Get The App

રાહુલ રોય નામનો આગિયો ક્યાં ખોવાઇ ગયો?

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
રાહુલ રોય નામનો આગિયો ક્યાં ખોવાઇ ગયો? 1 - image

- બોલિવુડનાં સૂત્રોના કહેવા મુજબ ગુમનામ  પરિસ્થિતિથી રાહુલ  રોયને ઘેરો આઘાત લાગ્યો. એક  કરતાં વધુ  બીમારીમાં સપડાયો.  ડિપ્રેશનનો ભોગ  પણ બન્યો.

હિન્દી ફિલ્મ જગતમાં જેટલો ઝળહળાટ, પ્રસિદ્ધિ,રજવાડી વૈભવ છે એટલી જ આ દુનિયા અકળ અને અજીબોગરીબ પણ છે. ફોડ પાડીને કહીએ  તો અહીં  કોઇ એક સ્ટાર રાતોરાત મોટો અને લોકપ્રિય બની જાય છે. તો થોડા જ સમય બાદ એ જ સ્ટાર અદ્રશ્ય થઇ જાય છે.  ગોત્યો પણ ન જડે એવી પરિસ્થિતિમાં મૂકાઇ જાય છે.  

 સાચી વાત છે.   ફિલ્મ આશિકી(૧૯૯૦) માં   એક સનમ ચાહિયે ...  અને  નઝર કે સામને ...  જેવાં સુપરહીટ ગીતો ગાનારો  સ્ટાર  રાહુલ રોયનું ઉદાહરણ બરાબર આવું જ છે. આશિકી ફિલ્મ રજૂ થઇ તેનીસાથે જ હીરો રાહુલ રોય અને હીરોઇન અનુ અગરવાલ બંને પણ સુપરહીટ થઇ ગયાં હતાં. તે જમાનાનાં કોલજીયનો  માટે  તો  રાહુલ રોય જાણે કે પૂનમનો  ચાંદ બની ગયો હતો.  યુવતીઓ  માટે  પોતાનો માનીતો અને મનગમતો હીરો બની ગયો હતો. 

બીજીબાજુ  આ જ રાહુ રોય આજે ક્યાં છે અને શું કરે છે તેની કોઇ કરતાં કોઇને નથી ખબર કે નથી તેના  કોઇ વાવડ. રાહુલ રોયની ઉંમર( જન્મ દિન : ૯, ફેબુ્રઆરી : ૧૯૬૬)   આજે લગભગ ૬૦ વર્ષ થઇ ગઇ હોવાની ચર્ચા થઇ રહી છે. એક સમયનો બેહદ લોકપ્રિય સ્ટાર આજે બોલીવુડથી સાવ જ દૂર દૂર થઇ ગયો છે. એમ કહો કે ગુમનામ જીવન જીવી રહ્યો છે. 

 રાહુલ  રોયની  ફિલ્મ કારકિર્દી, પહેલી જ ફિલ્મ આશિકીની સુપરહીટ સફળતા,  ફિલ્મ પ્રેમીઓમા  અને બોલીવુડમાં  લોકપ્રિયતાના જુવાળ બાદ એવું તે શું શું થયું કે એ જ રાહુલ રોય અચાનક જ ભૂલાઇ ગયો.આશિકી ફિલ્મના જબરા ચમકારા બાદ રાહુલ રોય નામનો આગિયો  ગાયબ થઇ ગયો.   

