Get The App

કહાં ગયે વો લોગ? .

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
કહાં ગયે વો લોગ?                                     . 1 - image

- 'તમને ખબર પડે કે પડદો પડવાની તૈયારીમાં છે ત્યારે જ ગરિમાપૂર્વક ખસી જવું જોઈએ. આ રીતે એક વાતની ખાતરી મળે છે કે લોકો તમને એ જ હૂંફ  સાથે યાદ રાખશે...' 

થોડા વર્ષો અગાઉ જાણીતા કલાકાર  એ.કે.હંગલ જ્યારે હયાત હતા ત્યારે એક હજામને ત્યાં દાઢી કરાવવા ગયાં. દાઢી  કર્યા બાદ તે હજામે કહ્યું, ''ફિલ્મો મેં એક એક્ટર પહેલે કામ કરતા થા. આપ ઉસકે જૈસે દિખતે હૈ.''  સાંભળીને હંગલ ખુશ તો થયાં પણ તેમણે જાણી જોઈને એ કલાકારનું નામ પૂછ્યું. હજામે કહ્યું, ''ઉસકા નામ થા,  એ.કે.હંગલ. વો તો બહુત પહેલેહી ગુજર ગયા.'' હવે આ સાંભળીને આંચકો ખાવાનો વારો એ.કે. હંગલનો હતો. જ્યારે તેમણે હજામને પોતાની ઓળખ આપી ત્યારે હજામ નિ:શબ્દ બની ગયો.

આ પ્રસંગને તમે કેવી રીતે જુઓ છો, તેના ઉપર આધાર છે કે તેના વિશે સાંભળીને તમને ચહેરા ઉપર વંકાયેલું સ્મિત દેખાય કે ગળામાં ડૂમો બાઝી જાય. પણ ઊંડાણથી જોઈએ તો વિતેલા જમાનામાં સિનેમા ઘરોના પડદા ઉપર રાજ કરનારા આ કલાકારોનું શું થયું, એ જાણવાનું મન પણ થાય. બધાં જ કલાકારો કંઈ મધુબાલા કે દિલીપકુમારની કક્ષાના નહોતા.  તેમના નામો હજી પણ ઘણાં જૂનાં લોકોને યાદ છે અને હિંદી સિનેમાના ઈતિહાસમાં તેમનું નામ મહત્ત્વનું પણ છે. પછી તે નિમ્મી, શ્યામા કે શકીલા હોય. તેઓએ હિંદી ફિલ્મોમાં આવીને દર્શકોના હૃદયમાં એક સ્થાન બનાવ્યું હતું અને પછી લોકોેના મગજમાંથી તેઓ ભૂલાઈ પણ ગયાં. તેમની સફળતાના સમયે કોઈપણ ફિલ્મી મેગેઝિનોમાં તેમના નામની, તેમના વિશેના લેખોની બોલબાલા હતી. પણ આજે, શું તમે એ પણ જાણો છો કે તેઓ ક્યાં છે અને કેવી જિંદગી વિતાવી રહ્યાં છે? અથવા એક વખતે ઝળહળતી સફળતા અને  ઝાકઝમાળભરી જિંદગીમાં જીવ્યા પછી હવે વધતી વય સાથે અંધારાભરી જિંદગી તેઓને કેવી લાગે છે?

આ કલાકારોએ આજે પોતાની ફિલ્મ કારકિર્દીને અલવિદા કહી દીધી છે અને જિંદગીના અંતિમ કિનારે ઉભા રહી અત્યારના જમાનાને તેઓ જુએ છે. ૫૦ના દાયકામાં બરસાત, અમર અને આન ફિલ્મોમાં ચમકનાર નિમ્મી કહેતી હતી ''સ્ટારપદનો  અનુભવ અને મારી રીતે મળ્યો. મારે મારી આસપાસની એ રહસ્યમય આભા જાળવી રાખી હતી એટલે લોકો મને ફિલ્મી પડદે જોવા ઈચ્છતા હતાં તો પણ મેં ફિલ્મોમાં કામ કરવાનું છોેડી દીધું. આટલી બધી પ્રસિધ્ધિ મેળવ્યા પછી ચરિત્ર પાત્રો કરીને ઊતરી જવાની મારી ઈચ્છા નહોતી કે પછી લોકોથી સાવ અતડા થઈ જવું પડે.  હું એ સ્વીકારી શકી હોત નહીં.'' તેના જ જમાનાની અભિનેત્રી હતી, બેગમ પારા, જે દિલીપકુમારના ભાઈ નાસીર ખાનને પરણી હતી. તે આ વાત સાથે સંમત થતાં કહે છે, ''જ્યારે તમને ખબર પડે કે પડદો પડવાની તૈયારીમાં છે,  ત્યારે જ ગરિમાપૂર્વક ખસી જવું જોઈએ. તેનાથી એક વાતની ખાતરી થઈ જાય છે કે લોકો તમને એ જ હૂંફ  સાથે યાદ રાખશે.'' એવી તેની માન્યતા છે.

