ક્યાં ગુમ થઈ ગઈ ઐશ્વર્યા શર્મા? .
ધારાવાહિક 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં ગ્રે રોલ કરીને ગજબની લોકપ્રિયતા હાંસલ કરનાર અભિનેત્રી બે વર્ષ પહેલાં તિ નીલ ભટ્ટ સાથે રીઆલિટી શો 'બિગ બોસ'માં નજરે પડી હતી. ત્યારબાદ આ ખૂબસુરત અદાકારા ટચૂકડા પડદે નથી દેખાઈ તેથી એવો પ્રશ્ન થવો સહજ છે કે ક્યાં ગુમ થઈ ગઈ ઐશ્વર્યા? આના જવાબમાં અદાકારા કહે છે કે હું અહીં જ છું. પરંતુ ઈરાદાપૂર્વક ટીવીથી દૂર રહી છું. આનું કારણ આપતાં તે કહે છે કે ધારાવાહિકોમાં નેગેટિવ રોલ કર્યા પછી અન્ય પ્રકરાની ભૂમિકાઓ મેળવવાનું કપરું થઈ પડે છે. ખાસ કરીને જેના નેણ- નાક એકદમ શાર્પ હોય તેને આ સમસ્યા વધુ નડે. કાસ્ટિંગ ડાયરેક્ટર્સને તેમની આ ખૂબ સિવાયની અન્ય આવડત જોતાં જ ન આવડે. ઐશ્વર્યા વધુમાં કહે છે કે એવું નથી કે મેં કોઈ કામ હાથ જ નથી ધર્યું. મેં બે પોઝિટિવ રોલ કર્યાં હતાં. પરંતુ કમનસીબે આ બંને શો અભેરાઈએ ચડાવી દેવામાં આવ્યા. જ્યારે કેટલીક ઓફરો મેં ઓછા બજેટને કારણે પાછી વાળી દીધી હતી. હા, મને નેગેટેવ રોલ કરવાાં વાંધો નથી, પણ ઓટીટી પર. આ પ્લેટફોર્મ પર તમને નોખા પ્રકારના નકારાત્મક કિરદાર કરવા મળે. જોકે અહીં પણ ટચૂકડા પડદાના કલાકારોને કામ મેળવવા ખાસ્સો સંઘર્ષ કરવો પડે છે. તેમને એમ કહીને કામથી વંચિત રાખવામાં આવે છે કે તમારો ચહેરો વધારે પડતો જાણીતો છે. જોકે હવે મને મનોરંજન જગતના ચડાવ- ઉતાર સારી પેઠે સમજાઈ ગયાં છે તેથી હું ધીરજપૂર્વક મનગમતા કામની રાહ જોઈ શકું છું. હું માત્ર દર્શકોની નજર સમક્ષ રહેવા ખાતર કોઈ કામ કરવા નથી માગતી. મને મારી આવડત પર ભરોસો છે. તેથી જ્યારે કોઈ સરસ ઓફર આવશે ત્યારે હું તે તક ઝડપી લઈશ.
ઐશ્વર્યાના અંગત જીવનની વાત કરીએ તો તાજેતરમાં એવી વાતો વહેતી થઈ હતી કે તેનું વિવાહિત જીવન મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. પરંતુ ઐશ્વર્યા આ વાતને રદિયો આપતાં કહે છે કે અમે અમારા લગ્નજીવનમાં એકદમ ખુશ છીએ. અમે અમારા સંયુક્ત ફોટા સોશ્યલ મીડિયા પર નિયમિત રીતે પોસ્ટ નથી કરતાં કે કામના સ્થળે અમસ્તા જ સાથે નથી દેખાતા એનો અર્થ એવો નથી થતો કે અમારી વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. અમારા પોતપોતાના વેગવેગળા વ્યક્તિત્વ છે. અમે એકમેકને આવે આવવાને બદલે સહકાર આપીએ છીએ. હા! દરેક યુગલની જેમ અમારી વચ્ચે પણ મતમતાંતર છે તે વાતથી ઈનકાર ન થઈ શકે.
અદાકારા આવી અફવાઓ ફેલાઈ તેનું કારણ જણાવતાં કહે છે કે મેં મારા કોલેબોરેશન અને શૂટિંગ માટે મલાડ ખાતે એક જગ્યા ભાડે રાખી તેને કારણે આવો ગણગણાટ શરૂ થયો છે. પણ મારા મતે કામ કરવા માટે અલગ સ્થળ હોવું જરૂરી છે. ખાસ કરીને જ્યારે તમે પરિવાર સાથે રહેતા હો ત્યારે.