારને ગોલ્ડન ગ્લોબ અવોર્ડ મળે એટલે ઓસ્કર અવોર્ડ જીતવા માટનોે રસ્તો અમુક અંશે આસાન થઈ જાય છે. ઓસ્કર પ્રાયઃ ગોલ્ડન ગ્લોબને અનુસરતો હોય છે. તો શું ઓસ્કરની બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં 'આરઆરઆર' કમસે કમ નોમિનેટ થશે? બીજા શબ્દોમાં કહીએ તો, ઓસ્કર નોમિનેશનની દોડમાં શું 'આરઆરઆર' ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' કરતાં આગળ નીકળી જશે? આ સવાલના જવાબ માટે વધારે રાહ જોવી નહીં પડે, કેમ કે ઓસ્કરની તમામ કેટેગરીનાં નોમિનેશન્સ આવતા અઠવાડિયે જ, ૨૪ જાન્યુઆરીએ ઘોષિત થવાનાં છે. 'આરઆરઆર' અને 'છેલ્લો શો'માંથી કોઈ એકને ધારો કે નોમિનેશન મળે (ટચવુડ!) તો પણ એને ઓસ્કર મળે છે કે કેમ એ તો ૧૨ માર્ચે યોજાનારા ઝાકઝમાળભર્યા ઓસ્કર સમારોહમાં જ ખબર પડશે. 

બાય ધ વે, રાજામૌલિએ પોતાની આગામી ફિલ્મની ઘોષણા ક્યારની કરી નાખી છે. તે જેમ્સ બોન્ડ પ્રકારની એક્શન એડવન્ચર ફિલ્મ હશે અને એનો હીરો હશે, તેલુગુ સિનેમાનો ઓર એક સુપરસ્ટાર, મહેશ બાબુ. આ ફિલ્મ અને મહેશ બાબુ વિશે ફરી ક્યારેક.  


Gujarat