જો કે, આ બધાં જ કલાકારો એવાં નહોતાં જેમની નરગીસ, વૈજયંતિમાલા કે ગીતા બાલી જેવી અનોખી સ્ટાઈલ હોય અને પ્રેક્ષકોનેે તે પોતાની તરફ આકર્ષે. ''મીનાકુમારી પોતાની દર્દભરી અદા માટે અને મધુબાલા તેની સુંદરતા માટે જાણીતી હતી. તોે મૈં કહા કમ થી,'' એવું નિમ્મી હસતાં હસતાં કહે છે, જેણે ગુરુદત્તની આરપારથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ''મેં પણ અનેક લોકોનાં દિલ ઉપર રાજ કર્યું હતું. મારા પતિ, સ્વર્ગીય ફાલી મિસ્ત્રી જેઓ સિનેમેટોગ્રાફર અને દિગ્દર્શક હતાં, તેઓ કહેતા કે સીન પછી ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફોટોજેનિક ચહેરો મારો હતો. એટલે જ તેઓ મારા પ્રેમમાં પડયા હતાં.'' તો હવે તેને પોતાની જિંદગીમાં શેની ખોેટ સાલે છે?  શ્યામા આ પ્રશ્નનો વિચાર કરીને જવાબ આપે છે, ''જો ખોટ સાલતી હોય તો પણ કાંઈ કરી શકાય નહીં. બસ, યાદેં રહે ગઈ હૈ. સચ બતાઉં, હવે હું મારા ઘરના હોલમાં પણ પગ મૂકતી નથી. હું યુવાન હતી એ સમયના અનેક ફોટાં અહીં રખાયા છે. એ આખો રૂમ યાદોથી ભર્યો છે.'' એમ  તે 

કહેતી હતી. યાદો તો એ જમાનામાં લઈ જાય છે, જ્યારે તેઓ પ્રસિધ્ધિના શિખરે હતાં અને તેમના ઘરની બહાર મોરીસ, ઓસ્ટીન, મર્સીડીઝ, ફીયાટ અને અન્ય ઈમ્પોર્ટેડ ગાડીઓની હાર લાગેલી રહેતી. નિસાસો નાખતાં સીઆઈડી ફિલ્મમાં દેવઆનંદની  હિરોઈન બનનાર અભિનેત્રી શકીલાએ જણાવ્યું હતું, ''એ સમયે મારી પાસે એ બધી જ ગાડીઓ હતી. આજે મારી પાસે એક જ ઓપ્ટ્રાકાર છે. પણ, સમય સાથે લાઈફ સ્ટાઈલ પણ બદલાતી રહે છે. પેટ્રોલ કે ભાવ ભી તો કિતને બઢ ગયે હૈ!''

એક સમયે ખૂબ જ વૈભવશાળી જીવન જીવતાં આ કલાકારોને હવે સામાન્ય માણસની જેમ જીવન જરૂરિયાતની વસ્તુઓનાં વધતા ભાવ સામે ફરિયાદ કરવી પડે છે. એ જાણીને નવાઈ લાગે કે જીવનના પાનખર સમયે આ વયોવૃધ્ધ કલાકારોને બે છેડાં ભેગાં કરવા માટે આટલી મુશ્કેલી શા માટે થઈ રહી છે. ''હું ફિલ્મોમાં હતી ત્યારે જ મારા પૈસાનું યોગ્ય રોકાણ કરવા જેવું ડહાપણ મેં કર્યું હતું. આજે હું રીતસરની તેના વ્યાજ ઉપર જ જીવું છું.'' બેગમપારા એ કહ્યું હતું કે ઘણાં અન્ય કલાકારો પણ કબૂલે છે કે તેમણે પોતાના સારા દિવસોની કમાણીનું યોગ્ય રોકાણ કર્યું હોવાથી ''આજે શાંતિથી જીંદગી પસાર કરી શકે છે.''

 શ્યામા કહે છે, ''એ દિવસોમાં અમે સંપૂર્ણપણે અમારા પગાર ઉપર આધાર રાખતાં હતાં. પણ જો અમે કાંઈક નવું શોધ્યું હોત તો કદાચ અમારી આવક વધારવાના અન્ય રસ્તા શોધી શક્યા હોત.'' નિમ્મી પણ એ વાત કબૂલેલી કે આજના કલાકારો એકદમ હોશિયાર અને ચતુર છે.  અમે પણ બચતની વાતે એમના જેવા હોત તો કેવું સારું થાત.''

પૈસા એક એવી બાબત છે, જેના માટે આ દરેક કલાકારને એક યા બીજી રીતે ઉચાટ છે તો એકલતાનું શું? બૉલીવૂડના ચમચાઓ, જી હજુરિયાઓ, આ બધાંની પણ તેમને ખોેટ સાલતી નથી? બેગમ પારા જવાબ આપે છે, ''ખાસ નહીં.  વર્ષો અગાઉ સુધી નિમ્મી, નિરૂપા રૉય, સ્મૃતિ વિશ્વાસ, નાદિરા અને હું નિયમિત મુંબઈની વરલીની એનએસસીઆઈ ક્લબમાં મળતા હતાં. અને લંચ તથા ડ્રીંક્સ લેતા હતાં.  અને ધરાઈએ ત્યાં સુધી ગોસીપ કરતાં હતાં.  

પણ આ બધામાં એક સામાન્ય ખાસિયત જોવા મળે છે, આજની ફિલ્મો જોવાનો શોખ. તેમના મતે પણ આજની ફિલ્મો ટેક્નીકલી આગળ હોવા છતાં આત્મા વગરની છે. ''એ જોઈને દુ:ખ થાય છે કે આજની હિરોઈનો કપડાં ઉતારવામાં એકબીજાની સ્પર્ધા કરે છે. અમારા જમાનામાં તો અભિનેત્રીઓમાં કેટલી જાજવલ્યતા અને માન હતું.  હું માનતી હતી કે યુસુફ સાબ સાથે સરખામણી થઈ શકે તેવો કોઈ સુપરસ્ટાર નથી. પણ અમિતાભે મારી એ માન્યતા તોડી નાખી છે.''