 વાત જાણે  એમ છે કે  જાણકરોના કહેવા મુજબ આશિકીની આકાશી સફળતા સાથોસાથ આખું બોલીવુડ પણ જાણે કે હિલોળે   ચડયું હોય તેવો માહોલ સર્જાયો હતો. બોલીવુડમાં એવી ચર્ચા શરૂ થઇ હતી કે બસ, આપણને નવો અને મજેદાર  અને સુપરહીરો મળી ગયો. બોલીવુડના નિર્માતાઓ અને દિગ્દર્શકો રાહુલ રોયને પોતાની નવી ફિલ્મમાં સાઇન કરવા માટે રીતસર તલપાપડ થઇ ગયા હતા. બોલીવુડનાં સૂત્રોના કહેવા મુજબ આશિકીની ગોલ્ડન સક્સેસ બાદ રાહુલ રોય એક, બે કે પાંચ નહીં પણ ગણીને ૪૭ ફિલ્મો સાઇન કરી હતી. એટલે કે રાહુલે  પ્યાર કા સાયા, સપને સાજન કે,  ફિર તેરી કહાની યાદ આઇ, જાનમ, એલાન, પહલા નશા, ગુમરાહ,  જૂનૂન,  દિલોં કા રિશ્તા, કલયુગ વગેરે ફિલ્મો સાઇન કરી હતી.   

રાહુલ રોયે આશિકી ફિલ્મ બાદ તેની મોટાભાગની નવી ફિલ્મો  બોક્સ ઓફિસ પર બોલીવુડની જ ભાષામાં કહીએ તો સાવ જ પીટાઇ ગઇ હતી. આશિકીની સુપરહીટ સફળતાનો ગ્રાફ દિવસે દિવસે નીચો ઉતરતો ગયો. બોલીવુડનો  અને ફિલ્મ પ્રેમીઓનો ભ્રમ ભાંગીને ભૂક્કો થઇ ગયો. આટલું ઓછું હોય તેમ ઘણા નિર્માતાઓએ અને દિગ્દર્શકોએ રાહુલ રોયને પોતાની નવી ફિલ્મમાંથી દૂર કરી દીધો. તેઓ રાહુલ રોયના નામનું કોઇ જ જોખમ લેવા ઇચ્છતા નહોતા. રાહુલ રોયની અભિનય પ્રતિભા સામે મોટો પ્રશ્નાર્થ  થયો  ?  રાહુલ રોયને ખ્યાલ આવી ગયો કે મારી ફિલ્મ કારકિર્દી રફેદફે થઇ રહી છે. આશિકી બાદ મારી એક પણ ફિલ્મને બહોળો પ્રતિસાદ નથી મળ્યો. બસ, રાહુલ રોય ધીમે  ધીમે બોલીવુડથી દૂર ને દૂર થતો ગયોે. છેવટે  સાવ જ દેખાતો બંધ થઇ ગયો. ક્યાં છે અને શું કરે છે તેની કોઇને માહિતી નહોતી. 

બોલીવુડનાં સૂત્રોના કહેવા મુજબ આવી ગુમનામ અને ચિંતાજનક પરિસ્થિતિથી  રાહુલ  રોયને ઘેરો આઘાત લાગ્યો. એક  કરતાં વધુ  બીમારીમાં સપડાયો.  ડિપ્રેશનનો ભોગ  પણ બન્યો. એક તબક્કે તો તેને બ્રેઇન સ્ટ્રોકની ગંભીર  સમસ્યા પણ થઇ હોવાથી તેેણે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આ તબક્કે રાહુલ રોય પાસે હોસ્પિટલની સારવારના પૈસા પણ નહોતા. એ તો  રાહુલનાં   સારાં નસીબ કે   તેને બોલીવુડના ઉદાર ગણાતા સલમાન ખાને આર્થિક સહાય કરી હતી. 

સમય જતાં રાહુલ  રોય સાજોનરવો થઇ ગયો. રાહુલે પોતાની ફિલ્મ અને ટેલિવિઝનની કારકિર્દી ફરીથી પાટે ચડાવવા પ્રયાસ કર્યો. ૨૦૦૬ -૭ ના બીગ બોસ ટીવી શો નો વિજેતા થયો હતો.ત્યારબાદ ૨૦૨૩માં રાહુલ રોયની બે  નવી ફિલ્મ : વોક  અને આગરા :  રજૂ થઇ હતી. દર્શકોએ બંને ફિલ્મને દૂરથી પણ ન જોઇ. આમ રાહુલ રોયને ફરીથી નિષ્ફળતા મળી. આજે રાહુલ રોય પાસે કોઇ જ કામ નથી. બોલીવુડ  તો સદાય ઉગતા સૂરજને જ પૂજે  છે.